આ ATMમાંથી પૈસા નહીં પાણી નીકળે છે !! પાંચ રૂપિયામાં મળશે 20 લિટર પાણી, જાણો આ અનોખા ગામ વિશે
તમે રૂપિયા ઉપાડવા માટેનું ATM જોયુ હશે. પણ ક્યારેય એવું મશીન જોયું છે કે જે પૈસા નાખતા પાણી આપે. આ વાંચીને તમને પણ નવાઈ લાગી ને ?? આ વાત સાચી છે. જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના લિંબુડા ગામે પીવાના પાણી માટે ATM ની સુવિધા ઊભી કરવામાં આવી છે. ખાસ કરીને આ સુવિધા ઉનાળામાં લોકોને ખૂબ જ ઉપયોગી બને છે. ગામ લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેમાટે ગ્રામપંચાયત દ્વારા RO પ્લાન્ટ બનવામાં આવ્યો છે. એને તમામ ગામ લોકોને ATM આપવામાં આવ્યા છે. RO પ્લાન્ટ ATM સ્વાઇપ કરતાની સાથે 5 રૂપિયામાં 20 લીટર પીવાનું શુદ્ધ પાણી મળે છે.

પાંચ રૂપિયામાં 20 લિટર સુધી પાણી આપવામાં આવે છે
જામનગર જિલ્લાના લીંબુડા ગામ દરિયા કાઠે આવેલું ગામ છે આ ગામમાં ગામ તળાવ, કુવાનું પાણી નબળું હોવાના કારણે ગ્રામ પંચાયત દ્વારા 2013 માં આરો પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો ત્યારે ત્રણ રૂપિયામાં 20 લિટર પાણી આપવામાં આવતું હતું. ત્યારબાદ આરો પ્લાન ખરાબ થવાના કારણે 2015માં નાણાપંચ માંથી નવો આરો પ્લાન મંજુર કરવામાં આવ્યો હતો. અત્યારે મોંઘવારીના કારણે પાંચ રૂપિયામાં 20 લિટર સુધ પાણી આપવામાં આવે છે તેમજ ગ્રામ પંચાયત સંચાલિત આરો પ્લાનમાં એટીએમ મશીન લગાડવામાં આવ્યું છે.

તેમાં કાર્ડ ટચ કરીને પાંચ રૂપિયાનું 20 લીટર પાણી આપવામાં આવે છે અને તે 24 કલાક કાર્યરત છે ગમે ત્યારે પાણી ભરી શકાય છે. લીંબુડા ગામના તલાટી કમ મંત્રીના જણાવ્યા મુજબ આરો પ્લાન્ટ મેન્ટેનન્સમાં એક પરિવારનું ગુજરાન પણ ચાલે છે ગામ છેલ્લા 11 વર્ષથી પંચાયત દ્વારા શુદ્ધ પાણી આપવામાં આવે છે ગ્રામજનો પંચાયતના આ કાર્યથી ખુશ છે.

આરો પ્લાન્ટના ફાયદા
લિંબુડા ગામ દરિયા કાંઠે આવેલું હોવાથી તળનાં પાણી છાર હોવાથી ગ્રામજનોમાં અનેક નાની મોટી બીમારી જોવા મળતી હતી. તેમજ મહિલાઓને રસોઈ બનાવવામાં પણ હાલાકી ભોગવવી પડતી. ત્યારે આરો પ્લાન્ટ નાખવાના કારણે ગ્રામજનોને પીવાનું શુદ્ધ પાણી મળતા અનેક બીમારીઓથી છુટકારો થયો છે. તેમજ મહિલાઓને પણ રસોઈ બનાવવામાં કોઈ હાલાકી ભોગવવી નથી પડી રહી. ગ્રામપંચાયતની કામગીરીને ગ્રામજનો બિરદાવી રહ્યા છે.
