દે ધના.. ધન… દ્વારકાના ક્લાયણપુરમાં 5 ઈંચ તો ઉપલેટાના લાઠ ગામે 11 ઇંચ વરસાદથી જળબંબાકાર
આજે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના ત્રણ-ત્રણ જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ છે. તો મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે. ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે સૌરાષ્ટ્ર પર મેઘરાજા પોતાનું હેત વરસાવી રહ્યા છે. વહેલી સવારથી ગીર સોમનાથ, જૂનાગઢ, માણાવદર અને ઉપલેટામાં મેઘરાજાની ધબધબાટી બોલાવી રહ્યા છે.

ગુજરાતમાં રવિવારના રોજ 150 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સવારે ધીમી શરૂઆત કર્યા બાદ મેઘરાજાએ બપોર બાદ ધમાકેદાર બેટિંગ કરી હતી. ત્યારે આજે પણ સવારથી મેઘરાજા અનેક જીલ્લામાં દે ધનાધન વરસી રહ્યા છે. ત્યારે વાત કરીએ દ્વારકા જીલ્લાની તો 8 થી 10 વાગ્યા (2 કલાકમાં ) 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો તો માણાવદર, ઉપલેટામા ત્રણ ત્રણ ઇંચ, રાણાવાવમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો.

ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપલેટાના મજેઠી, લાઠ, ભીમોરા, કુઢેચ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. લાઠ ગામમાં જતો કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. 11 ઈંચ વરસાદના પગલે ઠેર- ઠેર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અનરાધાર વરસાદના કારણે વાહન વ્યવહાર બંધ છે તો દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. હાલ લાઠ ગામે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાયે છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં સવા આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો.