મોરબીમાં ચોંકાવનારી ઘટના : મૂક બધિર દીકરી પર નજર બગાડી દુષ્કર્મ આચારનાર પતિને પત્નીએ જ પતાવી દીધો
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં સાવકા પિતાએ આગલા ઘરની પુત્રી ઉપર નજર બગાડી શિયળ લૂંટી લેતા ક્રોધે ભરાયેલી માતાએ પોતના હવસખોર પતિને લાતો ફટકારી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર જાગી છે. જો કે, આ બનાવમાં દુષ્કર્મનો ભોગ બનેલી યુવતી ઉપરથી પિતાની છત્રછાયા હટવાની સાથે માતા પણ કાયદાના સંઘર્ષમાં આવતા મૂક બધિર યુવતી ઉપર આફત આવી પડી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સાવકા પિતાએ 24 વર્ષીય મૂક બધિર સાવકી પુત્રી ઉપર નજર બગાડી હવસનો શિકાર બનાવી બળાત્કાર ગુજારતા મૂક બધિર યુવતી અવાચક બની ગઈ હતી. બીજી તરફ સાવકા બાપે કરેલા કૃત્યુની જાણ મૂક બધિર યુવતીના માતાને થતા માતાએ હવસખોર પતિને ઢીંકા પાટુનો માર મારી છાતીના ભાગે લાતો ફટકારતા નરાધમનું મૃત્યુ થતા બનાવ હત્યામાં પલટાયો છે, બીજી તરફ આ ગંભીર બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધવા તજવીજ શરૂ કરી છે.
હત્યાનો ભોગ બનેલ પિતા તેમજ મૂક બધિર યુવતીના માતાના આ બીજા લગ્ન હોવાનું અને મુક બધિર યુવતી માતા સાથે આંગળીયાત આવી હોય સાવકા બાપે દીકરી ઉપર જ નજર બગાડી મોકો મળતા દેહ અભળાવી નાખ્યો હતો. જે બાદ માતાને બનાવની જાણ થતા નરાધમ પતિને ઢોર મારતા મૃત્યુ નીપજ્યું હતું. જો કે, ચોંકાવનાર બનાવમાં પીએમ રિપોર્ટ આવ્યા બાદ દુષ્કર્મ અને હત્યા અંગે ફરિયાદનોંધવામાં આવશે તેમ પોલીસે જાહેર કર્યું છે. જો કે આ ચકચારી બનાવમાં પિતાની છત્રછાયા હટવાની સાથે માતા પણ કાયદાના સંઘર્ષમાં આવતા મૂક બધિર યુવતી માટે નોધારી સ્થિતિ નિર્માણ થઈ છે.