બે પ્રેમીઓ માટે ગીરવે મુક્યા ઘરેણાં, પ્રેમીઓએ લોનના હપ્તા ન ભરતાં પરિણીતાએ બંધ ઘરમાં કરી ચોરી અને…
- પોતાનો ચેન એક પ્રેમીના નામે મુકી લોન કરાવ્યા બાદ તેણે હાથ ઉંચા કરી દીધા, બીજા પ્રેમીના નામે લોન ટ્રાન્સફર કરાવતાં તેણે પણ હપ્તા ન ભર્યા !
- ચેન છોડાવવા માટે પરિણીતાએ બીજા પ્રેમી સાથે મળી બંધ પડેલા ઘરમાંથી ઘરેણા ચોર્યા’ને તેને વેચી પોતાનો ચેઈન છોડાવ્યો પણ આખરે પકડાઈ ગઈ
પ્રેમ પામવા માટે પરિણીતા કઈ હદ સુધી ચાલી ગઈ તેનું ઉદાહરણ આપતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગત 20 માર્ચે જેતપુરના ટાકુડીપરા વિસ્તારમાં એક મકાનના તાળાં તૂટ્યા હતા જેમાંથી 1.48 લાખની કિંમતના સોનાના ઘરેણાની ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. આ પછી તપાસ કરતાં આ ચોરીને અંજામ એક પરિણીતાએ જ આપ્યો હોવાનું સામે આવ્યું હતું સાથે સાથે આ ચોરી કરવા પાછળનું કારણ ગીરવે મુકેલા ઘરેણાની બબ્બે પ્રેમીએ લોન નહીં ભરતાં કરવી પડી હોવાનું ખુલ્યું હતું ! જેતપુર પોલીસે પરિણીતા અને તેના પ્રેમી એમ બન્નેની ધરપકડ કરી 1.10 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો.
પોલીસે ચોરી થઈ ત્યારના સીસીટીવી ચેક કરતાં નયના કિરીટભાઈ ગોહેલ (રહે.ટાકુડીપરા, શેરી નં.8) ચોરી કરતી હોવાનું ધ્યાન પર આવતાં તેને ઉપાડી લઈ પૂછપરછ કરતાં આ ચોરી તેણે જ કરી હોવાની કબૂલાત આપી હતી. નયનાએ જણાવ્યું કે તેણે પોતાના સોનાના હારની તેના પ્રેમી સંદીપના નામથી અગાઉ જેતપુર કણકિયા પ્લોટમાં આવેલી મુથુટ ફાયનાન્સની ઓફિસમાં ગોલ્ડ લોન કરાવી હતી. જો કે આ લોનના હપ્તા સંદીપ ભરતો ન્હોતો. નયનાએ પોતાનો હાર છોડાવવો હોય આખરે તેણે તેના બીજા પ્રેમી સાગરના નામથી લોન ટ્રાન્સફર કરાવી હતી પરંતુ સાગર પાસે પણ લોન ભરવા માટે પૈસા ન હોય આખરે ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો.
ત્યારબાદ ટાકુડીપરા વિસ્તારમાં આવેલા મકાનમાં નયના અને સાગરે ત્રાટકીને સોનાના ઘરેણાની ચોરી કરી હતી. આ ઘરેણા એમ.જી.રોડ પર આવેલી રાધે ગોલ્ડ નામની દુકાનમાં વેચી નાખ્યા હતા અને તેનાથી આવેલા પૈસાથી ગીરવે મુકેલો ચેન છોડાવી લીધો હતો. આમ પ્રેમીએ પૈસા ભરવામાં દગો આપતાં પરિણીતા ચોરી સુધી દોરાઈ ગઈ હતી. પોલીસે નયના અને તેના પ્રેમી સાગરને 1.10 લાખના સોનાના ઢાળીયા સાથે પકડી પાડી રિમાન્ડ ઉપર મેળવવા તજવીજ હાથ ધરી હતી.