અમારી હડતાળ ચાલુ જ છે, માંગણી નહીં સ્વીકારે ત્યાં સુધી લડત ચાલુ રહેશે: ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસો.
રાજકોટ સહિત રાજ્યભરના 17 હજાર જેટલા સસ્તા અનાજના વેપારીઓ અલગ અલગ 20 માંગણીઓને લઈ હડતાળ ઉપર ઉતરી ગયા છ અને આજે ચોથા દિવસમાં પ્રવેશી છે ત્યારે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ વ્યાજબી ભાવના વિક્રેતાઓ સાથે સમાધાનકારી વલણ અપનાવાને બદલે જીદ પર ઉતરી દબાણ લાવવા પ્રયાસ કરી રહ્યા હોવાનું ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન મહામંત્રી હિતુભા જાડેજાએ જણાવ્યું છે. તેઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, અમારી હડતાળ ચાલુ છે. જે દુકાનો ચાલુ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તે દુકાન વ્યક્તિગત નહીં પણ સહકારી મંડળી સંચાલિત છે. સાથે જ ધારાસભ્યો મારફતે પરવાનેદારો પણ દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું પણ તેમને જણાવ્યું હતું.

ગુજરાત ફેરપ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન એસોશિએશન અને ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા રેશનકાર્ડ ધારકોને અનાજ વિતરણમાં ડબલ ફિગરપ્રિન્ટ પ્રથા બંધ કરવા, કમિશનમાં વધારો કરવા સહિતની અલગ -અલગ 20 માંગણીઓને લઈ 1લી નવેમ્બથી હડતાળ પર ઉતરી ગયા છે ત્યારે હડતાળ સમેટાય તે માટે રાજ્યના પુરવઠા અગ્ર સચિવ મોના ખંધાર દ્વારા પરવાનેદારોના બે સંગઠનના પ્રમુખ અને મહામંત્રી સહિતના આગેવાનો સાથે બેઠક યોજી હતી. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદભાઈ મોદી, ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસો.ના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી હિતુભા જાડેજા સહિતના અગ્રણીઓ સાથેની બેઠકમાં કમિશન સહિતના મુદ્દાનો કોઈ ઉકેલ લાવવાને બદલે અગ્રસચિવ મોના ખંધાર બેઠક છોડીને જતા રહેતા વેપારીઓએ હડતાળ આજે ચોથા દિવસમાં પહોંચતા ગરીબ રેશનકાર્ડ ધારકો સરકારની મફત અનાજ યોજનાના લાભથી વંચિત રહ્યા છે.

બીજી તરફ હડતાલ મામલે ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોશિએશન મહામંત્રી હિતુભા જાડેજાએ જણાવ્યું હતું કે, અમારી હડતાળ ચાલુ છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સચિવ અમારી હડતાળને કચડવા માટે પ્રયાસ કરી રહ્યા છે અને હવે સંબંધિત વિસ્તારના ધારાસભ્યોને દુકાન ચાલુ કરાવવા દબાણ કરી રહ્યા છે. સાથે જ જિલ્લામાં જે જે દુકાન ચાલુ હોવાનું કહેવામાં આવે છે તેવી મોટાભાગની દુકાન સહકારી મંડળી સંચાલિત હોવાનું જણાવી જ્યાં સુધી તમામ 20 માંગ નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી ગુજરાત ફેરપ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન એસોશિએશન અને ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન જોડાયેલ તમામ દુકાનદારો હડતાળ નહીં સમેટે તેમ સ્પષ્ટ કર્યું હતું.

નોંધનીય છે કે, રાજકોટ શહેરમાં સસ્તા અનાજના વેપારીઓની હડતાલ ચોથા દિવસમાં પ્રવેશી છે અને રાજકોટ શહેર તેમજ જિલ્લાની 713 જેટલી દુકાનો પૈકી 175 દુકાનોમાં જ ગરીબ રેશનકાર્ડ ધારકોને ઘઉં, ચોખા, ચણા સહિતનું વિતરણ કરવામાં આવી રહ્યું હોવા છતાં રેશનકાર્ડ ધારકો ગેરમાર્ગે દોરાય તે રીતે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ભ્રામક જાહેરાત કરી જિલ્લામાં રેશનકાર્ડ ધારકો માટે વિતરણ ચાલુ હોવાની યાદી મોકલવામાં આવી રહી હોય અનેક રેશનકાર્ડ ધારકો વાજબીભાવની દુકાને ધક્કા ખાઈ રહ્યા હોવાનું પણ વેપારી આગેવાનોએ જણાવ્યું હતું.
