વડાપ્રધાન પદે મોદી પહેલી પસંદ પણ લોકપ્રિયતામાં નોંધપાત્ર ઘટાડો
- ‘ મૂડ ઓફ ધ નેશન ‘ સર્વેનું તારણ
- કેન્દ્ર સરકારના કામકાજ અંગે અસંતોષ વધ્યો
- રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં વધારો
- આજે ચૂંટણી થાય તો ભાજપ કોંગ્રેસ બંનેની બેઠકો વધે
દેશના વડાપ્રધાન પદે આજે પણ મોદી ભારતના લોકોની પહેલી પસંદ છે પરંતુ તેમની વ્યક્તિગત લોકપ્રિયતા અને કેન્દ્ર સરકારના કામકાજ પ્રત્યે સંતોષની લાગણીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જો કે તે પછી પણ 52 ટકા લોકો મોદીને અત્યાર સુધીના સૌથી વધુ લોકપ્રિય વડાપ્રધાન માને છે. ઇન્ડિયા ટુડે, આજ તક અને સિ વોટર દ્વારા 15 જુલાઈ થી 10 ઓગસ્ટ 2024 વચ્ચે કરવામાં આવેલા સર્વેમાં જણાવ્યા મુજબ મોંઘવારી, બેરોજગારી અને પેપર લીક જેવા મુદ્દે સરકાર પ્રત્યે લોકોમાં અસંતોષ વધ્યો છે. વારંવાર નિર્ણય બદલવાની બનેલી ઘટનાઓને કારણે સરકારની પ્રતિષ્ઠા ઝંખવાઇ છે. બીજી તરફ લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ વિપક્ષોની તાકાત વધી છે. કોંગ્રેસની સક્રિયતાને કારણે કોંગી કાર્યકરોનો જુસ્સો વધ્યો છે. રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં વધારો થયો છે. આ બધા વચ્ચે જો આજે લોકસભાની ચૂંટણી થાય તો ભાજપની પાંચ અને કોંગ્રેસની સાત બેઠકો વધી શકે છે તેવું તારણ આ સર્વેમાં રજૂ કરવામાં આવ્યું છે.
- મોદી વિરુદ્ધ રાહુલ: કોણ કેટલા પાણીમાં?
સર્વેમાં જણાવ્યા મુજબ 2024 માં 54% લોકોએ વડાપ્રધાન તરીકે મોદીને પસંદ કર્યા હતા. આ વખતે એ આંકડો ઘટીને 49 ટકા થઈ ગયો છે. ફેબ્રુઆરી 2024 માં 42 ટકા લોકોએ મોદીના કામકાજને ખૂબ સારું, 18.7 ટકા લોકોએ સારું 11.7% લોકોએ સરેરાશ અને 10.5 ટકા લોકોએ ખુબ ખરાબ ગણાવ્યું હતું. આ વખતે ૩૪ ટકા લોકોએ સારું 15% એ સરેરાશ 13 ટકા લોકોએ ખુબ ખરાબ અને 10% લોકોએ ખરાબ જણાવ્યું છે. સામા પક્ષે ફેબ્રુઆરી 2024 માં 14% લોકોએ વડાપ્રધાન તરીકે રાહુલ ગાંધી પર પસંદગી ઉતારી હતી. આ વખતે એ આંકડો વધીને 22% થઈ ગયો છે. વિરોધ પક્ષના નેતા તરીકે રાહુલની ભૂમિકાને 50% કરતાં વધારે લોકોએ સારી ગણાવી છે. વિપક્ષ તરીકે કોંગ્રેસની ભૂમિકાને 18% લોકોએ ખૂબ સારી 26% લોકોએ સારી અને 14% લોકોએ ખરાબ ગણાવી છે.
- મોદીના ઉતરાધિકારી કોણ?
