રાજકોટથી દિલ્હી જઈને મુખ્યમંત્રી ઉપર હુમલાનું કારણ શું,દોરવણી કે બીજું કાંઈ? રાજકારણીઓ, પોલીસ અધિકારીઓ માથું ખંજવાળી રહ્યા છે!
રાજકોટના એક રિક્ષાચાલક કે જે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર તેના જ ઘરમાં ઘૂસીને હુમલો કરી દેવાની ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો છે ત્યારે આખરે આ હુમલા પાછળનું કારણ શું જાણવા અને રાજકોટથી દિલ્હી સુધીના રાજકારણીઓ, પોલીસ અધિકારીઓ તેમજ રાજકોટવાસીઓ માથું ખંજવાળતાં થઈ ગયા છે. રાજકીય ગલિયારાઓમાં એવા સવાલ પૂછાઈ રહ્યા છે કે કે આ હુમલા પાછળ કોઈની દોરવણી પણ હોઈ શકે છે. હુમલાને અંજામ આપનારો રાજેશ ખીમજી સાકરિયા જ્યારે પકડાર્યો ત્યારે તે શ્વાનપ્રેમી હોવાનું અને સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને રખડતાં શ્વાન પકડવાનો આદેશ આપ્યા બાદ કરાયેલી કાર્યવાહીથી ક્રોધિત થઈને આ હુમલો કર્યો હોવાની એક ચર્ચા શરૂ થઈ હતી. જ્યારે બીજી વાત એવી વહેતી થવા પામી હતી કે રાજેશનું કોઈ પરિજન જેલમાં બંધ હોવાથી તે દિલ્હીના મુખ્યમંત્રીને અરજી આપવા ગયો હતો. જો કે પોલીસ તપાસમાં આ બન્ને વાત ખોટી નીકળી છે.

હવે સવાલ એ ઉપસ્થિત થાય કે એક રિક્ષાચાલકે માત્ર બે દિવસની અંદર જ દિલ્હીના મુખ્યમંત્રી સુધી પહોંચવું કેવી રીતે સહિતની તૈયારી કેવી રીતે કરી લીધી ? આ પાછળ ચોક્કસપણે કોઈની દોરવણી હોવાની શક્યતા જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. દિલ્હી પોલીસની તપાસમાં એવી વિગત સામે આવી છે કે રાજેશ સાકરિયા મંગળવારે સવારે 11.30 વાગ્યે મુખ્યમંત્રીનું નિવાસસ્થાન કે જે શાલીમાર બાગ પાસે સિવિલ લાઈન્સમાં આવેલું છે ત્યાં પહોંચીને પોતે અરજદાર છે અને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવાની હોવાનું કહી રસિદ લઈ આવ્યો હતો. વળી, રાજેશને એ પણ ખબર હતી કે દિલ્હીના આ પછી તે મુખ્યમંત્રીના નિવાસસ્થાનથી થોડે જ દૂર આવેલા ગુજરાત ભવનમાં રોકાઈ ગયો હતો અને બીજા દિવસે સવારે અરજદારો સાથે લાઈનમાં ઉભો રહી ગયો હતો. રાજેશનો રજૂઆતનો ક્રમ સાતમો હતો અને 8.20 વાગ્યા આસપાસ જેવો તેનો ક્રમ આવ્યો કે તેણે મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપર હુમલો કરી દીધો હતો.
પુત્ર રાજેશ ઘરેથી ઉજ્જૈન જવાનું કહી દિલ્હી પહોંચી ગયો: માતા ભાનુબેન

રાજેશ સાકરિયાના માતા ભાનુબેને જણાવ્યું હતું કે તે મહાદેવનો ભક્ત હોવાથી રવિવારે જ ઉજ્જૈન જવાનું કહીને રાજકોટથી નીકળ્યો હતો. આગલા દિવસે શ્રાવણનો સોમવાર હોય તે ઉજ્જૈન જઈ રહ્યાનું કહ્યું હતું પરંતુ જ્યારે તેના પિતાએ ફોન કર્યો ત્યારે તે દિલ્હીમાં હોવાનો જવાબ આપ્યો હતો અને અહીં તે શ્વાનો સામે થઈ રહેલી કાર્યવાહી અંગે અરજી આપવા ગયાનું જણાવ્યું હતું. રાજેશને દારૂ પીવાની ટેવ હતી પરંતુ પાંચ વર્ષથી તેણે બધું છોડી દીધાનું ભાનુબેને જણાવી ઉમેર્યું હતું કે રાજેશ મને તેમજ તેના પત્ની-સંતાનોને પણ ગમે ત્યારે મારતો હતો કેમ કે તેનો મગજ જ ગરમ છે!
હુમલો કરતા પહેલાં મિત્રને ફોન કર્યો હતો
તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે રાજેશે હુમલો કરતા પહેલાં પોતાના મિત્રને ફોન ઉપર જણાવ્યું હતું કે તે શાલીમાર બાગ સ્થિત મુખ્યમંત્રી આવાસ ઉપર પહોંચી ગયો છે. વળી, રાજેશ પહેલીવાર જ દિલ્હી આવ્યો હોવાનું પણ ખુલ્યું છે. તે દિલ્હીની સાઈકલરિક્ષામાં બેસીને મુખ્યમંત્રી આવાસ સુધી પહોંચ્યો હતો.

પાંચ વખત રાજેશ પકડાયો, કોઇ વાર માનસિક અસ્વસ્થ ન લાગ્યાનું પોલીસનું કથન…
રાજેશ સામે પાંચ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે પાંચેય કેસમાં તેની ધરપકડ કરી હતી ત્યારે આ અંગેની તપાસમાં સામેલ પોલીસ અધિકારીઓ અને કર્મી ઓને પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ૨૦૧૭થી ૨૦૨૪ સુધીના સાત વર્ષમાં રાજેશ ક્યારેય માનસિક અસ્વસ્થ હોય તેનું લાગ્યું ન્હોતું. પોલીસે તો એમ પણ જણાવ્યું હતું કે રાજેશ મહાદેવનો અનન્ય ભક્ત હતો અને તે લલૂડી વોંકળીમાં આવેલી ઓરડીમાં દારૂ છુપાવતો હતો ત્યાં જ બાજુમાં આવેલા મહાદેવના મંદિર પાસે પડયો પાથર્યો રહેતો હતો.
રાજેશ ઉપર દારૂની હેરાફેરીના ત્રણ અને મારામારીના બે ગુના

દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલો કરનારા રાજેશ ખીમજીભાઈ સાકરિયા (રહે.ગોકુલ પાર્ક શેરી નં.2, કોઠારિયા મેઈન રોડ પર રણુજા મંદિર પાસે) સામે દારૂની હેરાફેરીના ત્રણ અને મારામારીના બે ગુના નોંધાયેલા છે. આ પાંચેય ગુના ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. તેના વિરુદ્ધ સૌથી પહેલી ફરિયાદ 26-9-2017ના નોંધાઈ હતી.
આ પછી બીજી ફરિયાદ 29-10-2020, ત્રીજી ફરિયાદ 17-8-2020, ચોથી ફરિયાદ 31-7-2022 અને પાંચમી ફરિયાદ 1-2-2024માં નોંધાઈ હતી.
