રિક્ષાગેંગે વૃદ્ધાનો ૩ લાખનો ચેઈન-રોકડ સેરવી લીધાં
ત્રિકોણબાગ પાસેથી બેસાડી સંતકબીર રોડ ઉપર પહોંચ્યાં તે પહેલાં પારેવડી ચોક નજીક કરી નાખ્યો ખેલ'
પોલીસ એક રિક્ષાગેંગને પકડે એટલે બીજી તૈયાર થઈ જતી હોય તેવી રીતે આ ગેંગ દ્વારા કરવામાં આવતી ચોરી અટકવાનું નામ લઈ રહી નથી. આવી જ એક ચોરી આ ગેંગ દ્વારા વૃદ્ધાને શિકાર બનાવી કરાઈ હતી. રિક્ષાગેંગે મોરબીના વૃદ્ધાને ત્રિકોણબાગ પાસેથી બેસાડી સંતકબીર રોડ પર પહોંચે તે પહેલાં જ પારેવડી ચોક નજીકખેલ’ કરી નાખ્યો હોય તેવી રીતે ત્રણ લાખનો સોનાનો ચેઈન અને ત્રણ હજારની રોકડ સેરવી લીધાં હતા.
આ અંગે મોરબીના ઈલાબેન વસંતભાઈ રાચ્છ (ઉ.વ.૬૬) તેમના બહેન મીનાબેન કે જેઓ સંતકબીર રોડ પર શક્તિ સોસાયટી શેરી નં.૧૪માં રહે છે ત્યાં છઠ્ઠીના પ્રસંગમાં હાજરી આપવા માટે રાજકોટ આવ્યા હતા. બસમાંથી ઉતર્યા બાદ બહેન સાથે ત્રિકોણબાગથી એક રિક્ષામાં બેઠા હતા. તેઓ રિક્ષામાં બેઠા ત્યારે તેમાં બે મહિલા પેસેન્જર બેઠી હતી. આ પછી હોસ્પિટલ ચોક પાસેથી પણ એક શખ્સ રિક્ષામાં બેઠો હતો જે પારેવડી ચોક પાસે ઉતરી ગયો હતો.
ત્યારબાદ ઈલાબેન અને તેમના બહેન નીલાબેન મીનાબેનના ઘેર પહોંચ્યા ત્યારે ગળામાં પહેરેલો ત્રર લાખની કિંમતનો ૪૩ ગ્રામનો સોનાનો ચેઈન અને ત્રણ હજારની રોકડ ભરેલું નાનું પર્સ ગાયબ જણાતાં શોધખોળ હાથ ધરી હતી પરંતુ તે નહીં મળતાં આ ચોરી રિક્ષામાં બેઠેલા શખ્સે જ કરી હોવાનું લાગતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
