શેર-મ્યુચ્યુઅલ ફંડના નફા ઉપર હવે રિબેટ નહીં મળે : કરદાતાઓને ભરવો પડશે ટેક્સ, આ તારીખ સુધી ટેક્સ નહીં ભરો તો લાગશે દંડ
ટૂંકાગાળાનાં કેપિટલ ગેઇન પરની આવકમાં હવેથી રિબેટ નહિ મળે, આવકવેરા વિભાગે સ્પષ્ટતા કરી છે કે કલમ 87એ હેઠળ રિબેટ હવે ખાસ દરની આવક પર લાગુ નહીં પડે. શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં મળેલા લાભ પર હવેથી ટેક્સ ચૂકવવો પડશે.જે કરદાતાઓએ ક્લેઇમ કર્યો છે તેમને ડિસેમ્બર 2025 સુધીમાં ટેક્સ ભરવા સૂચના અપાઈ છે.જો કે વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવી છે.
ટૂંકા ગાળાના મૂડીલાભ (શેર કે મ્યુચ્યુઅલ ફંડના નફા), લાંબા ગાળાના મૂડીલાભ, ક્રિપ્ટો કરન્સીમાંથી આવક, લોટરી કે ગેમ શોમાંથી જીતેલી રકમ જેવી આવક પર રિબેટનો લાભ મળશે નહીં.
ઇન્કમટેક્સ વિભાગે કહ્યું છે કે, ઘણા કરદાતાઓએ 2023-24 માટે આ પ્રકારની ખાસ આવક પર પણ રિબેટનો દાવો કર્યો હતો. શરૂઆતમાં કેટલાક દાવા સ્વીકારાયા પણ બાદમાં સમજાયું કે આ દાવો માન્ય નથી. હવે આવા કરદાતાઓને બાકી ટેક્સ ભરવાની નોટિસ મોકલાઈ છે.
જો કરદાતા 31 ડિસેમ્બર 2025 સુધી બાકી ટેક્સ ચૂકવી દેશે તો તેમના પર વ્યાજ વસૂલવામાં નહીં આવે. જોકે મૂળ ટેક્સ ચૂકવવો ફરજિયાત રહેશે.કેન્દ્ર સરકારે બજેટ 2025માં જોગવાઈ કરી છે કે 2025-26થી ખાસ દરની આવક પર 87એ રિબેટ મળશે નહીં.
આ પણ વાંચો :ભારત-પાકિસ્તાન 13મી વખત ફાઈનલમાં ટકરાશે : ચેમ્પિયન્સ ટ્રોફીની હારનો બદલો લેવા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ મેદાનમાં ઉતરશે
સામાન્ય આવક પર રિબેટ યથાવત છે, જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ 5 લાખ સુધીની આવક પર, નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ 7 લાખ સુધીની આવક પર રિબેટનો લાભ મળશે. જો તમારી આવક 7 લાખ સુધી છે, તો સામાન્ય રીતે ટેક્સ લાગતો નથી. પરંતુ જો તેમાં શેર-મ્યુચ્યુઅલ ફંડના નફા, ક્રિપ્ટો કે લોટરી જેવી આવક સામેલ હોય તો તેના પર રિબેટ નહીં મળે. આ નફા પર ટેક્સ ચૂકવવો જ પડશે.
