કેસૂડો ખીલી ઉઠ્યો… વસંતનો વૈભવ નીરખી ઊઠ્યો !! કેસુડાના ફૂલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી, જાણો ફાયદા
વસંત ઋતુમાં જયારે તમામ વૃક્ષ પર્ણ અને પુષ્પો વગરના જોવા મળે છે ત્યારે વસંતનો રાજા કહેવાતો કેસુડો સોળેકળાએ ખીલી ઉઠે છે. પોપટની ચાંચ જેવા એકદમ કેસરી રંગના કેસુડા આ સમયમાં સર્વત્ર ખીલેલા જોવા મળે છે. કેસુડાનું ધાર્મિક મહત્વ પણ રહેલું છે. માતા પાર્વતીએ અગ્નિદેવને શ્રાપિત કર્યા હતા અને પૃથ્વી પર વૃક્ષ બનીને જીવતર જીવવાનો શ્રાપ આપ્યો હતો.
જેને કારણે અગ્નિદેવે કેસુડાનું સ્વરૂપ ધારણ કર્યાની પણ માન્યતા રહેલી છે. કેસુડાને અંગ્રેજીમાં ફ્લેમ ઓફ ફોરેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આયુર્વેદિક દ્રષ્ટિએ શરીર માટે ખૂબ જ ઉત્તમ માનવામાં આવ્યા છે. કેસુડા વિષે ગુજરાતીમાં અનેક કહેવતો અને કાવ્ય રચનાઓ પણ લખાયેલી છે. જાણતા કવિ સુન્દરમની એક રચના મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા… કેસૂડો કામણગારો લયબદ્ધ પણ થયેલ છે. પ્રસ્તુત તસ્વીર રાજકોટથી 22 કિલોમીટર દૂર હડાળા ગામે સોળેકળાએ ખીલી ઉઠેલા પલાસ, ખાખરાના વૃક્ષની છે.
કેસૂડાથી પેટના કીડા દૂર થાય છે
કેસૂડાના બીજનું સેવન કરવાથી પેટ સંબંધિત અનેક સમસ્યાઓમાંથી રાહત મળે છે. તો બીજી તરફ પેટ સંબંધિત અનેક બીમારીઓમાં રાહત આપવાની સાથે, કેસૂડાના બીજ પેટના કૃમિના ઉપચારમાં પણ મદદરૂપ થઈ શકે છે. તેથી આ ફૂલનો ઉપયોગ ઘણી આયુર્વેદિક દવાઓમાં થાય છે.
તાવથી આપે છે રાહત
કેસૂડાના ફૂલનું સેવન કરવાથી તાવમાં આરામ મળે છે. ઘણા આયુર્વેદિક ડોકટરો તાવના દર્દીઓને કેસૂડાના ફૂલમાંથી બનાવેલી દવા ગળવા માટે કહેવામાં આવે છે. ઘણા સંશોધનોમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ગંભીર રોગના ઈલાજ માટે ફાયદાકારક
કેસૂડાના ફૂલનો રસ અનેક ગંભીર બીમારી સામે રાહત આપે છે. આ રસ એવા દર્દીઓને આપવામાં આવે છે જેઓ મૂત્રાશયની બળતરા અને પેશાબ સંબંધિત સમસ્યાઓથી પીડાય છે.
ચામડીના રોગમાં પણ ફાયદાકારક
કેસૂડાના ગુંદરનો ઉપયોગ ચામડીના રોગને ઠીક કરવા માટે કરવામાં આવે છે. કેસૂડા ઝાડમાંથી કાઢવામાં આવેલો રસ એટલે કે કેસૂડાનો ગુંદર દાદર ની અસરને ઘટાડી શકે છે. કેસૂડાની છાલમાં પણ એન્ટિફંગલ ગુણો જોવા મળે છે, જે ઇન્ફેક્શનનું કારણ બનેલી ફૂગને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે.