નવા ઈન્કમ ટેક્સ સ્લેબ રેટ 1 એપ્રિલથી લાગુ : કર બચત માટે આ નિયમો જાણી લો
નવા નાણાકીય વર્ષથી અમલમાં અવી રહેલા નવા નિયમો જાણવા જરૂરી
સરકારી કર્મચારીઓને NPS હેઠળ યુનિફાઇડ પેન્શન સ્કીમ પસંદ કરવાનો વિકલ્પ મળશે.
કેન્દ્ર સરકાર દ્વારા આવકવેરાનાં નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે, જે આગામી તા. 1 એપ્રિલને મંગળવારથી શરૂ થતા નવા નાણાકીય વર્ષથી અમલમાં આવશે. આ ફેરફારો ખાસ કરીને પગારદાર કર્મચારીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે. આ નવા નિયમો લાગુ થવાથી પગારદાર પર ઉંડી અસર થવાની છે. જો તમે પગારદાર કર્મચારી છો અને કર બચાવવા માંગતા હોવ તો નાણાકીય વર્ષ 2025-26 ની શરૂઆત પહેલાં નવા કરવેરાના નિયમો જાણવા અને સમજી લેવા જરૂરી છે.
કલમ 87A હેઠળ ટેક્સ રિબેટ
આવકવેરાની કલમ 87A હેઠળ કર છૂટ 25000 રૂપિયાથી વધીને 60000 રૂપિયા થશે. આ વધેલી ટેક્સ રિબેટ નવી કર પ્રણાલી હેઠળ 12 લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવક પર લાગુ થશે, જેમાં મૂડી લાભ માંથી થતી આવકનો સમાવેશ થશે નહીં. આ રિબેટને કારણે, નવી કર વ્યવસ્થામાં 12 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત થઈ જશે. પગારદાર કર્મચારીઓ માટે આ મર્યાદા વધીને 12.75 લાખ રૂપિયા થશે કારણ કે નવી કર વ્યવસ્થા હેઠળ 75,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન ઉપલબ્ધ થશે. જો કે, જૂની કર વ્યવસ્થામાં ટેક્સ રિબેટ લિમિટ અગાઉ જેટલી જ રહેશે.
નવા ઈન્કમ ટેક્સ ટેક્સ સ્લેબ અને ટેક્સ રેટ
નાણા મંત્રી નિર્મલા સીતારમણને બજેટ 2025-26 રજૂ કરતી વખતે નવા ઇન્કમ ટેક્સ સ્લેલ અને ટેક્સ રેટ જાહેર કર્યા હતા. જે અનુસંધાનમાં 1 એપ્રિલ, 2025થી નવી કર વ્યવસ્થામાં ઇન્કમ ટેક્સ સ્લેબ અને ટેક્સ રેટ બદલાઇ રહ્યા છે. મૂળભૂત મુક્તિ મર્યાદા 3 લાખ રૂપિયાથી વધીને 4 લાખ રૂપિયા થશે. આ ઉપરાંત, 24 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકાનો સૌથી વધુ ઇન્કમ ટેક્સ રેટ લાગુ થશે. જો કે, જુની કર વ્યવસ્થાના ઇન્કમ ટેક્સ સ્લેબ અને ટેક્સ રેટમાં કોઈ ફેરફાર થશે નહીં.
સંપત્તિની વ્યાખ્યા બદલાશે
1 એપ્રિલથી, કર્મચારીઓને તેમના એમ્પ્લોયર તરફથી મળતી સુવિધાઓ અને લાભો હવે સંપત્તિ તરીકે ગણવામાં આવશે નહીં. અહીં સંપત્તિનો અર્થ એ છે કે જો કોઈ કંપની કર્મચારીને કાર, મફત રહેઠાણ અથવા તબીબી ખર્ચ જેવા કેટલાક ખાસ લાભો આપે છે તો તેને સંપત્તિ કહેવામાં આવે છે. વધુમાં, જો નોકરીદાતા કર્મચારી અથવા તેના પરિવારના સભ્યની તબીબી સારવાર માટે વિદેશ પ્રવાસ પર ખર્ચ કરે છે, તો તેને પણ સંપત્તિ ગણવામાં આવશે નહીં.
ટીડીએસ મર્યાદા વધી
1 એપ્રિલ, 2025થી તમામ પ્રકારના વ્યવહારો પર TDS, TCS કપાતની મહત્તમ મર્યાદા વધશે. પગારદાર કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે બેંક ડિપોઝિટ પર ટીડીએસ મર્યાદા 40000 રૂપિયાથી વધીને 50000 રૂપિયા થશે.
ULIPના રિટર્ન પર ટેક્સ લાગશે
જો તમે ULIP (યુનિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ પ્લાન) માં રોકાણ કરી રહ્યા છો, તો તમારે તેના માટે નવા ટેક્સ સંબંધિત નિયમો વિશે જાણવું જોઈએ. બજેટ 2025 મુજબ, જો ULIP માંથી પ્રાપ્ત રકમ રૂ. 2.5 લાખથી વધુ હોય, તો તેને મૂડી લાભ ગણવામાં આવશે અને આવકવેરાની કલમ 112A હેઠળ તેના પર કર લાદવામાં આવશે.
NPS વાત્સલ્ય પર કર મુક્તિ મળશે
નવા નાણાકીય વર્ષમાં, પગારદાર કર્મચારીઓ અને અન્ય કરદાતાઓ તેમના બાળકોના NPS વાત્સલ્ય એકાઉન્ટમાં યોગદાન આપી શકે છે અને જુની કર વ્યવસ્થા હેઠળ 50,000 રૂપિયાની વધારાની કપાતનો દાવો કરી શકે છે.
પ્રોપર્ટી ટેક્સમાં ફેરફાર
પગારદાર કર્મચારીઓ અને અન્ય કરદાતાઓ ઘણીવાર મૂંઝવણમાં મુકાય છે કે તેમણે બીજી મિલકત પર ટેક્સ ચૂકવવો પડશે કે નહીં. 1 એપ્રિલથી તેમને થોડી રાહત મળવાની છે. કારણ કે ફાઇનાન્સ બિલ 2025 હેઠળ કરવામાં આવેલા ઘણા મોટા ફેરફારોમાંથી એક એ છે કે સ્વ-કબજા હેઠળની મિલકતના વાર્ષિક મૂલ્યની ગણતરી કરવી સરળ બનશે. 1 એપ્રિલથી, પગારદાર કર્મચારીઓ અને અન્ય કરદાતાઓ બે મિલકતો પર શૂન્ય મૂલ્યનો દાવો કરી શકે છે, પછી ભલે તેઓ સ્વ-કબજામાં હોય કે ન હોય.
આ ઉપરાંત, કેટલાક અન્ય ફેરફારો પણ થશે. ઉદાહરણ તરીકે, તમે તમારા ડિજીલોકર નોમિનીને તમારા ઇક્વિટી શેર અને મ્યુચ્યુઅલ ફંડ સ્ટેટમેન્ટ જોવાની પરવાનગી આપી શકો છો. નવા નાણાકીય વર્ષથી કેટલાક ક્રેડિટ કાર્ડ પણ તેમના લાભોમાં ફેરફાર કરવા જઈ રહ્યા છે. સરકારી કર્મચારીઓને NPS હેઠળ યુનિફાઇડ પેન્શન સ્કીમ પસંદ કરવાનો વિકલ્પ મળશે.