LMV લાયસન્સ ધારકો હળવા પરિવહન વાહનો ચલાવી શકે છે : સુપ્રિમ કોર્ટ
અકસ્માતો માટે માત્ર લાઇટ મોટર વ્હીકલ લાઇસન્સ ધારકોને દોષી ઠેરવી શકાય નહીં.
ચીફ જસ્ટીસના નેતૃત્વમાં પાંચ જજની બેંચનો ચુકાદો
વીમા કંપનીઓને ઝટકો
સુપ્રીમ કોર્ટે એક મહત્વનાં ચુકાદામાં કહ્યું હતું કે લાઇટ મોટર વ્હીકલ (LMV) લાયસન્સ ધારકો પણ હળવા પરિવહન વાહનો ચલાવી શકે છે. આવા લાયસન્સ ધારકો 7500 કિલોથી ઓછા વજનના પરિવહન વાહનો ચલાવી શકે છે.
સુપ્રીમ કોર્ટના 5 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે કહ્યું હતું કે, માર્ગ અકસ્માતો માટે માત્ર લાઇટ મોટર વ્હીકલ લાઇસન્સ ધારકોને દોષી ઠેરવી શકાય નહીં. અકસ્માતનું બીજું કારણ પણ હોય શકે છે.
આ ચુકાદાથી કોમર્શિયલ વાહન ચાલકોને મોટી રાહત મળી છે અને વીમા કંપનીઓને મોટો ઝટકો લાગ્યો છે.
સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે બુધવારે ચુકાદો આપ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે દેશમાં માર્ગ અકસ્માતો ચિંતાનો વિષય છે, પરંતુ LMV લાયસન્સ ધારકોને વધુ અકસ્માતો સર્જે છે, એવી દલીલના સમર્થનમાં વીમા કંપનીઓ કોઈ પુરાવા રજુ કરી શકી નથી.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે માર્ગ સુરક્ષા એક ગંભીર મુદ્દો છે. ભારતમાં 2023માં માર્ગ અકસ્માતને કારણે 1.7 લાખ લોકોના મોત થવાની ધારણા છે. આ અંગે હળવા વાહન ચાલકોના કારણે આ બધું થયું હોવાનું કહેવું પાયાવિહોણું છે. તેની પાછળ ઘણા કારણો છે જેમ કે સીટ બેલ્ટના નિયમોનું પાલન ન કરવું, મોબાઈલનો ઉપયોગ, નશામાં ગાડી ચલાવવી વગેરે… ડ્રાઇવિંગ માટે વિશેષ કૌશલ્યની જરૂર છે અને રસ્તાની સ્થિતિને પહોંચી વળવા કરવા માટે એકાગ્રતા અને વિક્ષેપોને ટાળવાની જરૂર છે.
બેંચનો ચુકાદો વીમા કંપનીઓ માટે મોટો ઝટકો છે. વીમા કંપનીઓ એવી દલીલો કરીને ઇન્સ્યોરન્સ ક્લેઈમ નકારી રહી છે કે ચોક્કસ વજનના ટ્રાન્સપોર્ટ વિહિકલનો અકસ્માત થયો હોય, તો કાયદાકીય જોગવાઈ મુજબ ડ્રાઈવર વાહન ચલાવવા માટે અધિકૃત નથી.
જસ્ટીસ હૃષિકેશ રોયે આ ચુકાદો લખ્યો હતો અને બેન્ચના દરેક જજે સર્વસંમતિથી ચુકાદાને માન્ય રાખ્યો હતો. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ રોય ઉપરાંત બેન્ચમાં જસ્ટિસ પીએસ નરસિમ્હા, પંકજ મિથલ અને મનોજ મિશ્રાનો પણ સમાવેશ થતો હતો.