રાજ્યના બે અધિકારીઓએ ખાતાકીય પરીક્ષામાં નાપાસ થવાનો રેકોર્ડ સર્જ્યો, 10મી વખત થયા ફેઈલ
રાજ્યના પંચાયત વિભાગમાં ફરજ બજાવતા વર્ગ-2 અને વર્ગ -3ના કર્મચારીઓને વર્ગ-2માં બઢતી માટે સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા એટલે કે, સ્પીપા દ્વારા નવેમ્બર-2024માં લેવામાં આવેલ ગુજરાત વિકાસ સેવા વર્ગ-2ની ખાતાકીય પરીક્ષામાં 908 ઉમેદવારો પૈકી માત્ર 208 ઉમેદવારો જ પાસ થયા હતા. સાથે જ આ પરીક્ષા આપનાર 132 અધિકારીઓને કૃપા ગુણથી પાસ કરવામાં આવ્યા હતા. જો કે, અધિકારી તરીકે તગડો પગાર લેતા ઉમેદવારો પૈકી 568 અધિકારીઓ નાપાસ થયા હતા જેમાં બે અધિકારીઓએ તો નાપાસ થવાનો રેકોર્ડ સર્જી અનુક્રમે દસ અને અગિયાર પ્રયત્ન કરવા છતાં પણ પાસ ન થયા હોવાનું સામે આવ્યું છે.
સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા દ્વારા ગત વર્ષે નવેમ્બર માસમાં રાજ્યના પંચાયતી કર્મચારીઓને બઢતી માટે ગુજરાત વિકાસ સેવા વર્ગ-2ની ખાતાકીય પરીક્ષા યોજવામાં આવી હતી જેનું પરિણામ તા.23-05-2025ના રોજ જાહેર થયું છે. સરકારનો સાતમા પગાર પંચનો લાભ લઈ મહિને અડધોથી પોણો લાખ જેટલો પગારદારોને બઢતી માટેની આ પરીક્ષાના પરિણામ ચોંકાવનારા રહ્યા છે. જેમાં ચીટનીશ, નાયબ ચીટનીશ, વિસ્તરણ અધિકારી સંવર્ગના 908 કર્મચારી-અધિકારીઓએ પરીક્ષા આપી હતી. જો કે, પરિણામ જાહેર થતા 908 પૈકી માત્ર 208 ઉમેદવારો જ પાસ થઇ શક્યા હતા. 132 અધિકારીઓને તો કૃપા ગુણથી પાસ કરવા પડ્યા હતા.
આ પણ વાંચો : દિવ્યાંગ બાળકોને RTE હેઠળ 10 વર્ષ સુધી પહેલા ધોરણમાં મળશે પ્રવેશ : સરકારે આપી છૂટછાટ
ઉલ્લેખનીય છે કે, સ્પીપા દ્વારા લેવામાં આવેલી પંચાયતી કર્મચારી-અધિકારીઓની આ ખાતાકીય પરીક્ષામાં 568 ઉમેદવારો નાપાસ થયા હતા. નાપાસ થનારા કર્મચારીઓમાં પ્રથમ, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા પ્રયત્નની સાથે બે અધિકારી મહાશય તો દસમી અને અગિયારમો પ્રયાસ કરવા છતાં પાસ થયા ન હતા. વધુમાં પાટણ આઈસીડીએસ વિભાગના કચેરી અધિક્ષક અગિયારમા પ્રયત્ને તેમજ દાહોદ મદદનીશ ખેતી નિયામક કચેરીના વિસ્તરણ અધિકારી દસમી વખત પરીક્ષા આપવા છતાં પાસ ન થતા ભારે આશ્ચર્ય સર્જાયું છે.
