મિત્ર સાથે ખાધેલી ફાકી જિંદગીની છેલ્લી બની રહી : રાજકોટના વેપારીનું હાર્ટએટેકથી મોત
રાજકોટ અચાનક બેભાન થઈ જતા તુરંત સિવિલ હોસ્પિટલમાં ખસેડતા સારવાર મળે તે પૂર્વ જ પ્રૌઢે દમ તોડી દીધો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, બજરંગવાડી નજીક આવેલી પુનિતનગરમાં રહેતા 53 વર્ષીય સુનિલભાઈ જયસુખભાઈ ત્રિવેદી નામના પ્રૌઢ રાત્રીના મિત્રને મળવા નવી કોર્ટ બિલ્ડીંગ પાસે પહોંચ્યા હતા. જે બાદ અહીં નજીક જ આવેલી એક પાનની દુકાન પર જઈ બંનેએ ફાકી ખાધી હતી. દરમિયાન સુનિલભાઈને ચક્કર આવીને અચાનક બેભાન થઈ ઢળી પડયા હતા. તુરંત જ તેઓને 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં હાજર પરના તબીબ સ્ટાફે સુનિલભાઈને મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગે જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં મૃતક સુનિલભાઈ રેલનગર વિસ્તારમાંહરસિધ્ધિ ટ્રેડર્સના નામેથી હોમ પ્રોડક્ટની દુકાન ચલાવે છે તેઓને સંતાનમાં એક પુત્રી છે. તેમનું મોત હાર્ટએટેકથી થયું હોવાનું સામે આવ્યું છે.
સિક્યુરિટી ગાર્ડનું હાર્ટ એટેકથી મોત
અન્ય એક બનાવમાં જીવરાજ પાર્ક પાસે આવેલી લક્ષ્મણ ટાઉનશીપમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા ભરતસિંહ બહાદુરસિહ સોની (ઉ.વ.51) નામના પ્રૌઢ સોમવારે વહેલી સવારે પોતાના ઘરે હોય તે દરમિયાન અચાનક બેભાન થઈ જતાં તેઓને સારવાર અર્થે ખસેડતા સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગના તબીબે મૃત જાહેર કાર્ય હતા. તેમનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું છે.