રાતનું વાસી ખાણું સવારે પીરસાતા ચુડાની કસ્તુરબા વિદ્યાલયમાં 150+ દીકરીઓની તબિયત લથડી: શાળા સંચાલકો ફરાર
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV)માં ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. શાળામાં વાસી ભોજન પીરસાતા સામૂહિક ફૂડ પોઇઝનિંગની ઘટના બની. મોડી રાત્રે 150થી વધુ વિદ્યાર્થિનીઓને ઝાડા-ઉલટી અને પેટના દુઃખાવાની ફરિયાદ બાદ તાત્કાલિક ચુડા, લીંબડી અને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ઘટના બાદ શાળા સંચાલકો ફરાર થઈ ગયા હોવાના આક્ષેપો છે.
શું બની ઘટના?
પ્રાથમિક માહિતી મુજબ, KGBV ચુડામાં રાત્રે બનાવેલું ભોજન બીજા દિવસે સવારે વિદ્યાર્થિનીઓને પીરસવામાં આવ્યું હતું. વાસી ખોરાક ખાધા બાદ મોડી રાતથી જ દીકરીઓને પેટમાં દુઃખાવો, ઝાડા અને ઉલટી શરૂ થઈ.
– શરૂઆતમાં લગભગ 100 વિદ્યાર્થિનીઓની તબિયત લથડી, બાદમાં આંકડો 150થી 200+ સુધી પહોંચ્યો.
– એક વાલીએ જણાવ્યું કે “મારી બે દીકરીઓ હોસ્ટેલમાં છે. સવારનું બનાવેલું સાંજે આપ્યું. અડધી રાત્રે ઉલટી-ઝાડા શરૂ થયા. થોડી-થોડી વારે બાથરૂમ જવું પડે છે.”
આ પણ વાંચો: ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ રહેલા તેજસ્વી ઉમેદવારો માટે રોજગારીના દ્વાર ખુલશે
તાત્કાલિક રાહત કામગીરી
ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું.
– જિલ્લાની તમામ 108 એમ્બ્યુલન્સ સેવાને સ્ટેન્ડ-બાય પર રાખવામાં આવી.
– અસરગ્રસ્ત વિદ્યાર્થિનીઓને ચુડા સામુહિક આરોગ્ય કેન્દ્ર, લીંબડી અને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
– આરોગ્ય વિભાગની ટીમો હોસ્પિટલ અને શાળાએ પહોંચી ગઈ છે. ડોક્ટરોની દેખરેખ હેઠળ સારવાર ચાલુ છે. હાલ તમામની હાલત સ્થિર હોવાનું તંત્રનું કહેવું છે.
શાળા સંચાલકો પર આક્ષેપ
વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ છે. આક્ષેપ છે કે ઘટનાની ગંભીરતા વધતા અને પોતાની બેદરકારી ખુલ્લી પડી જવાના ડરથી શાળાના જવાબદાર સંચાલકો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા છે.
વહીવટી તંત્રએ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. ભોજનના સેમ્પલ લઈને ફોરેન્સિક તપાસ પણ કરાશે.
સરકારી આવાસી શાળામાં દીકરીઓના ભોજન સાથે થયેલી આ બેદરકારીથી શિક્ષણ વિભાગની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. તંત્રએ હાલ તમામ વિદ્યાર્થિનીઓની સારવારને પ્રાથમિકતા આપી છે. આ ઘટનામાં જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.
