અંધશ્રદ્ધા ફેલાવનાર હવે જેલના સળિયા પાછળ ધકેલાશે : બિલ વિધાનસભા ગૃહમાં રજૂ
- વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રારંભે જ કાળા જાદુ અંગેનો ખરડો રજૂ કરતા ગૃહમંત્રી
- ગુટલીબાજ શિક્ષકો અને મહત્ત્વના બિલ પર ચર્ચા
ગાંધીનગર
ગુજરાત વિધાનસભાનાં ત્રણ દિવસ ચાલનારા ચોમાસુ સત્રનો આજે પ્રારંભ થયો હતો. સત્રના આરંભે ‘જય શ્રી રામ’ અને ‘હર હર મહાદેવ’ના નારા લાગ્યા, તેમજ ‘વંદે માતરમ’ના ગાન સાથે ગૃહની શરૂઆત થઈ હતી.
સત્રનાં પ્રારંભે જ માનવ બલિદાન, કાળા જાદુ અને અમાનુષી પ્રથાઓનો અંત લાવવા માટે 2024નું વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવ્યું. આ બિલનો મુખ્ય ઉદ્દેશ સમાજમા ફેલાતા અજ્ઞાન અને અંધશ્રદ્ધાનો અંત લાવી, સામાજિક જાગૃતિ ફેલાવવાનો છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ બિલ રજૂ કરી જણાવ્યું કે, “આ કાયદા દ્વારા ગુજરાતમાં કાળા જાદુ અને માનવ બલિદાન જેવી દુષ્ટ પ્રથાઓનો નાશ થશે.” બિલની જોગવાઈઓ અનુસાર, જો કોઈ કાળા જાદુ જેવા ઘૃણાસ્પદ કૃત્યોમાં સંકળાય છે તો તેવા વ્યક્તિને છ મહિનાથી સાત વર્ષ સુધીની જેલ અને 50 હજાર સુધીના દંડની સજા થવાની જોગવાઈ રાખવામાં આવી છે.
આ સત્રમાં રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જાહેરાત કરતા જણાવ્યું કે, રાજ્યના દરેક ગામમાં માઇક્રો ATM સ્થાપિત કરવામાં આવશે. આ માઇક્રો ATMથી ગ્રામ્ય વિસ્તારોમાં નાણાકીય સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થશે, અને લોકો બિનજરૂરી મુસાફરીથી બચી શકશે.
ગુજરાતનો સૌથી વધુ ચર્ચાતો તિયા શિક્ષકોનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. સત્રમાં દાંતા વિધાનસભાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ ગુટલીબાજ શિક્ષકોના મુદ્દે સરકારને ઘેર્યા હતા.
6 દિવસમાં ચાંદીપુરા વાયરસનો કેસ નથી નોંધાયો, આરોગ્ય મંત્રી
ગુજરાત વિધાનસભામાં ટુંકી મુદ્દતના પ્રશ્નમાં ચાંદીપુરા વાયરસઅને વાયરલ એન્કેફેલાઇટીસની સ્થિતિ અંગેના પ્રત્યુત્તરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલએ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરા નો એક પણ નવો કેસ નોંધાયો નથી. તેમજ રાજ્યમાં 12 દિવસમાં વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરાથી સંક્રમિત એક પણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. વધુ વિગતો આપતા તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં વર્ષ 2024 માં રાજ્યના 164 જેટલા દર્દીઓને વાયરલ એન્કેફેલાઇટીસનું સંક્રમણ જોવા મળ્યું. જે પૈકી 61 જેટલા કેસ ચાંદીપુરા પોઝીટીવ હોવાનું જણાંયુ હતુ.
બોક્સ
પૂર્વ રાજ્યપાલ સહિતના દિવંગતોને અપાઈ શ્રધ્ધાંજલિ
વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખો દ્વારા પૂર્વ રાજ્યપાલ સ્વ. ડૉ. કમલા બેનીવાલ અને પૂર્વ દિવંગત સભ્યઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ આપી હતી. ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના પૂર્વ રાજ્યપાલ સ્વ. ડૉ. કમલા બેનીવાલ, પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી બિપીનભાઈ શાહ તેમજ પૂર્વ સભ્યો સ્વ. શિવભદ્રસિંહ ગોહિલ, સ્વ. રત્નાભાઈ ઠુંમર, સ્વ. રામસિંહજી સોલંકી, સ્વ. નંદકિશોર દવે, સ્વ. ખુરશીદહૈદર પીરઝાદા, સ્વ. સામતભાઈ રાઠોડ અને સ્વ. કરશનભાઈ ઓડેદરાને શ્રદ્ધાંજલિ આપી હતી.
બોક્સ
કોંગ્રેસ અને આપનો આક્ષેપ : સરકાર કરે છે પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયાસ
સત્રની શરૂઆત પૂર્વે કોંગ્રેસ અને આપ દ્વારા ટૂંકા સત્રનો વિરોધ નોંધાવાયો છે. સત્રની શરૂઆત પૂર્વે વિધાનસભાના પગથિયા પાસે કોંગ્રેસના ધારાસભ્યોએ ટૂંકી મુદ્દતના પ્રશ્નોને લઇ દેખાવો કર્યા હતા.
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે વધારે ચર્ચા ના થાય એ માટે ટૂંકી મુદ્તના પ્રશ્નો લાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મંત્રીઓ કોંગ્રેસના પ્રશ્નોની ચર્ચા ના થાય એવું ઈચ્છતા હતા એટલે અમારા પ્રશ્નો કાઢી નખાયા છે. કોંગ્રેસના સભ્યોએ પ્રજાના પ્રશ્નોને ચર્ચા અંગે માંગ કરી હતી. ગુજરાતમાં બનતી ઘટનાની ચર્ચા વિધાનસભામાં થવી જરૂરી છે.
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે સરકાર પર જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ મૂક્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આખુ ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. ગુજરાતની જનતા પોતાની વાત રજૂ કરવા માટે ગાંધીનગર આવતી હોય છે પરંતુ સરકાર ડરતી હોય તેમ આખા ગાંધીનગરને પોલીસ છાવણીમાં ફેરવી દીધું છે.