ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘૂસ્યું પ્રતિબંધિત ચાઈનીઝ લસણ : ઉપલેટાથી આવેલા 30 કટ્ટા કરાયા જપ્ત
સરકાર દ્વારા ચાઈનીઝ લસણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દેશમાં અંદાજે વર્ષ 2006થી ચાઈનીઝ લસણ પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. તેમ છતાં ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે ઉપલેટાથી આવેલા ચાઈનીઝ લસણના જથ્થાને સીઝ કરવામાં આવ્યો હતો. ગોંડલ નાં અગ્રીમ ગણાતા માર્કેટ યાર્ડ માં કોઈ ખેડુત દ્વારા ગઈકાલ સાંજે બે હજાર કટ્ટાની આવક થવા પામી હતી જેમાં ભારત દેશમાં પ્રતિબંધિત ચાઇનાનાં લસણનાં ૩૦ જેટલા કટ્ટા ઘુસી આવ્યા હતા. ચાઈનીઝ લસણના 30 કટ્ટા છાપરા નં – 10માં ઉતારવામાં આવ્યા હતા. વેપારીની નજરે ચાઈનીઝ લસણના કટ્ટા ચડતા યાર્ડના ચેરમેનને રજુઆત કરી હતી.
ચાઈનીઝ લસણના 30 કટ્ટા યાર્ડના ગોડાઉનમાં જપ્ત કરાયા
માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે લસણના વેપારીઓને યાર્ડના છાપરા નં – 10 નીચે ચાઈના લસણના 30 કટ્ટા અંદાજે 600 થી 700 કિલો લસણ નજરે આવ્યા હતા અમને જાણ કરતા સ્થળ પર દોડી આવ્યા હતા અને આ લસણ ક્યાંથી આવ્યું છે કોણે મંગાવ્યું છે તેની તપાસ ચાલુ છે. આ ચાઈના લસણની અહીં એટલા માટે પ્રતિબંધ છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોનું યાર્ડ છે. આવું લસણ બહારથી આવવા લાગેતો ખેડૂતોને નુકસાન જાય ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોને નુકસાન જાય તેવું ક્યારેય ચલાવી લેવામાં નહિ આવે એટલા માટે ચાઈના લસણનો 30 કટ્ટાનો માલ યાર્ડના ગોડાઉનમાં જપ્ત કરવામાં આવ્યો છે.
યાર્ડના સત્તાધીશોએ રાજ્ય અને કેન્દ્ર સરકારમાં રજુઆત કરી
વધુમાં યાર્ડના ચેરમેને જણાવ્યું હતું કે ભારત દેશમાં અંદાજે વર્ષ 2006થી ચાઈના લસણ પર પ્રતિબંધ છે. ચાઈના લસણ કયાંથી આવ્યું અને કેવીરીતે આવ્યું તેને લઈને અમે રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને કૃષિમંત્રી ને ઈમેલ દ્વારા રજુઆત કરવામાં આવી છે. ઉપરાંત કેન્દ્ર સરકારમાં પણ રજુઆત કરી છે. જેટલા લોકો આ કામ સાથે જોડાયેલા હોય તેમની સામે કડક માં કડક થવી જોઈએ.