રાજકોટનો લોકમેળો ચકડોળે ચડયો : SOPમાં છૂટછાટ નહીં મળે તો ક્યાંય મેળા નહીં યોજાય તેવી રાઇડ્સ સંચાલકોની ચીમકી
આગામી તા.14થી 18 ઓગસ્ટ દરમિયાન રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર ભાતીગળ જન્માષ્ટમી લોકમેળામાં સ્ટોલ અને પ્લોટ માટે સોમવરથી ફોર્મ વિતરણ શરૂ થતાની સાથે જ SOPના પાલનને લઈ રાઇડ્સ સંચાલકોએ તંત્રનું નાક દબાવવા પ્રયાસ શરૂ કર્યા છે. સોમવારે ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસીએશનના નામે અમદાવાદથી આવેલા બે રાઇડ્સ સંચાલકોએ SOPમાં છૂટછાટ નહીં અપાય તો રાજ્યમાં એક પણ મેળામાં રાઇડ્સ નહીં ફિટ થાય તેવી તંત્રને ખુલ્લી ધમકી આપવાની સાથે રાજકોટની નેતાગીરી જ નબળી હોવાનું જણાવી અન્ય જિલ્લામાં ગતવર્ષે રાજકીય પીઠબળ અને કરપશનથી લોકમેળા યોજાયા હોવાનો સણસણતો આક્ષેપ કરતા ચકચાર જાગી છે.

વર્ષ 1983થી રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળાનું આયોજન થઇ રહ્યું છે જેમાં ગત વર્ષે ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ રાજ્ય સરકારે લોકમેળામાં યાંત્રિક રાઇડ્સ માટે ફાઉન્ડેશન સહિતના કડક નિયમો સાથેની એસઓપી અમલી બનાવતા રાઇડ્સ સંચાલકે હાઇકોર્ટમાં SOPને પડકારી હતી. જો કે, હાઇકોર્ટે એસઓપી મુદ્દે કોઈ હસ્તક્ષેપ ન કરતા રાજકોટમાં ગત વર્ષે રાઇડ્સ વગર જ મેળો યોજાયો હતો.બીજી તરફ આ વર્ષે પણ જિલ્લા કલેકટરે રાઇડ્સ માટે SOPમાં કોઈ જ છૂટછાટ નહીં આપવા નિર્ણય કરી યાંત્રિક રાઇડ્સ સંચાલકોને SOPના પાલન માટે પૂરતો સમય મળી રહે તે અંતે બે મહિના વહેલું ફોર્મ વિતરણ શરૂ કર્યું છે. જો કે, SOPનું પાલન નહીં કરવા ઇચ્છતા રાઇડ્સ સંચાલકોએ અગાઉ માર્ચ મહિનામાં મુખ્યમંત્રીને આવેદન આપ્યા બાદ સોમવારે રાજકોટમાં ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસીએશનના નામે પત્રકાર પરિષદ યોજી તંત્રને બાનમાં લેવાનો પ્રયાસ કરી તંત્ર અને રાજકોટની નેતાગીરી સામે સણસણતા આરોપ લગાવ્યા હતા.

ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસીએશનના સભ્ય એવા અમદાવાદના કૃણાલ રમેશભાઈ ભટ્ટ નામના રાઇડ્સ સંચાલકે જણાવ્યું હતું કે, આગામી શ્રાવણ માસથી લોકમેળા યોજાઈ રહ્યા છે ત્યારે જો સરકાર SOPમાં છૂટછાટ નહીં આપે તો રાજ્યમાં એક પણ મેળામાં રાઇડ્સ શરૂ નહીં થાય, વધુમાં તેમને ઉમેર્યું હતું કે, અમારી રાઇડ્સમા લોખંડનું ફાઉન્ડેશન હોય છે જેથી સરકાર સિમેન્ટના ફાઉન્ડેશનનો નિયમ દૂર કરે, સાથે જ રાઈડસના બિલ તેમજ ચકરડીના જીએસટી વાળા બિલનો આગ્રહ ન રાખે તેમ જણાવ્યું હતું. વધુમાં કૃણાલ ભટ્ટ અને પરેશ ભટ્ટ નામના રાઇડ્સ સંચાલકોએ રાજકોટની નેતાગીરી નબળી હોવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, ગત વર્ષે રાજકોટ સિવાયના જિલ્લામાં લોકમેળા યોજાયા હતા જેમાં ક્યાંય પણ સરકારની એસઓપીનું પાલન થયું ન હતું.
આ પણ વાંચો : રાજકોટમાં વૃધ્ધની હત્યા કરી લૂંટ ચલાવનાર પ્રેમી યુગલ 3 દિવસના રિમાન્ડ પર : આજે ઘટનાનું કરાવાશે રિ-કન્સ્ટ્રક્શન
વધુમાં ગુજરાત એમ્યુઝમેન્ટ એસોશિએશના સભ્ય એવા કૃણાલ ભટ્ટે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, જે જે જિલ્લામાં મજબૂત નેતાગીરી હતી ત્યાં રાજકીય નેતાઓની વગ અને ભલામણથી લોકમેળામાં રાઇડ્સ ચાલુ રહી હતી ઉપરાંત અન્ય કેટલાક લોકમેળામાં કરપશન આપવાથી રાઇડ્સ ચાલુ રહી હતી. આમ લોકમેળાના ફોર્મ વિતરણ શરૂ થતા જ એસઓપીનું પાલન ન કરવું પડે તે મટે રાજકોટના રાઇડ્સ સંચાલકોએ અમદાવાદના રાઇડ્સ સંચાલકોના ખભે બંદૂક રખાવી તંત્રનું નાક દબાવવા પ્રયાસ કર્યો છે. આ સંજોગોમાં રાજકોટ જિલ્લા કલેકટર આગામી સમયમાં કેવો રૂખ અપનાવે છે તે જોવું રહ્યું.
લોકમેળામાં સ્ટોલ માટે પ્રથમ દિવસે પાંચ ફોર્મ ઉપડયા
રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આગામી તા.14થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનાર લોકમેળા માટે સોમવારથી સ્ટોલ અને પ્લોટ માટે ફોર્મ વિતરણ શરૂ થતા જ પ્રથમ દિવસે કુલ મળી સાત ફોર્મ ઉપડયા હોવાનું લોકમેળા સમિતિ દ્વારા સત્તાવાર રીતે જણાવાયું હતું. નોંધનીય છે કે,લોકમેળાના સ્ટોલ પ્લોટ માટે આગામી તા.13મી સુધી ફોર્મ વિતરણ ચાલુ રહેશે.