મોદીના ઉત્તરાધિકારી તરીકે સૌથી વધારે 25% લોકોએ ગૃહ મંત્રી અમિત શાહને પસંદ કર્યા છે. 19 ટકા લોકોએ યોગી આદિત્યનાથ, 13 ટકા લોકોએ નીતિન ગડકરી અને પાંચ પાંચ ટકા લોકોએ રાજનાથ સિંહ અને શિવરાજસિંહ ને વડાપ્રધાન પદના દાવેદાર માન્યા છે. જો કે અગાઉના સર્વેની તુલનામાં મોદી અને યોગી બંનેની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. એ બે સર્વેમાં અનુક્રમે 28 અને 29% લોકોએ અમિત શાહને પસંદ કર્યા હતા. એ જ રીતે 2023 માં યોગીને ઉત્તરાધિકારી માનનાર લોકોની સંખ્યા 25% હતી તે હવે ઘટીને ૧૯ ટકા થઈ ગઈ છે.
- યોગીની લોકપ્રિયતામાં ઘટાડો
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે ઓગસ્ટ 2023માં 47 ટકા લોકો યોગીના કામથી સંતુષ્ટ હતા. 2024માં 51% લોકોએ તેમના કામકાજથી સંતોષ વ્યક્ત કર્યો હતો પણ આ તાજા સર્વેમાં માત્ર 29% લોકોએ જ યોગીના કામથી સંતોષ વ્યક્ત કર્યો છે. ઓગસ્ટ 2023 માં 33% લોકોએ અને ફેબ્રુઆરી 2024 માં 46.3 ટકા લોકોએ તેમને સારા મુખ્યમંત્રી માન્યા હતા.આ વખતે તે આંકડો 43% થઈ ગયો છે.
- મમતા અને કેજરીવાલની લોકપ્રિયતા વધી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે પણ રાજ્યના સૌથી દિગ્ગજ નેતા છે. કોલકાતામાં બનેલી દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ પણ તેમની લોકપ્રિયતા યથાવત હોવાનું સર્વેમાં તારણ નીકળ્યું છે. ઓગસ્ટ 2023માં 32% લોકો અને ફેબ્રુઆરી 2024 માં 33 ટકા લોકો તેમના કામથી સંતુષ્ટ હતા. આ તાજા સર્વેમાં 46 ટકા લોકો સંતુષ્ટ હોવાનું જણાવવામાં આવ્યું છે.
બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની લોકપ્રિયતામાં સતત વધારો ઘટાડો થતો રહ્યો છે. ઓગસ્ટ 2023 માં 58% લોકો તેમના કામથી ખુશ હતા. 2024 માં જોકે માત્ર 37 ટકા લોકોએ તેમના કામથી સંતોષ દર્શાવ્યો હતો અને હવે આ સર્વેમાં 44% લોકોએ સંતોષ જાહેર કર્યો છે.
- મોંઘવારી,બેરોજગારી મુખ્ય સમસ્યા શિંદે,સોરેન અને સૈની સામે પડકારો
મહારાષ્ટ્ર હરિયાણા અને ઝારખંડમાં ધારાસભાની ચૂંટણીઓ થવાની છે.તે પૂર્વે થયેલા સર્વેમાં ત્રણે સરકારો સામે પડકાર હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.તેમાં જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય સ્તરે 28% લોકો બેરોજગારીથી અને 19 ટકા લોકો મોંઘવારીથી ત્રસ્ત છે.તેની સામે ઝારખંડ અને હરિયાણામાં 44% લોકોએ બેરોજગારીને મુખ્ય સમસ્યા ગણાવી હતી. એ રાજ્યોના મુખ્યમંત્રીઓની લોકપ્રિયતા ચકાસીએ તો ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના કામથી 25% લોકો સંતુષ્ટ, 38 ટકા કાંઈક કન્સે સંતોષ અને 35% લોકો અસંતુષ્ટ છે. હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈનીના કામથી 22% લોકો સંતુષ્ટ, 29% લોકો કંઈક અંશે સંતુષ્ટ અને 40% અસંતુષ્ટ છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે માટે જો કે ચિત્ર ઉજળું છે.તેમની કામગીરીથી 35% લોકો સંતુષ્ટ છે. 31% લોકો કંઈક અંશે સંતુષ્ટ છે જ્યારે 34% લોકોએ અસંતોષ વ્યક્ત કર્યો છે.