નાગપુર હિંસા મામલે શું નવો ધડાકો થયો ? કેટલા પકડાયા ? વાંચો
મહારાષ્ટ્ર પોલીસ અને સાયબર પોલીસ નાગપુર હિંસાના આરોપીઓને શોધવામાં વ્યસ્ત છે. અન્ય એક આરોપી ફહીમ ખાનની ધરપકડ થઈ ગઈ છે. સાયબર ડેપ્યુટી પોલીસ કમિશનર લોહિત મટાણીએ મીડિયાને જણાવ્યું હતું કે ફહીમ ખાન નાગપુર હિંસાના માસ્ટરમાઇન્ડ્સમાંનો એક છે. તેમણે કહ્યું કે ફહીમ ખાન સહિત 6 આરોપીઓ સામે રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે. હિંસા ફેલાવવા માટે બાંગ્લાદેશ કનેક્શન પણ બહાર આવ્યું છે અને તે દિશામાં તપાસ શરૂ થઈ છે . સોશ્યલ મીડિયા એકાઉન્ટ ત્યાંના મળ્યા છે. આ બધા થકી વિડીયો શેર કરાયા હતા.
અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસને પુરાવા મળ્યા છે કે મુઘલ શાસક ઔરંગઝેબની કબર હટાવવાના સમર્થનમાં સોમવારે રાત્રે નાગપુરમાં થયેલી હિંસા પાછળ ફહીમ ખાન મુખ્ય સૂત્રધાર હતો. એટલા માટે પોલીસે મુખ્ય માસ્ટરમાઇન્ડ ફહીમ શમીમ ખાન વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૫૨ હેઠળ કેસ નોંધ્યો છે.
૧૭૨ વિડીયો મળ્યા
તેમણે કહ્યું કે સોમવારે રાત્રે નાગપુરમાં થયેલી હિંસાના વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારા 50 લોકો સામે નાગપુર સાયબર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. સાયબર પોલીસને હિંસા ભડકાવતા 172 વીડિયો મળ્યા છે. જેના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસે 230 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તપાસ કરી છે જેમાંથી હિંસાના અનેક વાંધાજનક વીડિયો પ્રસારિત કરવામાં આવ્યા છે.
કેટલાક વિડિયોમાં સર તન સે જુદા જેવા ભડકાઉ સૂત્રો પણ હતા અને હિંસા વધુ ફેલાવવા માટે પણ તેમાં ધમકીઓ અપાઈ છે . અત્યાર સુધીમાં આ બારામાં ૮૪ લોકોની ધરપકડ કરાઇ છે .