તમે જે ક્રિકેટ જૂઓ છો તે એકદમ ‘ક્લિન’ છે !!
- આઈસીસીના ભ્રષ્ટાચાર વિરોધી એકમના પૂર્વ પ્રમુખનો મોટો દાવો
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (આઈસીસી)ના ભ્રષ્ટાચાર વિરોધી એકમ (એસીયુ)ના પૂર્વ પ્રમુખ એલેક્સ માર્શલે કહ્યું કે ટોચ સ્તરનું ક્રિકેટ એકદમ સુરક્ષિત અને ક્લિન છે પરંતુ સંભવિત ભ્રષ્ટાચારીઓની નજર સ્થાનિક ક્રિકેટ સંસ્થાઓ અને સંચાલિત થઈ રહેલી ટી-૨૦ લીગ દ્વારા આ રમતમાં ઘૂસણખોરી કરવાની છે.
બ્રિટનના પૂર્વ પોલીસ અધિકરીએ એ ન જણાવ્યું કે તેઓ કોઈ વિશેષ સ્થાનિક લીગ અથવા દેશ વિશે વાત કરી રહ્યા છે કે કેમ ? જો કે એમ કહ્યું કે હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહી શકું છું કે તમે જે ક્રિકેટ જોઈ રહ્યા છો એ એકદમ સુરક્ષિત અને સાફસૂથરું છે !
તેમણે ઉમેર્યું કે ભ્રષ્ટાચારીઓ અત્યારે આ રમતમાં ઘૂસવાનો રસ્તો શોધી રહ્યા છે. આ લોકો નીચલા સ્તરની ફ્રેન્ચાઈઝી લીગ દ્વારા ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. રમત માટે ખતરો એ છે કે ભ્રષ્ટાચારી દૂર નથી જવાના કેમ કે તેનો એકમાત્ર હેતુ પૈસા કમાવાનો છે અને તે આ સંપૂર્ણ વ્યવસ્થાની નબળી કડી દ્વારા અંદર ઘૂસવાનો પ્રયાસ કરશે.