આ વર્ષે કેસર કેરીના ભાવ “કડવા” લાગશે, ગ્લોબલ વોર્મિંગના કારણે 50% થી વધુ મોર ખરી પડ્યો
બાગાયત ખેતી સાથે જોડાયેલા નિષ્ણાંતના મત મુજબ એક્સપોર્ટ (નિકાસ) કરવા માટેની કેરીનું ફળ, ગુણવત્તા, દવાનું પ્રમાણ બધું નિયતમાત્રા મુજબ હોવું જોઈએ. એક્સપોર્ટ્સ અગાઉથી ખેડૂતોના બાગ હાયર કરી લેતા હોય છે. એક્સપોર્ટ ધંધાર્થીઓ જ આંબામાં કઈ દવા, કેટલી માત્રા, કેવી રીતે માવજત બધું અગાઉથી જ ગોઠવણ ખેડૂતોને કરી આપે છે. આ વખતે ફ્લાવરિંગ ખરી જવાથી એક્સપોર્ટ ક્વોલિટીની કેરીને પણ અસર પડી છે. આવી કેરીઓની આવક આમ તો ઓછી આવવાની જ હતી સામે એક્સપોર્ટ્સ જથ્થો ઉપાડશે એટલે બોક્સમાં આ અસર દેખાશે.
કેસર કેરીના ભાવ “કડવા” લાગશે
ઉનાળો પગરવ માંડે કે તુરંત જ ફળોની રાણી કેરીના આગમનની આતુરતા શ્રમિકથી લઈ તવંગર સુધીનાઓને હોય છે. એમાય ગીરની કેસર કેરીની મધૂરાશની તો વાત જ શું થાય, મીઠાશ ધરાવતા કેસર કેરી ઓણ સાલ કડવી રહેશે. કેરીના ફાલને વાતાવરણની નજર (ગ્લોબલ વોર્મિંગની અસર) લીગી હોય તે રીતે ખાખડી બંધાય એ પહેલાં જ 50 ટકાથી વધુ મોર ખરી જતાં ઉત્પાદનને મોટો માર પડ્યો છે જેના કારણે ગીરની કેસર કેરી ટેસ્ટમાં ભલે મીઠી મધૂરી પરંતુ કેશમાં મોંઘી રહેશે.

કેસર કેરીનું હબ ગણાતા ગીર પંથકમાં સરેરાશ અંદાજિત 20 હજાર હેક્ટરમાં આંબાના બાગ છે. સરેરાશ હેક્ટર દીઠ સારા વાતાવરણ વચ્ચે 6થી 7 ટન કેરી જેવો ઉતારો રહે છે. ગીર પંથકની કેસર કેરી સૌરાષ્ટ્ર-ગુજરાત ઉપરાંત વિદેશની ધરતી પર પણ એટલી જાય છે. (એક્સપોર્ટ થાય છે). આ વખતે કેસર કેરીનું ઉત્પાદન ધાર્યા કરતાં સવાયું કે દોઢું રહેશે અને કેસર કેરીનો મીઠો સ્વાદ નાનો શ્રમિક માણસ પણ ઉનાળાની સિઝનમાં વધુ માણી શકશે તેવો અંદાજ હતો.
આંબાઓમાં મોર તો મબલખ આવ્યો પણ સાથે જે રીતે વાતાવરણની ઝપટ આવી તેમાં મોર (ફ્લાવરિંગ) ખરી ગયો અને કેરીના ફળ બેસવાના ફૂલ જ ન બંધાયા. જે રીતે દિવસ દરમિયાન ગરમી રહે તે સાંજ પડ્યે ધાર્યા બહાર ઠંડક આવી જાય. આવી અણધાર્યા ટેમ્પ્રેચર વધઘટના પરિણામે કેરીના ફાલને ભારે અસર થઈ હતી. મોરના પ્રમાણને જોતા જે અંદાજ દોઢા પાક જેવો હતો તે કદાચ હવે અર્ધાથી ઓછો સરેરાશ ગીર પંથકમાં લાખ સવા લાખ ટન કેરીનું ઉત્પાદન રહે છે તે આ વખતે અર્ધું કે એથી ઓછું થશેનું નિષ્ણાંતોનું માનવું છે.

