રાજકોટના લોકમેળામાં ચકડોળ નહીં ચકરડી ફરશે
- પહેલા તંત્ર સમક્ષ અરજી કરો ! રાઇડ્સ સંચાલકોને હાઇકોર્ટની સાફ વાત
- રાઇડ્સ સંચાલકો વતી એડવોકેટે વારંવાર રાઇડ્સની મેન્યુફેક્ચરિંગ ડિટેઇલ મુદ્દે જ દલીલો કરી : કલેકટર તંત્રને સહકાર આપવા હાઇકોર્ટની ટકોર
રાજકોટ : રાજકોટનો લોકમેળો આજથી શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે ફાઉન્ડેશન વગર જ રાઇડ્સ ઉભી કરનાર રાઇડ્સ સંચાલકોએ રાઇડ્સ એન્ડ સેફટી કમિટી સમક્ષ એનઓસી મેળવવા અરજી કરવાને બદલે સીધા જ હાઇકોર્ટમાં દોડી જઈ રાજ્ય સરકારે બનાવેલી એસઓપીમાં રાહત મેળવવા અને મુખ્યત્વે સરકારની એસઓપીમાં દર્શાવવામાં આવેલ જે-તે રાઇડ્સના મેન્યુફેક્ચરિંગ સર્ટી મામલે જ વારંવાર દલીલો કરતા સમગ્ર મામલે હાઇકોર્ટે રાઇડ્સ સંચાલકોને નિયમોનું પાલન કરવા અને તંત્ર સમક્ષ અરજી કરી કાયદાને અનુસરવા જણાવી તંત્રને રાઇડ્સ સંચાલકોની અરજીઓ રિજેક્ટ ન કરવા જણાવ્યું હતું.
રાજકોટના લોકમેળાની તમામ 31 યાંત્રિક રાઈડ્સના પ્લોટની હરરાજીમાં રૂપિયા 1.27 કરોડની ઉંચી બોલી પ્લોટ ખરીદનાર વિરેન્દ્રસિંહ ગોહિલ દ્વારા ફાઉન્ડેશન સહિતના નિયમોના પાલન વગર જ લોકમેળામાં રાઇડ્સ ચલાવવાની મંજૂરી મળે તે માટે ગુજરાત હાઇકોર્ટમાં R/SCA/12546/2024 અરજન્ટ અરજી દાખલ કરતા શુક્રવારે હાઇકોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં રાઇડ્સ સંચાલક વતી એડવોકેટ આશિષ ડગલીએ લોકમેળા સમિતિએ એલોટમેન્ટ લેટર ન આપ્યા હોવાનું તેમજ રાઇડ્સ અંગેની શરતોમાં રાઇડ્સની મેન્યુફેક્ચરિંગ સહિતની વિગતો માંગી હોય જે ટૂંકા સમયમાં આપવી શક્ય ન હોવાનું જણાવી મેળામાં રાઇડ્સ ચલાવવા છૂટ આપવા માંગ કરી હતી.
બીજી તરફ સરકાર પક્ષે એડવોકેટ વીર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, લોકમેળામાં હરરાજીમાં જયારે રાઇડ્સ સંચાલકો પ્લોટ હરરાજીમાં મેળવવા આવ્યા હતા તેમાં જ તમામ શરતોનું પાલન કરવું ઉપરાંત રાઇડ્સ અને સેફટી કમિટી તેમજ પોલીસ કમિશનરની લાયસન્સ બ્રાંન્ચમાંથી રાઇડ્સ અંગેની મંજૂરી એનઓસી મેળવવાના નિયમો ફરજીયાત હોવાનું જાણતા હોવા છતાં રાઇડ્સ સંચાલકોએ નિયમ પાલન નહીં કરી આજદિન સુધી લાયસન્સ ઓથોરિટી સમક્ષ અરજી પણ ન કરી હોવાનું હાઇકોર્ટ સમક્ષ જણાવ્યું હતું. આ ઉપરાંત રાઇડ્સ સંચાલકો સાથે પોલીસ કમિશનર, કલેકટર અને માર્ગ અને મકાન વિભાગની મિટિંગમાં પણ રાઇડ્સ સંચાલકોએ તમામ લાયસન્સ લેવા સહમતી આપી સહી કરી હોવાના પુરાવા પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, હાઇકોર્ટના જસ્ટિસ સંગીતા કે.વિશને સલામતીના ભોગે રાઇડ્સ ચલાવવા માટે છૂટ ન આપવામાં આવે તેમ જણાવી તાજા ભૂતકાળમાં બનેલી ઘટનાઓ વિષે પણ ટકોર કરી સરકારના નિયમોનું પાલન કરવા જણાવી રાઇડ્સ સંચાલકોને તંત્ર સમક્ષ અરજી કરવા જણાવી સરકારપક્ષને રાઇડ્સ સંચાલકોની અરજી રિજેક્ટ નહીં કરવા તેમજ નિયમ મુજબ તમામ શરતોનું પાલન થયે મંજૂરી આપવા જણાવી વધુ સુનાવણી આગામી તા.27ના રોજ મુકરર કરી હતી, આ તકે સરકારી વકીલે મેળો પાંચ દિવસ જ હોવાનું જણાવ્યું હતું.
તમામ એનઓસી હશે તો જ રાઇડસ ચાલુ કરવા દેવાશે : કલેકટર
જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, હાઇકોર્ટના આદેશ મુજબ રાઇડ્સ સંચાલકોને તમામ નિયમોનુ પાલન કરવું અનિવાર્ય છે સાથે જ ડીસ્ટ્રીકટ રાઇડ્સ કમિટીનું એનઓસી અને એનડીટી રિપોર્ટ, રાઇડ્સ કેટલી જૂની છે તે સહિતના તમામ પુરાવા રજૂ કર્યેથી જ મેળામાં રાઇડ્સ શરૂ કરવા દેવામાં આવશે.