- લાખોની જનમેદની ઉમટતી હોય લોકોની સુરક્ષાને પ્રાધાન્ય
- મેળામાં ચકરડી, ફજત-ફાળકા સિવાય પણ અનેક આકર્ષણો છે : કલેકટર
રાજકોટ : રાજકોટના ભાતીગળ ધરોહર લોકમેળામાં ગુજરાત સરકારની એસઓપી મુજબ રાઇડસ લગાવવાને બદલે યાંત્રિક પ્લોટ્સ ખરીદનાર પાર્ટીએ અન્ય ધંધાર્થીઓને પ્લોટ બારોબાર વેચી માર્યા બાદ 31 પૈકી એક પણ રાઇડ્સ સંચાલકે એસઓપીના નિયમ મુજબ સિમેન્ટ-કોંક્રીટનું ફાઉન્ડેશન ન ભરતા માત્ર લાકડાના ટેકા ઉપર જ રાઇડ્સ ઉભી કરવાની સાથે હજુ સુધી તંત્ર સમક્ષ એનઓસી માટે આવવાને બદલે હાઇકોર્ટમાં પહોંચી જઈ મેળામાં રાઇડ્સ ચાલુ રાખવા દાદ માંગતા લોકમેળો હાઇકોર્ટ પહોંચ્યો છે અને આજે આ મામલે હાઇકોર્ટ ફેંસલો સંભળાવે તેવી શક્યતા જોવાઈ રહી છે, બીજી તરફ રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ લોકોની સુરક્ષાના ભોગે નિયમમાં કોઈપણ જાતની બાંધછોડ નહીં કરવામાં આવે તેવું સ્પષ્ટ કરી લોકમેળામાં માત્ર રાઇડ્સ જ આકર્ષણનું કેન્દ્ર નહીં હોવાનું જણાવ્યું હતું.
આગામી તા.24ને શનિવારથી રાજકોટના રેષકોર્ષ મેદાનમા પાંચ દિવસીય ધરોહર લોકમેળાનો શુભારંભ થનાર છે ત્યારે લોકમેળો શરુ થાય તે પૂર્વે જ મેળો કાનૂની વિવાદમાં સપડાયો છે, ગુજરાત સરકારની એસઓપી મુજબ સિમેન્ટ કોન્ક્રીટના ફાઉન્ડેશન ઉભા કરવાને બદલે લાકડાના ટેકા ભરાવી મસમોટી રાઇડ્સ ઉભી કરી માત્ર સોઇલ ટેસ્ટના આધારે જમીન મજબૂત હોવાનો દાવો કરનાર રાઇડ્સ સંચાલકો વતી યાંત્રિક આઇટમોના પ્લોટ ખરીદનાર વિરેન્દ્રસિંહ ગોહિલ દ્વારા મેળામાં ફાઉન્ડેશન વગર જ રાઇડ્સ ચાલુ રાખવા મામલે હાઇકોર્ટમાં અરજી કરી અરજન્ટ સુનાવણી કરવા દાદ માંગતા હાઇકોર્ટે લોકમેળા સમિતિ સહિતના વિભાગોને નોટિસ ઈશ્યુ કરી આજે સુનાવણી યોજનાર હોવાનું જાણવા મળે છે.
બીજી તરફ રાજકોટ જિલ્લા કલેકટર અને લોકમેળા સમિતિના અધ્યક્ષ પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, લોકમેળામાં લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે. લોકોની સુરક્ષાના ભોગે નિયમોમાં કોઈ જ બાંધછોડ કરવામાં નહીં આવે સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, રાજકટના લોકમેળામાં રાઇડ્સ જ માત્ર આકર્ષણ નથી અન્ય આકર્ષણો પણ ઉપલબ્ધ છે અને લોકોના મનોરંજન માટે હજુ પણ અન્ય આકર્ષણો ઉમેરવામાં આવશે, સાથે જ તેઓએ લોકમેળા બાબતે હાઇકોર્ટના આદેશ મુજબ નિર્ણય લેવામાં આવશે તેમ જણાવી સરકારની એસઓપીના પાલનને પ્રાધાન્ય આપવામાં આવશે તેવું સ્પષ્ટ કર્યું હતું.
દરમિયાન રાજકોટના લોકમેળા ઉપરાંત અન્ય બે ખાનગી મેળા સંચાલકો દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલ અરજી અને અરજન્ટ સુનાવણી અંગે લોકમેળામાં તમામ 31 યાંત્રિક પ્લોટ્સ ખરીદનાર વિરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, અમે અમારા એડવોકેટ આશિષ ડગલી મારફતે હાઇકોર્ટમાં દાદ માંગી છે, એસઓપીની જોગવાઈ મુજબ જ અમે સોઇલ ટેસ્ટ કરાવ્યા છે જે પોઝિટિવ આવ્યા હોય ફાઉન્ડેશનની કોઈ જરૂરત ન હોવાથી તંત્ર અમોને ફાઉન્ડેશન વગર રાઇડ્સ માટે મંજૂરી આપે તે માટે અમે દાદ માંગી હોવાનું તેમને જણાવ્યું હતું.
પ્રભારી મંત્રી રાઘવજી પટેલના હસ્તે લોકમેળાનું ઉદઘાટન
રાજકોટના ભાતીગળ ધરોહર લોકમેળાનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હસ્તે ઉદઘાટન કરવા તંત્રએ મુખ્યમંત્રીને આમંત્રણ પાઠવ્યું હતું પરંતુ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજર રહી શકે તેમ ન હોય રાજકોટના પ્રભારીમંત્રી રાઘવજી પટેલના હસ્તે લોકમેળાનું ઉદઘાટન કરવામાં આવનાર હોવાનું તંત્રએ જાહેર કર્યું હતું.