શનિવારથી શનિવાર…રાજકોટ માટે એક સપ્તાહ રહ્યું ‘ભારે’
- એ ગોઝારો દિવસ કે જેને રાજકોટ જ નહીં બલ્કે આખું ગુજરાત ક્યારેય નહીં ભૂલ શકે
- સાંજે ૫ વાગ્યે આગ લાગી, જોતજોતામાં બધું ભસ્મીભૂત થયું, એક બાદ એક ભડથું થયેલા મૃતદેહ બહાર નીકળ્યા’ને આખું રાજકોટ દુ:ખમાં ગરકાવ
- ૭ અધિકારી સસ્પેન્ડ, ૪ની ધરપકડ, ૪ની બદલી: શું આટલી જ કાર્યવાહી પૂરતું ? પીડિતોને ન્યાયની આ જ વ્યાખ્યા ?
વોઈસ ઓફ ડે, રાજકોટ
૨૫ મે-૨૦૨૪…આ એ ગોઝારી તારીખ છે જેને રાજકોટ જ નહીં બલ્કે આખું ગુજરાત ક્યારેય નહીં ભૂલી શકે…એ દિવસે શનિવાર હતો. લોકો વિકેન્ડનો આનંદ માણવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા બરાબર સાંજે ૫:૦૦ના ટકોરે નાનામવા પાસે આવેલા ટીઆરપી ઝોનમાં આગ લાગ્યાની વાત વહેતી થઈ…જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું કે કોણ કોને બચાવે તેવી સ્થિતિ નિર્માણ પામી ગઈ હતી. પાંચ વાગ્યે લાગેલી આગ દોઢ કલાક મતલબ કે ૬:૩૦ વાગ્યા સુધી ઓલવી તો દેવાઈ હતી પરંતુ ત્યાં સુધીમાં એક પછી એક લોકો ભડથું થઈ ગયા હતા. આગ લાગી ત્યારથી લઈ આખી રાત સુધી મૃત્યુઆંકને લઈને અલગ-અલગ આંકડા તેમજ દાવા થયા હતા. છેવટે તંત્ર દ્વારા આ દૂર્ઘટનામાં ૨૭ લોકો મૃત્યુ પામ્યા હોવાની જાહેરાત કરવામાં આવી…એકંદરે એમ કહીએ કે ગત શનિવારથી આ શનિવાર…રાજકોટ માટે એક સપ્તાહ અત્યંત `ભારે’ રહેવા પામ્યું છે. આ દૂર્ઘટના બન્યા બાદ ત્યાંના દૃશ્યો એટલા બિહામણા હતા કે લોકો હજુ તેને ભૂલી શક્યા નથી અને જેવી આંખ બંધ કરે તેમની નજર સમક્ષ એ દિવસના દૃશ્યો જ સામે આવી રહ્યા છે.
જે પ્રકારે સાંજે ૫ વાગ્યે આગ લાગી અને જોતજોતામાં બધું ભસ્મીભૂત થઈ ગયું અને એક બાદ એક ભડથું થયેલા મૃતદેહ બહાર નીકળ્યા તેની તસવીરો અને વીડિયો જોઈને હજુ પણ રાજકોટ દુ:ખમાં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે ત્યારે ગત શનિવારથી આ શનિવાર શું શું ઘટનાક્રમ બન્યો તેનો ચિતાર અત્રે પ્રસ્તુત છે.
એક સપ્તાહમાં ક્યારે શું થયું ?
