શહેરની વચ્ચેથી પસાર થતી આજી નદીમાં થોડા સમય પહેલાં ડૉ.હેપી નમકીન નામના ૨૦૦થી વધુ વેફર-ચવાણાના પેકેટનો જથ્થો કોઈ ‘પધરાવી’ જતાં મહાપાલિકા તંત્ર દોડતું થઈ ગયું હતું. ભારે જહેમતના અંતે આખરે આ કારસ્તાન કરનાર સુધી પહોંચી જઈ તેની પાસેથી ૧૦,૦૦૦ના દંડની વસૂલાત કરવામાં આવી હતી.
આ અંગે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ કરેલી તપાસમાં એવો ખુલાસો થયો હતો કે ડૉ.હેપી નમકિન લોધીકા તાલુકાના ખાંભા ગામે આવેલી કંપનીમાં ઉત્પાદિત થઈ રહ્યું છે. આ પછી તંત્ર દ્વારા કંપનીનો સંપર્ક કરતાં એક સેલ્સમેને જ આ જથ્થો આજી નદીમાં નાખ્યો હોવાનું બહાર આવ્યું હતું. તંત્ર દ્વારા કંપનીના ડિસ્ટ્રિબ્યુટર પાસેથી ૧૦,૦૦૦ના દંડની વસૂલાત કરી બીજી
વખત આવી ભૂલ નહીં કરવા કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી. સેલ્સમેનના જણાવ્યા પ્રમાણે આ નમકીન એક્સપાયર થઈ ગયું હોવાથી તેના નિકાલ માટે વ્યવસ્થિત જગ્યા ન મળતાં તેણે નદીમાં નાખી દીધું હતું !