ઉત્પાદન ઓછું થવાને કારણે ભાવ પણ ઉંચો રહેશે. તાલાલા પંથકના આંબાના બાગ ધરાવતા એક ખેડૂત અગ્રણીના જણાવ્યા મુજબ 1500 રૂપિયા મણ ઉતારાએ બાગ રાખવામાં આવે છે જે મુજબ જ ભાવ ગણીએ તો આંબા પરથી કેરી ઉતારવાથી લઈ બોક્સ પેકિંગ અને યાર્ડ કે બજારોમાં મોકલવા સુધી મજૂરીથી લઈ ટ્રાન્સપોર્ટિંગ સુધીનો ખર્ચ મળીને ખેડૂતને કે બાગ રાખનારને જ 10 કિલોની પેટી ઘરમાં 850થી 900 સુધી પડે છે. જે પેટીએ 100-125 કે આવી રકમનો નફો રાખીને બોક્સ એજન્ટો કે વેપારીઓને વેચે છે. આ બોક્સ ખૂલ્લા બજારમાં 1250થી જેવી કેરી એ મુજબ 1500 સુધી વેચાય છે. કેસર કેરીની આવક માર્કેટમાં હવે ચાલુ થવા લાગી છે. ઉત્પાદન સાથે ધીમે ધીમે બજારમાં આવક વધશે આમ છતાં અત્યારે જે મુજબ કેસર કેરીના ઉતારા દેખાય છે એના પરથી સારું ફળ સારી કેસર કેરી સિઝનમાં પણ 1000ની પેટી આસપાસ રહેશે. નાના કે થોડા નબળા ફળની પેટી (10 કિલો)નો ભાવ કદાચ 700, 800 સુધી જઈ શકે. હાલ તો જે રીતે 60 ટકાથી ઉપરનો મોર (ફ્લાવરિંગ) ખરી ગયો છે તેના પરથી કેસર કેરી ઓણ સાલ ભાવમાં થોડી કડવી (આકરી) રહેશે.
ખેડૂતો દ્વારા આંબાઓમાં ફાલ સારો બેસે, ઉત્પાદન વધે, જીવાત ન બેસે એ માટે એડવાન્સમાં શ્રાવણ માસના સમય દરમિયાન આંબાના વૃક્ષમાં આવી દવા નંખાય છે જેનો લીટરનો ભાવ 3500, 4000 કે એથી વધુ હોય છે. વૃક્ષ દીઠ 150, 200 એમ.એલ. દવા છંટકાવ થાય છે એટલે આરંભે જ એક આંબામાં 700થી 800નો ખર્ચ કરવામાં આવે છે. ઉત્પાદન 50થી 60 ટકા ઘટવાથી અગાઉ કરેલા ખર્ચ, માવજત જોતા અત્યારે ખેડૂતોને આ વર્ષ આવકમાં કડવું (મોળું) રહેશે.
ડિસેમ્બરમાં આવેલા ફ્લાવરિંગને સૌથી વધુ નુકસાન થયુંઃ ડી.કે.વરૂ
ગીર પંથકની કેરીના આ વખતે ઉત્પાદન ઘટવાના કારણો જાણવા `વોઈસ ઓફ ડે’ દ્વારા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગના મુખ્ય અધિકારી ડી.કે. વરૂનો સંપર્ક સાધતા તેઓએ છણાવટ સાથે વિસ્તૃત વિગતો વર્ણવી હતી. આંબાના વૃક્ષમાં ફ્લાવરિંગ (મોર) થવાનો આરંભ ઠંડી શરૂ થતાં નવેમ્બરથી થાય છે. ફ્લાવરિંગ એક સાથે ન થાય ત્રણ-ચાર માસ દરમિયાન કટકે-કટકે આવે. નવેમ્બર બાદ ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પણ થઈ શકે. સૌથી વધુ ફ્લાવરિંગ ડિસેમ્બરમાં થાય. ફ્લાવરિંગને સ્ટેબલ કે અનુરૂપ 15થી 20 ડિગ્રી કે વધીને 25 ડિગ્રી વાતાવરણ રહે છે. ડિસેમ્બરમાં આ વખતે ટેમ્પ્રેચર વધુ ડાઉન થયું અને દિવસો દરમિયરન ફ્લાવરિંગને વધુ નુકસાન થયું. ડિસેમ્બરમાં ફાલ પણ વધુ બેઠો અને ખરી પણ એટલો જ ગયો. જ્યારે જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં એટલું નુકસાન નથી થયું. ફ્લાવરિંગના મુખ્ય મહિનામાં જ ટેમ્પ્રેચરમાં અપડાઉન આવ્યું. ટેમ્પ્રેચર વધઘટ થતાંની સાથે મધ્યો નામની જીવાત તુરંત જ બેસી જાય. આ જીવાત બાબતે ખેડૂતોનું માઈક્રો ઓબ્ઝવેશન ન રહ્યું. આમ, ટેમ્પ્રેચર અને જીવાતને લઈને ફ્લાવરિંગને વધુ નુકસાન થતાં બેવડો માર પડ્યો હોવાનો અંદાજ છે.

