રાજકોટવાસીઓ મોજથી માણો IPLના મેચની મજા, ચૌધરી ગ્રાઉન્ડમાં IPL ફેન પાર્ક ઉભો કરાશે
ઈન્ડિયન પ્રિમીયર લીગના મુકાબલા દેશના અલગ-અલગ સ્ટેડિયમ પર રમાઈ રહ્યા છે. જો કે ક્રિકેટ બોર્ડ દ્વારા જે શહેરને મેચ ન અપાઈ હોય ત્યાં આઈપીએલ ફેનપાર્ક ઉભો કરવાની વ્યવસ્થા કરાઈ રહી હોય સળંગ ત્રીજા વર્ષે રાજકોટમાં ફેન પાર્ક ઉભો કરવામાં આવશે. ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં આજે અને આવતીકાલે એમ બે દિવસ સુધી આઈપીએલની ત્રણ મેચ વિશાળ સ્ક્રીન ઉપર નિહાળી શકાશે. આ ઉપરાંત અન્ય આકર્ષણો પણ આ ફેનપાર્કમાં ઉભા કરવામાં આવશે.
આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી હિમાંશુ શાહ તેમજ બીસીસીઆઈના ક્રિકેટ ઓપરેશન્સના સીનિયર મેનેજર સુમિત મલ્લાપુરકર સહિતનાએ જણાવ્યું કે આજે બપોરે 3ઃ30 વાગ્યાથી ચેન્નાઈ-દિલ્હી, સાંજે 7ઃ30 વાગ્યાથી પંજાબ-રાજસ્થાન અને આવતીકાલે સાંજે 7ઃ30 વાગ્યે ગુજરાત-હૈદરાબાદ વચ્ચેની મેચ ફેનપાર્કમાં બતાવવામાં આવશે. આ ફેન પાર્કમાં મેચના લાઈવ પ્રસારણ માટે 32 બાય 18ની વિશાળ સ્ક્રીન ઉપરાંત કિડઝ ઝોન્સ, સીનિયર સિટીઝન ઝોન, ગેઈમ ઝોન, ફૂડ સ્ટોલ્સ સહિતના આકર્ષણ ઉભા કરવામાં આવ્યા છે. ખાસ કરીને સીનિયર સિટીઝન, પ્રેગનન્ટ મહિલાઓ, દિવ્યાંગો માટે ખાસ બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આ ફેન પાર્કમાં એક સાથે 10થી 15 હજાર દર્શકો ઉપસ્થિત રહી શકશે જે તમામને વિનામૂલ્યે એન્ટ્રી આપવામાં આવશે. આવતીકાલે પહેલી મેચમાં બપોરે 2ઃ30 અને સાંજે 6ઃ30થી તો રવિવારે સાંજે 6ઃ30 વાગ્યાથી ફેન પાર્કમાં પ્રવેશ અપાશે. આ ઉપરાંત અહીં લક્કી ડ્રો પણ કરવામાં આવશે જેમાં વિજેતા દર્શકોને ખેલાડીઓના ઓટોગ્રાફવાળી જર્સી સહિતનું ઈનામ અપાશે.