યુદ્ધ વિરામ પૂર્ણ થયા બાદ ગાઝા ઉપર ઇઝરાયેલ ફરી તૂટી પડ્યું
બે દિવસના હુમલામાં વધુ 184 નાગરિકોના મોત
હમાસે યુદ્ધ વિરામની શરતોનો ભંગ કર્યો હોવાનો અમેરિકાનો આક્ષેપ: ગાઝામાં ફરી હિંસાનું તાંડવ
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે શુક્રવારે સવારે યુદ્ધ વિરામનો અંત આવ્યા બાદ ઇઝરાયેલ એ કરેલા હુમલામાં બે દિવસમાં વધુ 184 નાગરિકો ના મૃત્યુ થયા હતા જ્યારે 589 ઘાયલ થયા હતા. ઇઝરાયલે કરેલા હવાઈ હુમલામાં 20 મકાનો તૂટી પડ્યા હોવાનું ગાઝાના પ્રવક્તાએ જણાવ્યું હતું.
શુક્રવારે યુદ્ધ વિરામની અવધી પૂરી થઈ તે સાથે જ ઇઝરાયલે નવેસરથી જમીની અને હવાઈ હુમલા શરૂ કરી દીધા હતા. ઇઝરાયલની વાયુ સેનાએ દક્ષિણ ગાઝાના ખાન યુનુસ શહેર ઉપર ભયંકર બોમ્બવર્ષા કરી હતી. ફરી એક વખત યુદ્ધ શરૂ થતા ગાઝામાં માનવીય કટોકટી વધુ ઘેરી બનવાની યુનાઇટેડ નેશને દહેશત વ્યક્ત કરી હતી.
બીજી તરફ ઇઝરાયલના નવા હુમલા ને સમર્થન આપતા હોય તેમ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લીનકેને હમાસે યુદ્ધ વિરામની શરતોનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. અત્રે યાદ કરવું જરૂરી છે કે હમાસ અને ઇઝરાયલ વચ્ચે ચાર દિવસના યુદ્ધ વિરામની મુદત પૂર્ણ થયા બાદ હમાસે વધુ બંધકોને મુક્ત કરતા યુદ્ધ વિરામ બે દિવસ લંબાયો હતો. એ દરમિયાન હમાસે સો બંધકોને અને ઇઝરાયલે 300 પેલેસ્ટેનીયન નાગરિકોને મુક્ત કર્યા હતા.
સામ સામા આક્ષેપ
ઇઝરાયેલના જણાવ્યા મુજબ હમાસના આંતકીઓએ જેરુસલામમાં હુમલો કરી ત્રણ ઇઝરાયેલી નાગરિકોને મારી નાખ્યા હતા એટલું જ નહીં યુદ્ધ વિરામ પૂર્ણ નહોતો થયો ત્યારે જ હમાસે ઇઝરાયેલ ઉપર રોકેટ મારો શરૂ કરી દીધો હતો. સામા પક્ષે હમાસના કહેવા મુજબ વધારાના બંધક મુક્ત કરવાની તેમ જ ઇઝરાયલી એરસ્ટ્રાઈકમાં માર્યા ગયેલા બંધકોના મૃતદેહો પરત કરવાની હમાસની દરખાસ્ત ઇઝરાયલે સ્વીકારી નહોતી અને નવેસરથી હુમલા શરૂ કરી દીધા હતા.
યુદ્ધ વિરામ માટે નવેસરથી પ્રયત્નો
યુદ્ધ વિરામમાં મહત્વની ભૂમિકા ભજવનાર કતારે બંને પક્ષો સાથે મંત્રણાનો નવો દોર શરૂ કર્યો હતો. ઇજિપ્તે પણ બંને પક્ષોને સંયમ જાળવવા અપીલ કરી હતી. જર્મનીએ યુદ્ધ વિરામ જારી રાખવા માટે અનુરોધ કર્યો હતો. અમેરિકાએ ઇઝરાયલ માનવીય સહાય પહોંચાડતા વાહનોને નિર્વિઘ્ને પ્રવેશવા દેશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ બધા વચ્ચે દુબઈ ખાતે યોજાયેલ ક્લાઇમેટ ચેન્જ સમિટમાં ઇઝરાયેલના પ્રમુખ તથા પ્રતિનિધિ મંડળની ઉપસ્થિતિના વિરોધમાં ઈરાનના પ્રતિનિધિ મંડળે ક્લાયમેટ કોન્ફરન્સ નો બહિષ્કાર કર્યો હતો.