નરેન્દ્ર મોદી કાલે સ્ટેચ્યુ ઑફ યુનિટી- એકતાનગરની મુલાકાતે : 284 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે
31 ઓક્ટોબરે પ્રકાશપર્વ દિવાળી અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિનો પાવન સંયોગ સર્જાઈ રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા નગરને વિવિધ વિકાસ કાર્યો અને પ્રવાસન આકર્ષણોની ભેટ આપીને આ અવસરને યાદગાર બનાવવા જઈ રહ્યા છે. વડાપ્રધાનરાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના એકતાનગરની મુલાકાત લેશે અને 284 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ઉલ્લેખનીય છે કે, કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ આજે વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. હવે વડાપ્રધાન દ્વારા બોન્સાઈ ગાર્ડન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સરદાર સરોવર ડેમ એક્સપીરિયન્સ સેન્ટર જેવા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ટ્રાફિક સર્કલ્સ, સ્માર્ટ બસ સ્ટોપનું ઉદ્ઘાટન થવાનું છે, જે એકતા નગરના વિકાસને વેગ આપશે.
તેઓ એકતાનગર ખાતે સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ટ્રાફિક સર્કલ્સ, સ્માર્ટ બસ સ્ટોપ, કાર ચાર્જિંગ પોર્ટ, 4 મેગાવોટ સોલર પ્રોજેક્ટ, ICU ઓન-વ્હીલ્સનું લોકાર્પણ કરશે. નાગરિકોને મૂળભૂત તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટે 22 કરોડના ખર્ચે 50 બેડની ક્ષમતા ધરાવતી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં ટ્રોમા સેન્ટર, ગાયનેક ઓટી, માઈનોર ઓટી, ઓટી રૂમ, સીટી સ્કેન, ICU, લેબર રૂમ, સ્પેશિયલ વોર્ડ, ફિઝિયોથેરાપી વોર્ડ, સર્જન કેબિન, મેડિકલ સ્ટોર, 1 એમ્બ્યુલન્સ વગેરે સુવિધા મળશે. આ ઉપરાંત, 2 ICU ઓન-વ્હીલ્સનું પણ લોકાર્પણ થશે.