નવજાત શિશુની ચોરી થાય તે હોસ્પિટલનું લાયસન્સ રદ કરો ! બાળકોની તસ્કરી અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ
હૉસ્પિટલમાંથી નવજાત શિશુની ચોરી થવા મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતાં કહ્યું કે, ‘જો કોઈ હૉસ્પિટલમાંથી નવજાત શિશુ ચોરાઈ જાય તો સૌ પ્રથમ તે હૉસ્પિટલનું લાઇસન્સ રદ કરો.’ કોર્ટે દિલ્હી એનસીઆરમાં નવજાત શિશુઓની તસ્કરી કરતી ગેંગના પર્દાફાશ સાથે સંબંધિત સમાચારની નોંધ લઈને આ ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે મંગળવારના રોજ બાળ તસ્કરીના કેસોના સંચાલન અંગે ઉત્તર પ્રદેશ તંત્રની ટીકા કરી હતી અને આવા ગુનાઓને રોકવા માટે રાજ્યોને કડક માર્ગદર્શિકા જારી કરવા આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશમાં બાળ તસ્કરીના કેસમાં આદેશ આપ્યો છે અને દિલ્હીમાં આ ગેંગની ધરપકડની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે. કોર્ટે કહ્યું કે, ‘દિલ્હી ગેંગના ખુલાસાની ઘટના ખૂબ જ આઘાતજનક છે અને તેમાં કોર્ટની હસ્તક્ષેપની જરૂર છે.
કોર્ટે દિલ્હી પોલીસ પાસેથી આ અંગેની તપાસનો રિપોર્ટ પણ માંગ્યો છે. આ ઉપરાંત કોર્ટે પોલીસને દિલ્હીની અંદર અને બહાર બાળકોની ચોરી કરતી સક્રિય ગેંગ સામે કાર્યવાહી કરવા માટે દિલ્હી પોલીસ દ્વારા શું પગલાં લેવામાં આવ્યા તે અંગે પણ પૂછ્યું હતું.
કોર્ટે સુઓમોટો કેસની આગામી સુનાવણી 21 એપ્રિલના રોજ નક્કી કરી છે. જસ્ટિસ જેબી પારડીવાલા અને આર મહાદેવનની બેન્ચ હૉસ્પિટલોમાંથી બાળકોની ચોરીમાં સંડોવાયેલા ગેંગ સાથે સંબંધિત કેસમાં જામીન અરજીની સુનાવણી કરી રહી હતી. સુપ્રીમ કોર્ટે આ કેસના તમામ આરોપીઓને નીચલી કોર્ટમાં આત્મસમર્પણ કરવા કહ્યું હતું.