આ બાળક મારુ નથી ! પતિને પામવા નિષ્ઠુર જનેતાએ પુત્રને જીવતો જમીનમાં દાટી દીધો
ટંકારાના ઘુનડા સજ્જનપર ગામની ગામની સીમમાં ફૂલ જેવા કોમળ બાળકને સગ્ગી જનેતાએ જ જમીનમાં દાટી દીધું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. નિષ્ઠુર જનેતા રિસામણે ગયા બાદ ફરી પતિ પાસે આવવા માંગતી હોય પતિએ આ બાળક મારુ નથી જેથી આનો રસ્તો કર તો જ સ્વીકારું તેમ કહેતા જન્મદાત્રીએ જ જીવતા બાળકને જમીનમાં દાટી દીધુ હોવાનું સામે આવ્યું છે. આ ગંભીર બનાવમાં મોરબી ક્રાઇમબ્રાન્ચે દંપતીને સતત 25 દિવસની મહેનત બાદ ઝડપી લેવામાં સફળતા મેળવી છે.
ગત તા.19 માર્ચના રોજ ટંકારા તાલુકાના ઘુનડા સજ્જનપર ગામની સીમમાં જમીનમાં જીવિત બાળકને દાંટી દેવામાં આવ્યું હતું. સદનસીબે એક શ્રમિક ત્યાંથી પસાર થતા બાળક રડવાનો અવાજ આવતો હોવાથી અન્ય લોકોની મદદથી શ્રમીકે શોધખોળ કરી જમીનમાંથી બાળકને બહાર કાઢ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ગુન્હો નોંધી બાળકને મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યું હતું. બીજીતરફ બાળકના શરીર ઉપર બનાસકાંઠા જિલ્લાના ભાભોર સામુહિક આરોગ્ય કેન્દ્રનું ઝબલું પહેરાવેલ હોય બાળકના માતા-પિતા બનાસકાંઠા જિલ્લાના વતની હોવાની એક માત્ર કડી પોલીસને મળ્યા બાદ પોલીસે બાળકને જમીનમાં દાટી નાસી ગયેલા વ્યક્તિને શોધવા આકાશ-પાતાળ એક કર્યા હતા. જો કે, બાળકને દાટી જનારનો કોઈ અતોપતો લાગ્યો ન હતો.
દરમિયાન સમગ્ર મામલે મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમે તપાસમાં ઝુકાવી અંદાજે 70 થી 80 જેટલા સીસીટીવીની ચકાસણી કરતા ચારથી પાંચ સીસીટીવીમા એક મહિલા અને એક પુરુષ બાળક સાથે જોવા મળ્યા હતા. જે બાદ સેલફોન આઈડી અને જે તે સમયના મોબાઈલ લોકોશન ટ્રેસ કરી તપાસ કરતા બાળકને જમીનમાં દાટી દેનાર આરોપી રમેશ પ્રેમજી ઠાકોર અને દક્ષા રમેશ ઠાકોર દંપતી બનાસકાંઠા જિલ્લાના ભાભોરનું જ હોવાનું સ્પષ્ટ બન્યું હતું. જો કે, ચબરાક દંપતીએ બાળકને જમીનમાં દાટી દીધા બાદ મોરબી જિલ્લો છોડી દેવાની સાથે મોબાઈલના સીમકાર્ડ પણ | ફેંકી દીધા હોય પોલીસ માટે આરોપીઓને પકડવા પડકાર બન્યા હતા. જો કે, સેલ આઈડીને આધારે તપાસ કરતા પોલીસ પહોંચે તે પહેલા જ આ દંપતી તે સ્થાન બદલી નાખતા હતા. જો કે, ક્રાઇમબ્રાન્ચની ટીમે સતત બન્ને આરોપીઓના મોબાઈલ
ટ્રેક કરવાનું શરૂ રાખતા એક સમયે આ દંપતી આરોપી કાગવડ તરફ હોવાનું સામે આવ્યું હતું અને છેલ્લે તેમના કોઈ સગાને મળવા ફરી મોરબી જિલ્લામાં આવતા જ ક્રાઈમબ્રાન્ચની ટીમે આરોપી રમેશ પ્રેમજી ઠાકોર અને દક્ષા રમેશ ઠાકોરને મીતાણા ગામના પુલ નીચેથી ઝડપી લઈ આગવી ઢબે પૂછપરછ કરતા બન્ને આરોપીઓએ ગુન્હાની કબૂલાત આપતા હાલમાં પોલીસે બન્ને આરોપીઓની ધરપકેંડ કરી હતી.ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી રમેશ અને દક્ષાના લગ્ન બાદ દક્ષા રિસામણે ચાલી ગઈ હતી અને બાદમાં ગર્ભવતી બની હોય જેથી રમેશે કહ્યું હતું કે, આ બાળક મારુ નથી જેથી જો તારે અમારી પાસે આવવું હોય તો આ બાળક મારે ન જોઈએ.બાદમાં બન્નેએ સાથે મળી બાળકને ટંકારા તાલુકાના સજ્જનપર ગામની સીમમાં જીવિત હાલતમા દાટીને નાસી ગયા હોવાનું જાણવા મળે છે.