કોલકત્તાની ઘટના અંગે CBIની તપાસ ક્યાં પહોંચી ? કેટલા લોકોની કરવામાં આવી ધરપકડ ?
- કોલકત્તાકાંડ : 37 ની ધરપકડ, 4 સ્ટુડન્ટની પૂછપરછ
- સીબીઆઇની તપાસ ઝડપી બની : હોસ્પિટલના 2 ડોકટરોની પણ પૂછતાછ, હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ છુપાવી રહ્યા છે હકીકતો ?
કોલકત્તાની ઘટના અંગે સીબીઆઇ દ્વારા તપાસ ઝડપી બનાવાઇ છે. સોમવારે અધિકારીઓએ હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંજય ઘોષ તથા મેડિકલના 4 સ્ટુડન્ટની પૂછપરછ કરી હતી અને અનેક સવાલો કર્યા હતા. હજુ પણ કેટલાક લોકોની પૂછપરછ થવાની છે.
આ ઉપરાંત સીબીઆઇની ટીમ પીડિતાના ઘરે પણ ગઈ હતી અને ફાટેલી ડાયરી અંગે કડીઓ મેળવવા પ્રયાસ થઈ રહ્યો છે. બીજી બાજુ પોલીસે હોસ્પિટલના 2 ડોકટરોને બોલાવ્યા હતા અને એમની પણ પૂછતાછ થઈ હતી.
જો કે ડોકટરોને બોલાવવા સામે તબીબોએ દેકારો કરીને વિરોધ કર્યો હતો અને પોલીસ વડામથક સુધી માર્ચ કાઢવાની ચીમકી આપી હતી. પોલીસે એમને મંજૂરી આપી નથી. બીજી બાજુ સીબીઆઈએ અત્યાર સુધીમાં 37 લોકોની ધરપકડ કરી છે અને તેમાં કેટલાકની અટકાયત હોવાનું જણાવ્યું હતું.
પૂર્વ પ્રિન્સિપાલની રવિવારે પણ 13 કલાક સુધી પૂછતાછ કરવામાં આવી હતી. આ ડૉક્ટર જ રહસ્ય જાણતા હોવાની શંકા પણ છે અને સોમવારે પણ એમની પૂછપરછ થઈ હતી. સૂત્રોનો એવો દાવો છે કે પૂર્વ પ્રિન્સિપાલ ઘણું બધુ છુપાવી રહ્યા છે.
માનવ અંગ તસ્કરીનો મોટો આરોપ : તપાસ શરૂ
દરમિયાનમાં કોલકત્તાની વિવાદીત બનેલી હોસ્પિટલમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યાનો આરોપ ભાજપના નેતા લોકેટ ચેટરજીએ લગાવ્યો હતો. એમણે એવો આરોપ મૂક્યો હતો કે આ હોસ્પિટલમાં માનવ અંગોની તસ્કરી થતી હોવાની પ્રબળ શંકા છે માટે આ દિશામાં બારીક તપાસ થવી જોઈએ. એમણે સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાની માંગણી કરી હતી. એમણે કહ્યું છે કે હોસ્પિટલમાં માનવ અંગોનું ખરીદ વેચાણ થઈ રહ્યું છે.
પીડિતાની ડાયરીમાં શું છે રહસ્ય ?
પીડિતા રોજ પોતાની પર્સનલ ડાયરી લખતી હતી અને બનાવની રાત્રે પણ તેણીએ ડાયરી લખી હશે તેમ માનવામાં આવે છે. આ ડાયરીના કેટલાક પાનાં ફાટેલા હતા અને તેના વિષે પણ શંકા ઘેરી બનતી જાય છે. સીબીઆઇ હવે આ ડાયરીના રહસ્ય પરથી પડદો ઉઠાવવા માંગે છે અને પીડિતાના લેપટોપમાં પણ કોઈ હિંટ મળે છે કે કેમ તે દિશામાં સીબીઆઇ આગળ વધી રહી છે. પીડિતાના પરિવારજનો ડાયરી અંગે કઈ જાણે છે કે કેમ તે મામલે તપાસ થઈ રહી છે.