ગોંડલમાં જ્ઞાતિના કોઈ વાડા નથી, અમે બધા એક જ છીએ
નાની' વાત
મોટું’ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ મોવડીઓ આવ્યા મેદાનમાં
ચાર દિવસ પહેલાં પાટીદાર-ક્ષત્રિય સમાજના બે બાળકો વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં અંતે બન્ને પરિવાર વચ્ચે સુખદ સમાધાન
રિવરસાઈડ પેલેસ ખાતે મળેલા સંમેલનમાં અઢારેય વરણના લોકોની ઉપસ્થિતિ
હરિફો ઉપર જયરાજસિંહ જાડેજા, જ્યોતિરાદિત્યસિંહ જાડેજા, અલ્પેશ ઢોલરિયા સહિતના ચાબખાં
હંમેશા ચર્ચાના કેન્દ્રમાં રહેતાં ગોંડલમાં ચાર દિવસ પહેલાં પાટીદાર અને ક્ષત્રિય સમાજના બે બાળકો વચ્ચે મારામારીની ઘટના પ્રકાશમાં આવી હતી. આ પછી જાતિય સતામણી સહિતની બાબતે બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાતાં મામલો ગરમાયો હતો. એકંદરે આ વાત હજુ મોટું સ્વરૂપ ધારણ ન કરી લ્યે તે માટે સમાજના મોવડીઓએ મેદાનમાં આવી મામલો શાંત પાડવા એડીચોટીનું જોર લગાવી દીધું હતું. દરમિયાન રવિવારે ગોંડલના રિવરસાઈડ પેલેસ ખાતે એક મહાસંમેલન મળ્યું હતું જેમાં અઢારેય વરણના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલન બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં બન્ને પક્ષે સુખદ સમાધાન થયું હોવાની જાહેરાત કરવામાં આવી હતી સાથે સાથે પાટીદાર બાળકના પિતાએ પણ સમાધાન અંગે પોતે રાજી હોવાનું જાહેર કર્યું હતું.
આ ઘટના બન્યા બાદ દરરોજ તરેહ-તરેહની ચર્ચાઓ જોર પકડી રહી હતી અને તેના પડઘા ગોંડલથી ગાંધીનગર સુધી પડ્યા હતા. વળી, બન્ને પક્ષ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસ પણ કાર્યવાહી કરવાની દિશામાં તૈયારી કરી રહી હતી. એકંદરે આ વાત મોટું સ્વરૂપ ધારણ કરી લેશે તેવું પામી જતાં બન્ને સમાજના આગેવાનોએ દરમિયાનગીરી કરીને મામલો શાંત પાડ્યો હતો. રવિવારે યોજાયેલા મહાસંમેલનની આગેવાની પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, તેમના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ (ગણેશ) જાડેજા, અલ્પેશ ઢોલરિયા સહિતનાએ લીધી હતી. આ પછી ત્રણેય દ્વારા હરિફોની આકરાં શબ્દોમાં ટીકા પણ કરવામાં આવી હતી.
જયરાજસિંહ, જ્યોતિરાદિત્યસિંહ, અલ્પેશ ઢોલરિયા સહિતનાએ એક સૂરમાં કહ્યું હતું કે ગોંડલમાં જ્ઞાતિ-જાતિના કોઈ જ વાડા નથી અને અહીં બધા એક થઈને જ રહે છે અને ભવિષ્યમાં પણ રહેવાના છે.
ગોંડલને બદનામ કરનારા ક્યારેય ફાવશે નહીં: જયરાજસિંહ જાડેજા
પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ સંમેલનને સંબોધન કરતાં જણાવ્યું કે રાજકોટ-ગોંડલ વચ્ચે અત્યારે ક્યાંય જગ્યા ખાલી રહી નથી. આ જ વાત ગોંડલના વિકાસની ગવાહી પૂરે છે. અહીં ક્ષત્રિય, પાટીદાર સહિતના અઢારેય વરણ એક થઈને જ રહે છે. ગોંડલ ઉપર ગમે એવા આક્ષેપો થાય છે. આ આક્ષેપ એવા છે જેનો જવાબ આપવો પણ મને ઉચિત લાગતો નથી. ગોંડલને બદનામ કરવાના પ્રયાસોમાં રચ્યાપચ્યા રહેતા લોકો ક્યારેય ફાવશે નહીં તેવું જયરાજસિંહે ભારપૂર્વક કહ્યું હતું. આવા લોકોને બધા એક થઈને જવાબ આપશે.
ગોંડલ મિર્ઝાપુર નથી, નથી અને નથી: જ્યોતિરાદિત્યસિંહ જાડેજા
જ્યોતિરાદિત્યસિંહ (ગણેશ) ગોંડલે જણાવ્યું કે સૌરાષ્ટ્રની બહાર બેઠેલા લોકો ગોંડલને `મીર્ઝાપુર’ કહીને સંબોધી રહ્યા છે ત્યારે હું કહેવા માંગીશ કે આ મીર્ઝાપુર નહીં બલ્કે ભગવતસિંહજીનું ગોંડલ છે. ગોંડલ ગોકુળિયું છે અને રહેશે. ટપોરી જેવા લોકો પાટીદાર-ક્ષત્રિયોને સામસામા કરી દેવાના સ્વપ્ન જોઈ રહ્યા છે પરંતુ હું કહેવા માંગીશ કે તેમનું આ સ્વપ્ન ક્યારેય સાકાર થવાનું નથી. અમે બધા એક છીએ અને મજબૂતિથી આવા ટપોરીઓને જવાબ આપવાની તાકાત ધરાવીએ છીએ. પાટીદાર-ક્ષત્રિય પક્ષે સામસામી ફરિયાદ કરવામાં આવી છે ત્યારે ટૂંક સમયમાં હાઈકોર્ટ મારફતે આ મુદ્દે પણ સમાધાન કરવામાં આવશે.
અલ્પેશ ઢોલરિયાની `આગાહી’: ગોંડલના ધારાસભ્ય ગણેશ જાડેજા જ બનશે !
જિલ્લા ભાજપ પ્રમુખ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ મહાસંમેલન વખતે આગાહી કરતાં કહ્યું હતું કે લોકો એવી લાળ ટપકાવી રહ્યા છે કે ગોંડલ સીટ ઉપર તેમનો કબજો થશે ત્યારે હું આ લોકોને સ્પષ્ટ કહું છું કે ગોંડલના ધારાસભ્ય તરીકે ગણેશ જાડેજાને ખભે બેસાડીને જીતાડશું ! તેમણે કહ્યું કે અમે અહીં ભાઈ-ભાઈની જેમ રહીએ છીએ અને જો જયરાજસિંહ ન હોત તો હું યાર્ડનો ચેરમેન પણ બન્યો ન હોતો. તેઓ (જયરાજસિંહ) મારા પિતા સમાન છે એટલે હું તેમને પગે લાગતો જ રહીશ. હરિફોએ એવું બિલકુલ ન વિચારવું કે અહીં કોઈ પ્રકારનો વિવાદ છે.