ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન મોદી પ્રથમવાર ગુજરાતના પ્રવાસે : કચ્છ માતાના મઢે કરશે દર્શન
ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26-27 મે દરમિયાન બે દિવસ ગુજરાતના મહેમાન બનશે. 26 મેની રાત્રે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગર જશે અને ત્યાં રાત્રી રોકાણ કરશે.
27 મેના રોજ વડાપ્રધાન કચ્છ, દાહોદ અને ગાંધીનગરમાં ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપશે. કચ્છના ભુજમાં મીરજાપર રોડ પર જાહેર સભા અને માતાના મઢ આશાપુરા મંદિરના દર્શનનો કાર્યક્રમ નિશ્ચિત છે. આ મુલાકાતને લઈને સ્થાનિક તંત્ર એક્શનમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીએમ નિવાસસ્થાને બેઠક યોજી, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સંગઠન મહામંત્રી રત્નાકર અને અન્ય અધિકારીઓએ આયોજનને આખરી ઓપ આપ્યો હતો. વડાપ્રધાનની આ મુલાકાત રાજ્યના વિકાસ અને રાષ્ટ્રીય ગૌરવને વેગ આપશે તેમ ભાજપના એક નેતાએ કહ્યું હતું.
વડાપ્રધાનના આગમનને લઈને CM નિવાસસ્થાને યોજાઈ બેઠક
PM પ્રવાસના આયોજનને આખરી ઓપ આપવા CM નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે. જે બેઠકમાં મુખ્યમંત્રી, સંગઠન મહામંત્રી રત્નાકર, હર્ષ સંઘવી સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. આપને જણાવીએ કે, PMની મુલાકાતને લઈને બેઠકોનો દોર શરૂ થયો છે, ત્યારે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે તેમજ યોગ્ય વ્યવસ્થાને લઈ કેટલાક નેતાઓને જવાબદારી પણ સોંપાઈ છે.