બુટલેગરનો ગજબનો કીમિયો : ગેસના ટેન્કરમાં અડધા કરોડનો દારૂ છુપાવ્યો
હીરાસર નજીક ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી ટેન્કરની અંદરથી દારૂની 10560 બોટલો મળી કુલ રૂ.82.85 લાખના મુદામાલ સાથે રાજસ્થાનીને પકડયો : દારૂ મોકલનારના મોબાઈલ નંબર મળી આવતા તેના આધારે તપાસ : ગેસની દુર્ગંધ આવે તે માટે ટેન્કરમાં એક બાટલો લીક કરીને રાખ્યો’તો : નંબર પ્લેટ પણ ખોટી લગાડી હતી
ગુજરાતમાં દારૂ ઘુસાડવા અને પોલીસથી બચવા માટે બુટલેગરો અનેક અવનવા કિમીયા અજમવાતાં હોય છે. ત્યારે રાજકોટમાં ગેસના ટેન્કરમાં દારૂ છુપાવવી ઘૂસાડવામાં આવે તે પૂર્વે જ ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીને આધારે રાજકોટ અમદાવાદ હાઇવે પર હિરાસર એરપોર્ટ નજીકના રોડ પરથી અડધા કરોડથી વધુનો દારૂ ભરેલા ઇન્ડિયન ઓઇલના માર્કાવાળા ગેસના ટેન્કર સાથે રાજસ્થાની ડ્રાઇવરને પકડી લીધો છે. અને પોલીસે કુલ રૂ.82.85 લાખનો મુદામાલ કબજે કર્યો છે. જ્યારે આ દારૂ રાજકોટમાં કે આસપાસમાં કોને આપવાનો હતો? તેની તપાસ આ ડ્રાઇવર પાસેથી મળેલા મોબાઈલ નંબરને આધારે હાથ ધરવામાં આવી છે.
વિગત મુજબ શહેરમાં દારૂ જુગારની પ્રવૃત્તિ અટકાવવા ઉચ્ચ અધિકારીઓએ સુચના આપી હોઇ તે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ક્રાઈમ બ્રાંચના મહાવીરસિંહ ચુડાસમા અને હિરેનભાઇ સોલંકી અને ગોપાલભાઇ પાટીલને ચોક્કસ બાતમી મળી હતી કે ચોટીલા તરફથી ઇન્ડિયન ઓઇલનું ગેસનું એક ટેન્કર આવી રહ્યું છે. આ ટેન્કરમાં ગેસ નહિ પણ વિદેશી દારૂની બોટલોનો જથ્થો ભરેલો છે. આ બાતમીને આધારે પીઆઈ એમ આર. ગોડલીયાની રાહબરીમાં ટીમે વોચ રાખતાં બાતમી મુજબનું ઇન્ડિયન ઓઇલના માર્કા વાળું યુપી.૧૭.એટી-૨૯ નંબરનું ટેન્કર આવ્યું હતું.જેથી તેને રોકી ટીમે તપાસ કરતાં નંબર પ્લેટ ખોટી હોવાનું માલૂમ પડ્યું હતું.અને ચાલકની પુછતાછ કરવામાં આવતાં તેણે પોતાનું નામ મહેન્દ્ર મનસુખરામ રામુરામજી સારંગ (ઉં.વ.૨૩-રહે.બાડમેર રાજસ્થાન) જણાવ્યું હતું પ્રાથમિક પુછતાછમાં તેણે ઇન્ડિયન ઓઇલનું ગેસનું ટેન્કર હોય ગેસ ભર્યો હોવાનું રટણ કર્યુ હતું.પરંતુ પોલીસે ટેન્કરની તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની રૂા.પ૨,૮૦,૦૦૦ની ૧૦૫૬૦ બોટલો મળી આવી હતી.
જેથી ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાની શખસની ધરપકડ કરી દારૂની બોટલો,ટેન્કર અને બે મોબાઇલ ફોન મળી કુલ રૂા. ૮૨,૮૫,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઉપરાંત એક આર.સી. બૂક પણ કબ્જે કરી હતી. ટેન્કરના ડ્રાઇવર મહેન્દ્રની પ્રાથમિક પુછતાછ કરતાં તેણે પોતાને એક મોબાઇલ ફોન નંબરના ધારકે આ દારૂ ભરીને મોકલ્યો હોવાનું કહેતાં પોલીસે આ મોબાઇલ નંબર વાપરનાર અને સીમ કાર્ડના ધારક તથા તપાસમાં ખુલે તેની સામે ડીસીબી પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે. ઉલ્લેખનીય છે કે,પોલીસને ગેસના ટેન્કરમાં ગેસ નથી તે બાબતની જાણ ન થાય તે માટે બુટલગેર દ્વારા એક ગેસના બટલાને લીક કરીને પહેલેથી જ ટેન્કરમાં રાખી દેવામાં આવ્યો હતો.જેથી ગેસની દુર્ગંધ આવતી રહે.પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટીમની સુજબૂઝથી મોટી માત્રમાં દારૂનો જથ્થો પકડાયો હતો.
બોલબાલા માર્ગ પર ફોર્ચ્યુનર કારમાંથી દારૂની 432 બોટલો સાથે બુટલેગર પકડાયો
શહેરમાં બોલબાલા માર્ગ પર રાધે ચોક પાસે ભક્તિનગર પોલીસ દ્વારા બાતમી આધારે જીજે 03 એચએ 8562 નંબરની ફોર્ચ્યુનર કાર કારમાંથી દારૂની 432 બોટલ સાથે એક શખસની ધરપકડ કરી છે.
વિગત મુજબ ભકિતનગર પોલીસ પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ, સર્વેલન્સ પીએસઆઈ એમ.એન.વસાવા અને તેમની ટીમે બાતમી આધારે મોડી રાત્રિના બોલબાલા માર્ગ, રાધે ચોક પાસે વોચ ગોઠવી હતી. અને ત્યાંથી જીજે 03 એચએ 8562 નંબરની ફોર્ચ્યુનર કાર નીકળતા તેને અટકાવી ચાલકને તેનું નામ પૂછતાં તેને રાજ વલ્લભ સાકળીયા (ઉ.24, રહે. ગોંડલ રોડ, વાવડી ગામ, મટુકી રેસ્ટોરન્ટ પાસે, વ્રજ એપાર્ટમેન્ટ) જણાવ્યું હતું અને તલાસી લેતા કારમાંથી દારૂની 432 બોટલ મળી આવી હતી. જેથી પોલીસે કાર ચાલકની ધરપકડ કરી દારૂનો જથ્થો, ફોર્ચ્યુનર કાર, મોબાઈલ ફોન મળી કુલ રૂા.11,91,000નો મુદામાલ કબ્જે કર્યો હતો.અને તે આ દારૂ કયાંથી લાવ્યો, કયાં લઈ જતો હતો તે અંગે તપાસ કરવા તેને રિમાન્ડ પર લેવામાં આવ્યો છે.