અંધશ્રદ્ધા-કાળાજાદુ વિરોધી ખરડા ઉપરાંત ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહીની જોગવાઈ સહીત પાંચ ખરડા રજૂ થશે
ગાંધીનગર
ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 21 ઓગસ્ટને બુધવારથી શરૂ થશે. 21 થી 23 ઓગસ્ટ દરમિયાન ચાલનાર આ સત્રમાં હવે અનેક મહત્વના બિલ રજૂ કરાશે. હાલ મળતી માહિતી પ્રમાણે આ 3 દિવસ ચાલનારા ચોમાસું સત્રમાં કાળાજાદૂ અને ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ રજૂ કરાશે. આ સાથે ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી માટેનું બિલ પણ રજૂ કરાશે.
આ ઉપરાંત અન્ય બે વિધેયક કેન્દ્રીય કાયદા સુધારાને આનુષાંગિક છે. આ વિધેયકોને કેબિનેટની બેઠકમાં મંજૂરી પણ આપી દેવામાં આવી છે.બીજી બાજુ
પાંચ વિધેયક પૈકી મહત્વનું ગણી શકાય તેવું અંધશ્રદ્ધા અને કાળા જાદુ વિરોધી વિધેયક છે. આ વિધેયકમાં ધાર્મિક પરંપરા અને રિવાજોને બાદ કરતા જે અંધશ્રદ્ધા ફેલાવાઈ રહી છે કે ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેને અટકાવવા માટે કડક સજાની જોગવાઈવાળુ વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવશે.
આ સિવાય ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓમાં દાખલો બેસે તેવી કાર્યવાહી થઈ શકે તે માટેનું વિધેયક પણ સરકાર તૈયાર કરી રહી છે. જેમાં ક્લાસ વન અધિકારી સામે પણ મિલકત જપ્તી સુધીની કાર્યવાહી થઈ શકે તે મુજબની જોગવાઈ રાખવામાં આવી રહી હોવાની માહિતી મળી રહી છે. આ ઉપરાંત લાંચ રૂશ્વત શાખાની ટ્રેપમાં આવેલા કર્મચારીઓ અને અધિકારીઓ પુરાવાના અભાવથી છટકી જતા એટલે તે માટેની જોગવાઈઓ પણ રાખવામાં આવી છે. ભ્રષ્ટ કર્મચારી અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની વધુ સત્તા એસીબીને સોંપતી જોગવાઈ કરાઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
દારૂ, ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થોનો વેપલો કરનારાઓને આર્થિક ફટકો આપવા અને આવા કિસ્સામાં પકડાયેલા વાહનોથી સરકારી આવક વધારવાના હેતુથી સરકાર નશાબંધીના કાયદામાં સુધારો કરવા જઈ રહી છે. આ માટેનું ગુજરાત નશાબંધી સુધારા વિધેયક 2024 ગૃહમાં રજુ કરવા માટે તૈયાર કરી લેવાયું છે. જેમાં દારૂ ડ્રગ્સ સહિત નશીલા પદાર્થોની હેરાફેરીમાં પકડતા વાહનો હયાત કાયદા મુજબ કોર્ટના અંતિમ ચુકાદા સુધી સરકાર હરાજી કરી શકતી નથી. પરંતુ આ કાયદામાં સુધારો કરી વાહન ભંગાર થાય તે પહેલા હરાજી કરી શકે તેવો કાયદો ઘડવામાં આવશે.
મહેસૂલ વિભાગ પણ બિનખેતી માટેના પુરાવાની માન્યતાને લગતા કાયદાકીય સુધારા સાથે એક વિધેયક રજુ કરશે. જે કૃષિ અને નોન એગ્રીકલ્ચરલ લેન્ડ કન્વર્ઝનના મામલાઓમાં સ્પષ્ટતા લાવશે. ઉપરાંત કેન્દ્ર સરકારે સંસદમાં ફોજદાર ન્યાયસંહિતા વિધેયક ગયા વર્ષે પસાર કર્યુ હતુ. જે અનુસંધાનમાં રાજ્ય સરકાર આ સત્રમાં અનુકુળ સુધારા સાથે આ વિધેયકને વિધાનસભામાં રજૂ કરશે.