રાજકોટની ભાગોળે ભાયાસર ગામે સરકારે સીલ કરેલું કારખાનું ખોલી માલિકે એક વર્ષ ફેલાવ્યું પ્રદૂષણ
રાજકોટની ભાગોળે ભાયાસર ગામે એક વર્ષ પહેલાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિપોર્ટ બાદ મામલતદાર દ્વારા સીલ કરાયેલા કારખાનાનું તેના માલિક દ્વારા સીલ તોડી એક વર્ષ સુધી ધમધમાવ્યું હોવાનું ધ્યાન પર આવતાં તેના માલિક સામે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે ગુજરાત પ્રદૂષણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં વૈજ્ઞાનિક અધિકારી તેમજ ઈન્ચાર્જ પ્રાદેશિક અધિકારીતરીકે ફરજ બજાવતાં કમલેશકુમાર ખોડાભાઈ લકુમે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ભાયાસર ગામે મહેશ પટેલ નામના વ્યક્તિનો પાઈરોલિસિસ પ્લાન્ટ હવામાં પ્રદૂષણ ફેલાવી રહ્યો હોય તેને સીલ કરવા જિલ્લા કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો હતો. આ પછી મામલતદાર દ્વારા 14-2-2024ના આ પ્લાન્ટને સીલમારવામાં આવ્યો હતો.

જો કે ૩ ફેબ્રુઆરી-2025ના નરેન્દ્રસિંહ જાડેજા નામની વ્યક્તિ દ્વારા પ્લાન્ટ ચાલું હોવાની ફરિયાદ કરાતાં ૪ ફેબ્રુઆરી-2025ના બપોરે નાયબ પર્યાવરણીય ઈજનેર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યાહતા પરંતુ મુખ્ય ગેઈટ અંદરથી બંધ હોય તે ખોલી શકાયો ન્હોતો. વળી, એકમની ફરતે દિવાલ બહુ ઉંચી હોય અને તેના પર કાંટાવાળા લોખંડના તારથી ફેન્સીંગ કરવામાં આવ્યું હોવાથી અંદર જઈ શકાય તેમ ન હોવાથી અધિકારીઓએ સરકારી ગાડીના બોનેટ પર ચડીને અંદર જોતાં અંદર ચાર રિએક્ટર, લાકડા, ટાયરનો વેસ્ટ, કાર્બન પાઉડર, તારનો વેસ્ટ, એક ટ્રેક્ટર અને બે ટેન્ક જોવા મળ્યા હતા.
આ પણ વાંચો : સરકાર તમારે દ્વારે! હવે તમને સરકારી યોજનાનો લાભ ઘર આંગણે મળી રહેશે, આ તારીખ સુધી લોકો મેળવી શકશે લાભ
ચાર પૈકી એક રિએક્ટર ચાલું હોવાનું ધ્યાન પર આવતાં નાયબ મામલતદાર સહિતને જાણ કરાઈ હતી. ત્યારબાદ તમામ અધિકારીઓએ બીજી વખત સ્થળ તપાસ કરતાં પ્લાન્ટ ધમધમી રહ્યાનું ધ્યાન પર આવતાં જ મહેશ પટેલ સહિતના સામે સરકારી સીલ તોડવા સહિતના મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.