ટોલમાંથી મુક્તિની માંગ સાથે ગ્રામજનોનો હલ્લાબોલ
મોડીરાત્રે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ટોલનાકુ બંધ કરાવી દઇ હાઇ-વે પર ચક્કાજામ કર્યા: પોલીસે મામલો થાળે પાડ્યો
મોરબી જિલ્લાના વાંકાનેર નજીક હાઈ-વે પર આવેલ વઘાસિયા ટોલનાકા પર ટોલટેક્સના મુદ્દે ચાલ્યો આવતો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. ચાર દિવસ પહેલાં સ્થાનિક રહેવાસીઓ પાસે ટોલટેક્સ ઉઘરાવતા માથાકૂટ થયા બાદ ગઈકાલે રાત્રે ટોલનાકાના કર્મચારીઓની દાદાગીરીના વિરોધમાં સ્થાનિક રહેવાસીઓએ ટોલનાકા પર હલ્લાબોલ કરી રસ્તા પર બેની જતાં અડધી કલાક સુધી ટ્રાફિકજામ થઈ જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
મોરબી-વાંકાનેર વચ્ચે વઘાસિયા ગામ પાસે આવેલ ટોલનાકુ અવારનવાર વિવાદમાં સપડાય છે. સૌરાષ્ટ્ર-ગુજરાતને કચ્છ સાથે જોડતા નેશનલ હાઈ-વે પર કાર્યરત ટોલનાકાના કોન્ટ્રાક્ટર સાથે અવારનવાર સ્થાનિક ગ્રામજનોને ઘર્ષણ થતું રહે છે.
આ પણ વાંચો: થાનગઢમાં 51 કિલો પોશડોડાના જથ્થા સાથે ચાર શખસો ઝડપાયા
સ્થાનિક ગ્રામજનો પાસેથી પણ ટોલનાકા પરથી પસાર થવા માટે ટોલટેક્સ વસુલવામાં આવતો હોય સ્થાનિક ગ્રામજનોએ ટોલટેક્સમાંથી મુક્તિ આપવા અનેક વખત રજૂઆતો પણ કરી છે.
ચાર દિવસ પહેલાં પણ સ્થાનિનક ગ્રામજનો ટોલનાકા પરથી પસારી થતાં તેમની પાસેથી ટોલટેક્સ ઉઘરાવવામાં આવતા માથાકૂટ થઈ હતી જે બાબતે સીસીટીવી ફૂટેજ વાઈરલ થયા બાદ પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
સ્થાનિક ગ્રામજનો પાસેથી વસુલવામાં આવતા ટોલટેક્સના મુદ્દે અને ગ્રામજનો સામે ફરિયાદ થતાં ગઈકાલે રાત્રે ગ્રામજનોમાં ભારે રો જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો ટોલનાકા પર ધસી જઈ સ્થાનિનક ગ્રામજનોને ટોલટેક્સમાંથી મુક્તિ આપવાની ઉગ્ર માંગ સાથે ગ્રામજનોએ ટોલનાકુ બંધ કરાવી દઈ રોડ પર બેસી જઈ ચક્કાજામ કરી દેતા હાઈ-વે પર વાહનોના ખડકગલા થઈ ગયા હતા.
આ ઘટનાની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી જઈ પોલીસ અધિકારીઓએ દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો અને સમજાવટ બાદ ગ્રામજનોએ રસ્તા રોક આંદોલન પડતું મુક્યુ હતું.
