600 ગામમાં બનશે તળાવ !! રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં રૂ.150 કરોડની ગ્રાન્ટ મંજુર
રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા મળી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન સંજયભાઈ રંગાણી, ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર, સમિતિના ચેરમેનો, જિલ્લા પંચાયત સદ્દસ્યો, ડીડીઓ અનંદુ સુરેશ ગોવિદ, ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ જિલ્લા પંચાયતનું નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫નું સુધારેલ અંદાજપત્ર તેમજ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬નું અંદાજપત્ર બહાલી અર્થે રજુ કરવામા આવ્યુ જેને ઉપસ્થિત સદ્દસ્યો દ્વારા બહાલી આપવામાં આવી હતી.
બીજી વખત જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી દ્વારા જિલ્લા પંચાયતનું સને ૨૦૨૫-૨૬નું બજેટ ખાસ સામાન્ય સભા સમક્ષ મુકવામાં આવ્યું. સને ૨૦૨૫-૨૬નું બજેટ પુરાંતવાળુ છે. ગ્રામ્ય પ્રજાની આરોગ્ય સુખાકારી હિત ધ્યાને લઈ તૈયાર કરેલ બજેટમાં નીચેની મુખ્યત્વે જોગવાઈ કરેલ છે. ગ્રામ્ય પ્રજા ઉપર કોઈપણ જાતના નવા કરવેરા નાખવામાં આવેલ નથી.
રાજકોટ જિલ્લા પંચાયતનું સને ૨૦૨૫-૨૬ના અંદાજપત્રમાં કુલ રૂ ૧૦૯૧.૬૪ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. જેમા જિલ્લા પંચાયત સ્વભંડોળ અંતર્ગત કુલ રૂ.૨૨ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. (૧) વિકાસનાં કામો માટે ૧૦ કરોડ ૮૦ લાખની
જોગવાઈ કરવામાં આવેલ છે. (૨) શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પસંદગી સ્પર્ધા માટે ૨૨ લાખની જોગવાઈ કરવામા આવી છે.
વિચરતી-વિમુક્ત જાતીના દિકરા-દિકરી માટે શિક્ષણ સહાય માટે ૨૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. સર્ગભા માતાઓની ચકાસણી અને સારવાર અંગે તથા થેલેસેમીયા અને સિકલસેલ એનીમિયા સારવાર અંગે સહાય માટે ૧૦ લાખની જોગવાઈ. રાજકોટ જિલ્લાને કુપોષણ મુક્ત કરવાના અભિયાનના ભાગરૂપે આઇસીડીએસ વિભાગમાં કુપોષિત બાળકોને પોષણક્ષમ અને પ્રોટીનયુક્ત આહાર પુરો પાડવા માટે ૩૨ લાખની જોગવાઈ કરવામા આવે છે.
મનરેગા શાખાનુ વર્ષ ૨૦૨૫-૨૬નુ રાજકોટ જિલ્લાના કુલ ૧૧ તાલુકાઓનુ લેબર બજેટ આજની ખાસ સામાન્ય સભામાં ઠરાવ મંજુર કરવામા આવ્યો. રાજકોટ જિલ્લામા હાલ કુલ અંદાજે ૬૦૦ જેવા ગામોનો સમાવેશ થયેલ છે. આ ગામોમા ઘણાખરા અંશે ઉનાળા દરમિયાન પીવાના પાણી તથા ખેતી માટે સિચાઈના પાણીની અછત રહે છે.
આ તમામ ગામોમા ગામ દીઠ એક તળાવ બનાવવા માટે રકમ રૂા. ૨૫ લાખ લેખે સરકારમા અંદાજે કુલ રકમ રૂા.૧૫૦ કરોડ જેટલી ગ્રાન્ટની માંગણી કરતો ઠરાવ આજની ખાસ સામાન્ય સભામા ઠરાવ મંજુર કરવામા આવ્યો છે.