રાજકોટ સહિત સાત શહેરોમાં થયું આયોજન : અમદાવાદમાં મુખ્યમંત્રી કરશે ઉદઘાટન
મુલાકાતીઓ માટે પ્રદર્શનો, લાઇવ ડેમોન્સ્ટ્રેશન તેમજ લાઇવ ફૂડસ્ટોલ્સનું આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બરછટ અનાજ એટલે કે મિલેટ્સમાંથી મળતા પોષણની મહત્તા સમજીને મિલેટ્સના ઉત્પાદન અને વપરાશ પર ભાર મૂક્યો છે.અને ગુજરાત પણ જાડા અને બરછટ અનાજના ઉપયોગ અને વપરાશને પ્રોત્સાહન આપી રહ્યું છે. આ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આગામી 8 અને 9 ફેબ્રુઆરી, 2025 દરમિયાન રાજ્યમાં ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય કાર્યક્રમનો ઉદ્દેશ મિલેટ્સ ઉત્પાદનો તેમજ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમ સાત મ્યુનિસિપલ કોર્પોરેશનો – અમદાવાદ, જામનગર, ગાંધીનગર, વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટમાં યોજાશે, જેમાં રાજ્ય સ્તરનો કાર્યક્રમ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત થશે. 8 ફેબ્રુઆરી, 2025ના રોજ બપોરે 12.15 વાગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે.

આ કાર્યક્રમમાં, મિલેટ્સનું ઉત્પાદન કરતા તેમજ પ્રાકૃતિક કૃષિ અપનાવતા રાજ્ય સ્તરના FPO સાથે સંકળાયેલા લગભગ 1000 ખેડૂતો, જાણીતા NGOs અને રાજ્યના શહેરી નાગરિકો સામે થશે. આ કાર્યક્રમમાં અંદાજે 25,000 થી 30,000 મુલાકાતીઓ આવવાની અપેક્ષા છે. તેવી જ રીતે, અન્ય મહાનગરપાલિકાઓમાં યોજાનારા જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં લગભગ 500 ખેડૂતો અને વિષય નિષ્ણાંતો સામેલ લેશે. જિલ્લા કક્ષાના કાર્યક્રમ સ્થળોએ સ્થળ દીઠ લગભગ 20,000 થી 25,000 મુલાકાતીઓ આવવાનો અંદાજ છે. સવારે 9.00 વાગ્યાથી રાતે 9.00 વાગ્યા સુધી ચાલનારો આ બે દિવસીય કાર્યક્રમ, ખેડૂતો, કૃષિ નિષ્ણાંતો, વ્યવસાયો (બિઝનેસ) અને ગ્રાહકો માટે એક ગતિશીલ મંચ તરીકે સેવા આપશે, જ્યાં તેઓને મિલેટ્સ તેમજ પ્રાકૃતિક ખેતીની સંભાવનાઓને એક્સપ્લોર કરવાની તક મળશે.
મિલેટ મહોત્સવમાં 125 રાજ્ય-સ્તરીય અને 75 જિલ્લા કક્ષાના સ્ટોલનું પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે, જેમાં મિલેટ્સ (જાડું અને બરછટ અનાજ)ના ઉત્પાદનો, પ્રાકૃતિક ખેતી તકનીકો, અને પ્રાકૃતિક કૃષિપેદાશોની એક વિશાળ શ્રેણી પ્રદર્શિત કરવામાં આવશે. વધુમાં, આ પ્રદર્શનમાં, રાજ્ય કક્ષાના 100 અને જિલ્લા કક્ષાના 60 સ્ટોર મિલેટ આધારિત ઉત્પાદનો તેમજ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોને સમર્પિત હશે, જેમાં અનુક્રમે 25 અને 15 લાઇવ ફૂડ સ્ટોલ્સ હશે.
પેનલ ચર્ચાઓ અને લાઇવ ડેમો ઉપરાંત, મુલાકાતીઓના મનોરંજન માટે મિલેટ મહોત્સવમાં સાંજે 5.30 થી 7.00 વાગ્યા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લાઇવ બેન્ડ, મેસ્કોટ્સ, તેમજ મહેંદી કલા, ગેમ ઝોન અને કઠપૂતળી જેવા આકર્ષણો સાથેના એન્ટરટેઇનમેન્ટ ઝોનનો સમાવેશ થાય છે.