કામના સ્થળે મહિલાઓની જાતીય સતામણી રોકવા આકરા નિયમો, આકરા દંડની જોગવાઈ
રાજકોટ : આજના સમયમાં સ્ત્રી પુરુષ સમોવડી સાબિત થઇ રહી છે અને પડકારજનક કામગીરી પણ સુપેરે નિભાવતી થઇ છે ત્યારે સરકારે કામના સ્થળોએ મહિલાઓની જાતીય સતામણી રોકવા વિશેષ જોગવાઈ કરી છે અને માત્ર શાળા, કોલેજ, સરકારી ઓફિસ જ નહીં બલ્કે મોલ, ઓફિસ, કારખાના સહિતના મહિલાઓ કામ કરતી હોય તેવા સંકુલો માટે હેરેસમેન્ટ સમિતિની રચના ફરજીયાત કરી છે અને આવી સમિતિની રચના નહીં કરવાની સાથે આવા સંકુલોમાં જાતીય સતામણીની ઘટના બને તો સંસ્થાઓ માટે આકરા દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.
નારી વંદન ઉત્સવ” અંતર્ગત મંગળવારે “મહિલા કર્મયોગી” દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષ સ્થાને મહિલાઓ માટે કામકાજના સ્થળે જાતીય સતામણી અંગે જાગૃતિલક્ષી સેમિનાર યોજાયો હતો. આ તકે કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, રાજ્યસરકાર દ્વારા મહિલા સશક્તિકરણ અંતર્ગત વિવિધ યોજનાઓ કાર્યરત છે. જ્યારથી દીકરીઓનો જન્મ થાય છે ત્યારથી લઈ દીકરીના લગ્ન અને નિવૃત્ત જીવનમાં પણ સહારો થાય ત્યાં સુધીની યોજનાઓ અમલમાં છે.
વધુમાં રાજકોટ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી ડો.જનકસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, તમામ સરકારી કચેરીઓમાં મહિલાઓને જાતિય સતામણીથી બચાવવા માટે એક કમિટીની રચના કરવાની જોગવાઈ છે. જેને કામકાજના સ્થળે “મહિલાઓની જાતીય સતામણી” એક્ટ અંતર્ગત કચેરીની “આંતરિક ફરિયાદ નિવારણ સમિતિ” કહેવાય છે. જેમાં કચેરીમાં સિનિયર મહિલા કર્મચારીને અધ્યક્ષ બનાવવામાં આવે છે અને સભ્યોમાં એક બિન સરકારી વ્યક્તિ તથા અન્ય બે મહિલા કર્મચારીઓ કચેરીમાંથી લેવામાં આવે છે. જે અંગેના કાયદાઓની વધુ જાણકારી માટે આજે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વેળાએ એડવોકેટ નમ્રતાબેન ભદોરિયાએ સરકારી કચેરીની મુલાકાત લેનાર મહિલાઓ સાથે પણ ઉત્પીડનનો કેસ બન્યો હોય તો તેમને પણ ન્યાય આપવાની અને તેમની ફરિયાદની તપાસની શું જોગવાઈ છે તે બાબતે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, કચેરીમાં આવેલા કોઈપણ મુલાકાતી સાથે પણ જાતીય સતામણીની ઘટના બની હોય તો આ સમિતિ દ્વારા તેમની ફરિયાદ લઈને તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આ સેમિનારમાં ફરિયાદ મળ્યા બાદ સમિતિ તપાસ કેવી રીતે કરશે, કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવાશે, સામેવાળા સામે શું પગલાં લેશે ? સહિતના મુદ્દાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ કચેરીના વડા સામે ફરિયાદ થઈ હશે તો તેવા કિસ્સામાં કલેકટરશ્રીની દેખરેખ હેઠળ રચાયેલી જિલ્લાકક્ષાની કમિટીમાં ફરિયાદ થઈ શકશે તેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.