અરવિંદ કેજરીવાલે CM પદેથી રાજીનામું આપવાની કરી જાહેરાત
પક્ષના ધારાસભ્યો નવા મુખ્યમંત્રી નક્કી કરશે ફેબ્રુઆરી ને બદલે નવેમ્બરમાં ચૂંટણી કરવાની માંગ
અરવિંદ કેજરીવાલે બે દિવસ પછી દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી બધાને ચોંકાવી દીધા હતા..તિહાર જેલમાંથી જામીન ઉપર બહાર આવ્યા બાદ પ્રથમ વખત આમ આદમી પાર્ટીના કાર્યકરોને સંબોધન કરતી વેળાએ તેમણે આ ધડાકો કર્યો હતો. બે દિવસ પછી પાર્ટીના ધારાસભ્યો તેમજ કેબિનેટની મિટિંગમાં નવા મુખ્યમંત્રી નક્કી કરવામાં આવશે તેવી ઘોષણા સાથે જ તેમણે આવતા વર્ષે ફેબ્રુઆરી માસમાં યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સાથે નવેમ્બર મહિનામાં જ યોજવા અનુરોધ કર્યો હતો.
કેજરીવાલ એ કાર્યકરોને સંબોધતા કહ્યું કે અદાલતે ચુકાદો આપી અને મારો જામીન પર છુટકારો કર્યો છે પરંતુ જ્યાં સુધી મને દિલ્હીના લોકો ચુકાદો નહીં આપે ત્યાં સુધી હું મુખ્યમંત્રી પદની ખુરશી પર બેસીસ નહીં.
તેમણે કહ્યું કે હું દિલ્હીના એક એક ઘરે જઈશ અને લોકોને પૂછીશ કે હું પ્રમાણિક છું કે નહીં? મે દિલ્હી માટે કામ કર્યું છે કે નહીં?
નવા મુખ્યમંત્રી તરીકે મનીષ સિસોદિયા નહીં હોય તેવું પણ કેજરીવાલે સ્પષ્ટ કરી દીધું હતું. તેમણે કહ્યું કે મેં આ બાબતે સિસોદિયા સાથે વાત કરી છે અને તેમણે પણ એવો જ મત વ્યક્ત કર્યો છે કે તેઓ પ્રજા તરફથી પ્રમાણિકતાનું પ્રમાણપત્ર મળે તે પછી જ હોદો સંભાળશે.
બંધારણ બચાવવા માગતો હતો એટલે રાજીનામું નહોતું આપ્યું
કેજરીવાલે કહ્યું કે હું બંધારણ બચાવવા માગતો હતો એટલે મેં પહેલા રાજીનામું આપ્યું. કેન્દ્ર સરકારે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, કેરાળા ના મુખ્યમંત્રી પીનારાઈ વિજ્યન અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે પણ ગુના નોંધ્યા છે. વિપક્ષના મુખ્યમંત્રીઓ સામે કેસ કરવાની ભાજપ સરકારની આ મેલી રમતને નિષ્ફળ બનાવવા માટે તેમણે એ બધા મુખ્યમંત્રીઓને પણ રાજીનામુ ન આપવા માટે વિનંતી કરી હતી.
કેન્દ્ર સરકારની તાનાશાહી બ્રિટિશરો કરતા પણ વધારે
કેજરીવાલે કેન્દ્રની ભાજપ સરકારને બ્રિટિશરો કરતા પણ વધારે દમનકારી ગણાવી હતી. તેમણે કહ્યું કે જેલમાંથી મેં લેફ્ટેનન્ટ ગવર્નરને માત્ર એક જ પત્ર લખ્યો હતો અને તે પણ સ્વાતંત્ર્ય દિને મારી બદલે આતિશીને ધ્વજ ફરકાવવાની મંજૂરી આપવા અંગે. તેમણે ઉમેર્યું કે એ પત્ર પણ પરત મોકલી દેવામાં આવ્યો હતો અને જો હું બીજો પત્ર લખું તો મારા પરિવારજનો સાથે ન મળવા દેવાની ધમકી આપવામાં આવી હતી.