રાજકોટનો યુનિવર્સિટી પોલીસ મથક વિસ્તાર એટલે રાજકોટનું ‘મિર્ઝાપુર’
૧ જાન્યુ.થી ૨૬ ઑક્ટોબર સુધીમાં હત્યાના પાંચ, દુષ્કર્મના બે, અપહરણના પાંચ, છેતરપિંડીના ૧૮, અકસ્માતના ૧૬ બનાવગત વર્ષની તુલનાએ ગંભીર ગુનાઓમાં ચિંતાજનક ઉછાળો આવતાં આ વિસ્તારમાં રહેતાં લોકોમાં ગજબની ચિંતાઘરફોડ સહિતની ચોરીના ભેદ ઉકેલવામાં પણ પીછેહઠ: પોલીસ મથકનાસેનાપતિ’ નબળા કે પછી સેના ?- ૨૦૨૩ કરતા ૨૦૨૪માં પૉક્સોના ગુનામાં પણ વધારો: દેશી-વિદેશી દારૂની હેરાફેરી પણ ચિંતા ઉભી કરનારી
વોઈસ ઓફ ડે' દ્વારા શહેરીજનોની સુરક્ષા માટે કાર્યરત દરેક પોલીસ મથકનો એક્સ-રે કાઢવામાં આવી રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં ૧૦ પોલીસ મથકમાં નોંધાયેલી ગુનાખોરી, પોલીસ સ્ટાફ દ્વારા ગુનાઓના ઉકેલ સહિતની ઝીણવટભરી વિગત પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ હવે ૧૧મા પોલીસ મથક તરીકે યુનિવર્સિટી પોલીસ મથક કે જેને ગાંધીગ્રામ-૨ પોલીસ મથક તરીકે પણ ઓળખવામાં આવે છે તેના વિસ્તાર સહિતની માહિતી જાહેર કરવામાં આવી રહી છે. તા.૧ જાન્યુઆરી-૨૦૨૪થી તા.૨૬ ઑક્ટોબર-૨૦૨૪ સુધીના ૧૦ મહિનાની અંદર અહીં જે પ્રકારે ગુના નોંધાયા છે તે ઉપરાંત પાછલા વર્ષની તુલનાએ ગુનામાં થયેલો વધારો પણ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે પ્રાપ્ત થયેલા આંકડા પ્રમાણે આ પોલીસ મથકના વિસ્તારને રાજકોટનુંમિર્ઝાપુર’ કહેવામાં આવે તો પણ કોઈ અતિશ્યોક્તિ ન હોવી જોઈએ !

૧૦ મહિનાની અંદર યુનિવર્સિટી પોલીસ મથક વિસ્તારમાં હત્યાના પાંચ બનાવ બન્યા છે જે અન્ય પોલીસ મથક કરતા ઘણા વધુ છે સાથે સાથે ૨૦૨૩ના વર્ષની તુલનાએ હત્યાના ગુનામાં ત્રણનો વધારો પણ નોંધાયો છે. આ જ રીતે વાહન ચોરીના ગુનામાં ચિંતાજનક રીતે ૨૨નો વધારો થવા પામ્યો છે. ચાલું વર્ષના દસ મહિનામાં આ પોલીસ મથકના હદ વિસ્તારમાંથી ૫૦ વાહન ચોરાઈ ગયાની ફરિયાદ નોંધવામાં આવી છે જ્યારે ગત વર્ષે વાહન ચોરીના માત્ર ૨૮ ગુના જ નોંધાયા હતા.
સૌથી ચિંતાજનક બાબત એ પણ છે કે આ પોલીસ મથક વિસ્તારમાં આ વર્ષે દુષ્કર્મના બે બનાવ નોંધાયા છે જ્યારે ગત આખા વર્ષ દરમિયાન આવો એક પણ બનાવ નોંધાયો ન્હોતો. અપહરણના ગુનાની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દસ મહિનામાં આ પોલીસ મથકના વિસ્તારમાંથી ૯ લોકોના અપહરણ થયા છે જેમાં ગત વર્ષ કરતા ચારનો વધારો પ્રાપ્ત થયેલા આંકડા બતાવી રહ્યા છે. વિશ્વાસઘાત, ખોટા દસ્તાવેજ કરવા સહિતના ગુના પણ માતબર છે. આ બન્ને પ્રકારના ગુનાની સંખ્યા ૧૮ છે જેમાં ગત વર્ષની તુલનાએ ૧૧નો વધારો થવા પામ્યો છે.

અહીં અકસ્માતની સંખ્યા પણ ચિંતાજનક હોય તેવી રીતે અકસ્માતને કારણે મોતને ભેટનારા લોકોની સંખ્યા આ વર્ષે ચાર થવા પામી છે જે ગત વર્ષે બે જ હતી. ગંભીર અકસ્માત પણ ૧૨ થયા છે જે ગત વર્ષે દસ જ હતા. આમ પોલીસની ભાષામાં પાર્ટ એ'ના ગુના ચિંતાજનક હદે વધી ગયા હોવાનું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે. ખાસ કરીને ઘરફોડ સહિતની ચોરીઓ અટકાવવા માટે અહીંનો પોલીસ સ્ટાફ ઉણો ઉતરી રહ્યો હોય તેવું લોકોને લાગ્યા વગર રહેતું નથી કેમ કે આ પ્રકારની ચોરીઓના ૧ જાન્યુઆરીથી ૨૬ ઑક્ટોબર સુધીમાં ૮૫ ગુના નોંધાયા હતા જેમાંથી હજુ સુધી ૨૫નો જ ભેદ ઉકેલી શકાયો છે બાકીના ૬૦ ગુના હજુ પણ વણઉકેલ જ રહ્યા છે. આમ જોતાં પોલીસ મથકના સેનાપતિ નબળા હશે કે પછી સેના નબળી હશે તેવો પ્રશ્ન પણ વિસ્તારવાસીઓ પૂછી રહ્યા છે. હવે પોક્સો મતલબ કે શારીરિક અડપલા સહિતના ગુનામાં પણ ગત વર્ષની તુલનાએ આ વર્ષે વધારો નોંધાયો છે. ચાલું વર્ષે પોક્સના સાત ગુના નોંધાયા છે જે ગત વર્ષે માત્ર ત્રણે જ અટકી ગયા હતા ! સામાન્ય રીતે થોરાળા પોલીસ મથકને દેશી-વિદેશી દારૂનાપીઠા’ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ હવે યુનિવર્સિટી પોલીસ મથક વિસ્તારને થોરાળા વિસ્તાર તરીકે સંબોધન કરવામાં આવે તો નવાઈ પામવા જેવું રહેશે નહીં કેમ કે અહીં દેશી-વિદેશી દારૂના કેસનો પણ `ઢગલો’ જોવા મળી રહ્યો છે. ચાલું વર્ષે દેશી દારૂની ભઠ્ઠીના ૪૬ ગુના નોંધાયા છે જે ગત વર્ષે આ કેસની સંખ્યા ૧૩ જ હતી. જ્યારે વિદેશી દારૂના ૫૭ ગુના નોંધાયા છે જે ગત વર્ષે ૪૭ હતા. દેશી દારૂના કબજાના કેસ પણ ૩૩૯ નોંધાયા છે જે જે ગત વર્ષે ૩૨૨ હતા.
