એસટી બસમાં મુસાફરી કરવી મોંઘી પડશે : આજથી બસ ભાડામાં 10 % ભાવ વધારો, 27 લાખ મુસાફરોને થશે સીધી અસર
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર વિભાગે અચાનક જ ભાવવધારો અમલી બનાવ્યો
રાજકોટ : જીએસઆરટીસી એટલે કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર વિભાગ દ્વારા તા.28ની મધ્યરાત્રીથી એસટી બસ ભાડામાં 10 ટકાનો ભાવ વધારો અમલી બનાવતા આજથી મુસાફરી મોંઘી બની છે, આ અગાઉ એસટી નિગમે વર્ષ 2023માં 25 ટકા જેટલો ભાડા વધારો કર્યા બાદ ફરી એક વખત મુસાફરોને ભાડા વધારાનો ડામ આપ્યો છે.
રાજ્યના એસટી નિગમ દ્વારા નવી બસોની ખરીદી, પગાર ભથ્થામાં વધારા અને ડીઝલના ભાવને ધ્યાને લઈ તા.28ની મધ્યરાત્રીથી અચાનક જ એસટી બસના ભાડામાં 10 ટકા વધારો કરવા નિર્ણય કર્યો છે. જેથી આજથી મુસાફરી કરવી મોંઘી બનશે. રાજકોટ એસટી ડેપોના વિભાગીય અધિકારી જે.બી.કલોત્રાએ જણાવ્યું હતું કે, વર્ષ 2023 બાદ નિગમ દ્વારા લાંબા સમય બાદ મુસાફરી ભાડામાં વધારો કરવા નિર્ણય કર્યો છે. એસટી બસના ભાડામાં કરેલા વધારા પ્રમાણે 48 કિમી સુધીની મુસાફરીમાંથી 1 થી 4 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. એસટી બસના ભાડા વધતા રાજ્યના 10 લાખ જેટલા મુસાફરોને આ ભાવ વધારાની અસર થશે.
નિગમની પરિવહન સેવાઓ વધુ મજબુત અને સુવિધાયુક્ત બને તે ધ્યાને લઈ ભાડા વધારામાં ફેરફાર કરવાની સત્તાઓ અનુસાર નિગમના સંચાલક મંડળ દ્વારા નિગમની સર્વિસોમાં 28 માર્ચ 2025ની મધ્યરાત્રિથી એટલે કે તારીખ 29 માર્ચ 2025થી 10% ભાડા વધારો કરવાનો સર્વાનુમતે નિર્ણય કર્યો છે.
જેમાં લોકલ સર્વિસોમાં કુલ મુસાફરો પૈકી 85% મુસાફરો (દરરોજ અંદાજીત 10 લાખ જેટલા) 48 કી.મી. સુધીની મુસાફરી કરે છે જેમાં માત્ર રૂ.1/- થી રૂ.4/- સુધીનો નજીવો ભાડા વધારો થવા પામે છે. જેવી રાજયના લોકલ સર્વિસોમાં મુસાફરી કરતા મુસાફરીને ભાડા વધારાથી નહિવત આકાર થવા પામશે.