શનિવાર
સાંજે ૫ વાગ્યે આગ લાગી, મૃતદેહ ઓળખાઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી તંત્રએ રાત્રે ૧૧:૦૦થી ૧૨:૩૦ સુધી યુદ્ધના ધોરણે પરિવારજનોના ડીએનએ લેવાનું શરૂ કર્યું
રવિવાર
ગેઈમ ઝોનના સંચાલક યુવરાજસિંહ સોલંકી, મેનેજર નીતિન જૈન, રાહુલ રાઠોડની ધરપકડ: આખો દિવસ સિવિલ હોસ્પિટલે મૃતદેહ મેળવવા માટે પરિવારજનોની રઝળપાટ
સોમવાર
- – જેમના જેમના ડીએનએ મેચ થયા તે હતભાગીના મૃતદેહ સોંપવાનું શરૂ
- – હાઈકોર્ટે મહાપાલિકા તેમજ સરકારની ઝાટકણી કાઢી
- – પીઆઈ વી.આર.પટેલ, એન.વાય.રાઠોડ, સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા, એટીપીઓ ગૌતમ જોષી, જયદીપ ચૌધરી, નાયબ કાર્યપાલક ઈજનેર પારસ કોઠિયા અને એમ.આર.સુમાને સસ્પેન્ડ કરાયા
- – ગેઈમ ઝોનના સંચાલક એવા ત્રણેય આરોપીને રિમાન્ડ અર્થે કોર્ટમાં હાજર, સાંજે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, એડિશનલ પોલીસ કમિશનર વિધિ ચૌધરી, મ્યુ.કમિશનર આનંદ પટેલ, ડીસીપી સુધીર દેસાઈની બદલી
મંગળવાર
- – નવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા, ડીસીપી જગદીશ બાંગરવા, મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઈએ ચાર્જ સંભાળ્યો
- – બન્ને સસ્પેન્ડેડ પીઆઈ સહિત સાતની પૂછપરછ
- – અગ્નિકાંડનો આરોપી પ્રકાશ હિરન આગમાં હોમાઈ ગયાનો ખુલાસો
- – અગ્નિકાંડનો ચોથો આરોપી ધવલ ઠક્કરને આબુથી પકડાયો
બુધવાર
- – રાજકોટના ૮ ગેઈમ ઝોન સામે ગુનો નોંધાયો
- – તમામ આરોપીના ઘેર ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી
- – મહાપાલિકાના પૂર્વ ટીપીઓ એમ.ડી.સાગઠિયા, ડે.ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબા, પીજીવીસીએલના ઈજનેર એસ.કે.ચૌહાણની પૂછપરછ
ગુરૂવાર
- – એમ.ડી.સાગઠિયા, ગૌતમ જોશી, મુકેશ મકવાણા અને રોહિત વિગોરાની ધરપકડ
- – મધરાત્રે એસીબીની ટીમે સાગઠિયા સહિતના નિવાસસ્થાન-મનપા કચેરીમાં શરૂ કર્યું ચેકિંગ
શુક્રવાર
- – પૂર્વ ટીપીઓ સાગઠિયા સહિત ચારને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાયા બાદ ૧૨ જૂન સુધીના રિમાન્ડ મંજૂર
- – એસીબીએ સાગઠિયાની ઓફિસમાંથી `પાપનું પોટલું’ કબજે લીધું
તમામ આરોપીઓને જીવે ત્યાં સુધી જેલમાં રાખો: અશોકભાઈ દુસારા
દૂર્ઘટનામાં હોમાઈ જનારા વિવેક દુસારાના પિતા અશોકભાઈએ રડતાં અવાજે કહ્યું કે મારા પુત્રના ૨૯ ફેબ્રુઆરીએ ખુશાલી સાથે લગ્ન થયા હતા. આ બન્ને તેમજ પુત્રની સાળી ટીશા ૨૯-૫એ ટીઆરપી ગેઈમ ઝોનમાં ગયા હતા જ્યાંથી પરત ફર્યા જ નથી. અમારો આખો પરિવાર વેરવિખેર થઈ ગયો છે ત્યારે આ દૂર્ઘટનાના જવાબદારો જ્યાં સુધી જીવે ત્યાં સુધી જેલમાં રહેવા જોઈએ. સરકારે આ તમામની મિલકતો જપ્ત કરી લઈને દાખલો બેસાડવો જોઈએ.