વડોદરાની પોલીટેકનીક બિલ્ડીંગ ખાતે થશે મત ગણતરી : 750 જેટલા પોલીસ જવાનો ખડે પગે
દેશભરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં આગામી ચોથી જૂને મત ગણતરી યોજનાર છે ત્યારે વડોદરા લોકસભા તેમજ વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી માટે પોલીટેકનીક બિલ્ડીંગ ખાતે મત ગણતરીની તમામ તૈયારીઓ પોલીસ તંત્ર દ્વારા સંપન્ન કરી દેવામાં આવી છે આશરે 750 જેટલા પોલીસ જવાનો ખડે પગે વિવિધ લેયરમાં મતગણતરી સેન્ટર પર સુરક્ષા બંદોબસ્તમાં જોડાશે.
વડોદરા શહેર જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામા દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ચોથી જુનના રોજ યોજનારી વડોદરા લોકસભા તેમજ વાઘોડિયા વિધાનસભાની મતગણતરી માટે નો એક્શન પ્લાન ઘડી નાખવામાં આવ્યો છે.જેમાં 290 જેટલા ટ્રાફિક જવાનો સહિત 400 પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ મતગણતરી પ્રક્રિયામાં મતગણતરી મથક ની સુરક્ષામાં ખડે પગે હાજર રહેશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે,EVM સ્ટ્રોંગ રૂમ માટે પેરામિલિટરી ફોર્સ તેમજ સ્ટેટ રિઝર્વ પોલીસ પણ ખડે પગે ત્યાં હાજર રહેશે.
પોલિટેકનિક ખાતે યોજનારી મતગણતરીમાં વહેલી સવારે ચાર વાગ્યાથી જ મુખ્ય માર્ગ પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવનાર છે. જ્યારે મતગણતરી મથકમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉમેદવાર તેમજ એજન્ટના પ્રવેશ માટે ગેટ નંબર 2 થી પ્રવેશ આપવામાં આવશે. જ્યારે અધિકારીઓ તેમજ પોલીસ જવાનો માટે ગેટ નંબર 1 પર પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉમેદવાર તેમજ અધિકારીઓ માટે અલગથી પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે ટેકેદારો તેમજ સમર્થકો માટે યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. વહેલી સવારથી શરૂ થનારી મત ગણતરી માટે પોલીસે તમામ તૈયારીઓ સંપન્ન કરી લીધી છે.