નર-માદા ફૂલમાંથી જ કેરીનો દાણો બેસે અને ફળમાં ફરે
આંબાની ડાળીઓ પર નવેમ્બરથી જાન્યુઆરી અંત સુધીમાં અસંખ્ય ફૂલો બેસતા હોય છે. આંબાની બાગાયત ખેતીનો બહોળો અનુભવ ધરાવતા ખેડૂતના જણાવ્યા મુજબ એક ડાળીએ અંદાજે 2500થી વધુ સાવ નાના ફૂલ બેસે. ફૂલમાં ત્રણ પ્રકાર હોય નર અને માદા, ત્રીજા નરમાદા મિક્સ ફૂલ. નરમાદા મિક્સ ફૂલ હોય તેમાંથી જ કેરી આકાર લઈ શકે. આવા નરમાદા ફૂલ ઓછી માત્રામાં 2500 એ 100 જેટલા જ હોય છે. આ ફૂલમાંથી બાજરિયો દારો, બાજરા જેવું તેમાંથી ચણા જેવો દાણો બને અને ધીમે ધીમે ખાખડીમાં રૂપાંતરિત થાય. ખાખડી બનતા સુધીમાં અસંખ્ય ખરી જતાં હોય અને ડાળીએ સારો ફાલ, માજવત, વાતાવરણ હોય તો ત્રણ કેરી ઉતરે. આ વખતે ઘણી ડાળીઓએ તો ખાખડી જ ન્હોતી બંધાઈ.
સૌથી મોટું નુકસાન કેસરના હબ મનાતા તાલાલામાં બીજા ક્રમે વંથલીને માર પડ્યો
ગીર પંથકમાં કેસર કેરીની બાગાયત ખેતીમાં તાલાલા પંથક હબ ગણાય છે. તાલાલામાં જો કેરીની સિઝન પાક સારો હોય તો સિઝનમાં એવરેજ 9થી 11 લાખ બોક્સ (એક બોક્સ 10 કિલો) ખૂલ્લી બજારમાં આવે છે જે કદાચ આ વખતે ચારેક લાખ આસપાસ રહેવાનો અંદાજ છે. બીજું વધુ ઉત્પાદન વંથલી પંથકમાં રહે છે ત્યાં પણ તાલાલા જેવું જ વાતાવરણ નુકસાન થતાં વંથલીમાં આવક ઓછી રહેશે. જ્યારે ભેંસાણ, ધારી, મોરઝર, જૂનાગઢ અને બરડામાં રાણાવાવ પોકેટમાં પ્રમાણમાં ઓછું નુકસાન છે પરંતુ આ પોકેટમાં સરેરાશ વાવેતર, ઉત્પાદન ઓછું હોય છે. મુખ્ય એવા તાલાલા અને વંથલી પંથકને વેધર ઈફેક્ટ વધુ નડી હોવાથી ઉત્પાદનમાં ઘટાડો થશે.

વેપારીઓ ઉત્પાદન, આવક ઓછીના નામે લૂંટ ન ચલાવે તે પણ જરૂરી
એક કહેવત છે ઘણાને આફત એ અવસર બની રહે. પાંચેય આંગળીઓ સરખી ન હોય તેમ બધા વેપારીઓ, છૂટક વેપારી ધંધાર્થી સરખા નથી હોતા પરંતુ કેટલાક એવા પણ હોય છે કે તક (ખેંચ)નો લાભ (ગેરલાભ) લેતા ખચકાતા કે અચકાતા નથી. ઓણ સાલ કેસર કેરીને વાતાવરણની અસર નડી ને આવક ઘટી છે તે વાસ્તવિકતા છે. એટલે ભાવ થોડો વધુ રહેશે. ઓછી આવક ઓછી આવકના નામે બમણી આવક (નાણાં) કમાવવા વેપારીઓ ભાવ પણ એળા ન ચડાવે લૂંટે તે જરૂરી છે. અત્યારે ખેડૂતો પાસેથી પેટી જેવું ફળ એ મુજબ સરેરાશ 700થી 900 સુધીની બજારમાં આવે છે. આમ, યાર્ડ વેપારીના નફો કે એ વહું જાણતા કેરી જેવું ફળ એ મુજબ રિટેઈલમાં અત્યારે 100થી 150 કે એથી વધુ અને વધુ આવક થતાં 80થી 130ની વચ્ચે રહી શકે.