- પુરવઠા ગોડાઉનમાંથી બારોબાર ખાનગી વાહનોમાં સીંગતેલ સપ્લાય મામલે નિયમભંગ થયાનું સામે આવ્યું
- પુરવઠામંત્રીના આદેશ બાદ ગાંધીનગર પુરવઠા વિભાગના મદદનીશ નિયામક અને વિજિલન્સ દ્વારા તપાસ
રાજકોટ : રાજકોટના જંકશન સ્થિત પુરવઠા નિગમના ગોડાઉનમાં રાજ્યના પુરવઠા મંત્રીના સરપ્રાઈઝ ચેકીંગ સમયે જ ગોડાઉન બહારથી ગરીબ રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવાના તેલનું ખાનગી વાહનોમાં પરિવહન કરવા મામલે પુરવઠા મંત્રીના આદેશ બાદ ગાંધીનગર પુરવઠા વિભાગના મદદનીશ નિયામક અને વિજિલન્સ દ્વારા રાજકોટ આવી તપાસ કરવામાં આવ્યા બાદ જિલ્લા કલેકટર દ્વારા પણ નિયમભંગ મામલે ઉચ્ચ અધિકારીને તપાસ સોંપવા તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગત શનિવારે રાજ્યના પુરવઠા પ્રધાન કુંવરજીભાઇ બાવળિયાએ રાજકોટના એફસીઆઈ અને જંકશન સ્થિત પુરવઠા નિગમના ગોડાઉનની સરપ્રાઈઝ વિઝીટ કરી બાદમાં સાતમ આઠમના તહેવાર નિમિતે સરકારે જાહેર કરેલ વધારાની ખાંડ-તેલના જથ્થાનું વહેલીતકે વિતરણ કરવા પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં આદેશ કર્યો હતો. બીજી તરફ પુરવઠા પ્રધાનની સરપ્રાઈઝ વિઝીટ સમયે જ પુરવઠા વિભાગના ડોર સ્ટેપ ડિલિવરીના નિયમનો ઉલાળિયો કરી ગોડાઉનથી બારોબાર ખાનગી વાહનોમાં સીંગતેલની સપ્લાય કરી નિયમભંગ કરવામાં આવતા આ ગંભીર બાબતે ખુદ પુરવઠા મંત્રીએ તપાસના આદેશ કરતા રવિવારે ગાંધીનગર પુરવઠા વિભાગના મદદનીશ નિયામક અને વિજિલન્સ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
બીજી તરફ સસ્તા અનાજનો જથ્થો બારોબાર પગ ન કરી જાય તે માટે સરકારે ડોર સ્ટેપ ડીલેવરી સિસ્ટમ અમલી બનાવી હોવા છતાં પણ રાજકોટમાં પુરવઠા વિભાગના ગોડાઉન દ્વારા સસ્તા અનાજના વિક્રેતાઓને વોટ્સએપ મેસેજ કરી તેલનો જથ્થો પોતપોતાના વાહનોમાં આવી મેળવી લેવા મેસેજ કરવામાં આવતા ગોડાઉન ખાતેથી જ ખાનગી વાહનોમાં તેલનો જથ્થો વિતરણ કરવામાં આવ્યો હતો. આ બાબતે જિલ્લા કલેકટર દ્વારા પણ નિયમભંગ થયો હોવાનું જણાવી સમગ્ર મામલે ઉચ્ચ અધિકારી મારફતે તપાસ કરવામાં આવશે તેવા સંકેતો આપ્યા હતા.
વેપારીઓ ખાનગી વાહનમાં તેલ લઈ આવ્યાનો એફપીએસ એસોશિએશનનો સ્વીકાર
રાજકોટના પુરવઠા ગોડાઉનના અધિકારીઓએ નિયમભંગ કરી ડોરસ્ટેપ ડિલિવરીને બદલે ખાનગી વાહનોમાં તેલ લઈ ગયા હોવાનની વાતનું ખુદ રાજકોટ શહેર ફેરપ્રાઈઝ સોપ એસોસીએશને સમર્થન કરી મહામંત્રી હિતુભા જાડેજા અને પ્રમુખ માવજીભાઈ રાખસીયાએ જારી કરેલ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, તહેવારો નજીક હોવા છતાં તેલનું વિતરણ થઇ શક્યું ન હોય જેથી ગ્રાહકોની તીવ્ર માંગને પગલે આઠથી દસ જેટલા વેપારીઓ ખાનગી વાહનમાં તેલ લઈ આવ્યા હોવાનું અને ગોડાઉનના સંકલનમાં રહી સહકારની ભાવનાથી ભાડાના વાહનમાં તેલ મેળવ્યું હોવાનું અને તેલનો જથ્થો ગેરવલ્લે ન ગયો હોવાનું જણાવ્યું હતું.