રાજકોટના શાક માર્કેટના ધંધાર્થીઓને ભાડાવધારાનો ‘ડામ’ નહીં : 500 સફાઈચાર્જ વસૂલી મનપા સફાઈ કરાવશે
રાજકોટ મહાપાલિકામાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 116 કરોડની 76 દરખાસ્તોને મંજૂરીની મ્હોર લગાવવામાં આવી હતી. ખાસ કરીને શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી 17 શાક માર્કેટ ઉપરાંત ફ્લાવર માર્કેટ, ખડપીઠમાં કાર્યરત 1480 થડા, ઓટા, સ્ટોલ, વખાર, દુકાનધારકો પાસેથી 500ની જગ્યાએ 1000 ભાડું વસૂલવાની દરખાસ્તને સુધારા સાથે મંજૂર કરવામાં આવી હતી. એકંદરે તંત્ર દ્વારા શાકમાર્કેટના ધંધાર્થીઓ પાસેથી મુળ ભાડું 500 રૂપિયા જ વસૂલાશે. જો કે 500 રૂપિયાનો સફાઈચાર્જ લગાવવામાં આવતાં હવેથી ધંધાર્થીઓએ મહિને 500ની જગ્યાએ 1000 રૂપિયા ભરપાઈ કરવાના રહેશે.

કાનધારકોનું ભાડું 500ની જગ્યાએ 1000 કરવાનું નામંજૂર
આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે ભાડાવધારાની મ્યુ.કમિશનર દ્વારા દરખાસ્ત આવી હતી જેને મંજૂર કરવામાં આવી નથી પરંતુ દરેક શાકમાર્કેટ, ફ્લાવરમાર્કેટ, ખડપીઠની વ્યવસ્થિત સફાઈ થઈ શકે તે માટે 500 રૂપિયા સફાઈ ચાર્જ લાગુ કરવામાં આવ્યો છે. ધંધાર્થીઓ દ્વારા થડા, ઓટા, દુકાન, સ્ટોલની વ્યવસ્થિત સફાઈ કરવામાં આવી રહી ન હોય હવે મહાપાલિકા પ્રત્યેક ધંધાર્થી પાસેથી 500 રૂપિયા ચાર્જ વસૂલીને સફાઈ કરાવશે.

116 કરોડની 76 દરખાસ્ત મંજૂર કરતી સ્ટેન્ડિંગ કમિટી
અત્યારે શહેરમાં 17 શાક માર્કેટ કાર્યરત છે જેમાં કુલ 1193 થડાં આવેલા છે તેમાંથી 779 થડાંની હરાજી કરાઈ છે તો 414 અત્યારે મહાપાલિકા હસ્તક છે. આ જ રીતે લીલીખડપીઠમાં 38, સૂકી ખડપીઠ ભાગ-1માં 139, સૂકી ખડપીઠ ભાગ-2માં 27, ફ્લાવર માર્કેટમાં 83માંથી 27 થડાં ભરેલા છે બાકીના 56 મહાપાલિકા હસ્તક છે.
આ ઉપરાંત માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધીના 150 ફૂટના રોડને રિ-ડિઝાઈન કરવા માટે સુરતની એસવીએનઆઈટી સંસ્થાને ક્નસલ્ટન્ટ તરીકે નિમણૂક કરવા, વોર્ડ નં.2માં કમલમ્ કાર્યાલયથી પોણો કિલોમીટર દૂર મહાપાલિકાના પ્લોટમાં 4.45 કરોડના ખર્ચે પાર્ટીપ્લોટ બનાવવા સહિતની 76 દરખાસ્તોને મંજૂરીની મ્હોર લગાવવામાં આવી હતી.