જંગલના રાજાની વસ્તી ગણતરીમાં આ વખતે પહેલી વાર CCTVનો ઉપયોગ થશે !! મે માસમાં હાથ ધરાશે પંચવર્ષીય ગણતરી
આ વખતે મે માસમાં સિંહની વસતિ ગણતરી થવાની છે ત્યારે તેમાં પરંપરાગત પધ્ધતિની સાથે સાથે પહેલી વાર સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ થવાનો છે. સિંહની ગણતરી દર પાંચ વરસે થાય છે અને છેલ્લે ૨૦૨૦માં ગણતરી થઇ ત્યારે વસતિમાં ૨૮.૮૭ ટકાનો વધારો નોંધાયો હતો. આ વખતે વસતિ ગણતરીમાં ભારતીય વન્ય જીવન સંસ્થાનનો પણ સહયોગ લેવામાં આવી શકે છે.
વન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર, સિંહની ગણતરી એપ્રિલ અથવા મે મહિનામાં પૂર્ણિમાના દિવસે થવાની ધારણા છે. અ સુત્રોએ જણાવ્યું હતું કે ભારતીય વન્ય જીવન સંસ્થાન પાસે રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળના સહયોગથી દેશભરમાં દીપડા અને વાઘની વસ્તી ગણતરી કરવાની કુશળતા છે.

વસ્તી ગણતરીના ડેટા અનુસાર, ૨૦૨૦માં એશિયાઈ સિંહોની વસ્તી 523 થી વધીને 674 થઈ ગઈ હતી.વન અધિકારીઓએ જણાવ્યું હતું કે વિભાગે ગીર અભયારણ્ય, વસ્તી ગણતરી વિસ્તારના ગામડાઓ અને હાઇવેમાં સ્થાપિત CCTV કેમેરાના તેના વ્યાપક નેટવર્કનો લાભ લેવાનું પણ નક્કી કર્યું છે.
ગણતરી મુખ્યત્વે ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિ પર આધાર રાખશે, જેને બ્લોક કાઉન્ટ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો ઉપયોગ 2000 થી કરવામાં આવી રહ્યો છે. વસ્તી ગણતરી વિસ્તારને જંગલોમાં બીટ અને વન વિસ્તારોની બહાર ગામડાઓમાં વિભાજિત કરવામાં આવ્યો છે. “દરેક બીટ મૂળભૂત ગણતરી એકમ તરીકે સેવા આપે છે, જ્યારે બાહ્ય વિસ્તારોમાં, ત્રણ થી 10 ગામડાઓના ક્લસ્ટર એક એકમ બનાવે છે.
ક્યારે કેટલો વસતિ વધારો
૧૯૯૦- ૨૮૪
૧૯૯૫-૩૦૪
૨૦૦૧-૩૨૭
૨૦૦૫ – ૩૫૯
૨૦૧૦ – ૪૧૧
૨૦૧૫-૫૨૩
૨૦૨૦ – ૬૭૪
આખુ સૌરાષ્ટ્ર આવરી લેવાશે
આ વખતે પહેલી વખત જામનગર જીલ્લા સહીત કુલ ૩૫,૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારને વસતિ ગણતરીમાં આવરી લેવામાં આવશે. ૨૦૨૦માં સુરેન્દ્રનગર જીલ્લાને આવરી લેવામાં આવ્યો હતો. સિંહોની વસતિ ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને જામનગર જીલ્લામાં જોવા મળે છે. આ જીલ્લા પૈકી જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જીલ્લામાં નેશનલ પાર્ક અને વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી આવેલી છે જયારે બાકીના જીલ્લામાં સિંહોની અવરજવર જોવા મળે છે.