જુનાગઢ : ઘેડપંથકમાં દેવદૂત સમાન NDRFની ટીમે 6 કલાક બોટ ચલાવી બિમાર મહિલાને હોસ્પિટલ પહોંચાડ્યા
સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને લઈને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. મુશળધાર વરસાદ વરસતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. નીચાણવાળા વિસ્તારમાંઆ પાણી ભરાય જવાથી લોકોને સ્થળાંતરીત કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ત્યારે વાત કરીયે જુનાગઢ જિલ્લાની તો જુનાગઢમાં ભારે વરસાદને લઈ અનેક રસ્તાઓ બંધ થયા છે. ત્યારે ઘેડ પંથકના બગસરા ઘેડ વિસ્તાર સંપૂર્ણ રીતે બેટમાં ફેરવાયો હતો. આવી વિકટ પરિસ્થિતિમાં એનડીઆરએફ અને મનપાની ફાયર ટીમ ખડેપગે રહીને લોકોને સલામત સ્થળે ખસેડવામાં મદદરૂપ થઈ છે ત્યારે અહી ગામમાં ૬૫ વર્ષીય મહિલાની તબિયત લથડતા એનડીઆરએફની ટીમે સતત છ કલાક સુધી બે બોટ મારફત પાણીમાં પસાર કરીને મહિલાનું રેસ્ક્યુ કરીને હોસ્પિટલ પહોચાડી હતી તો રસ્તામાં એક વૃધ્ધ દંપતીને પણ સલામત સ્થળે ખસેડી બચાવ્યા હતા.
જ્યારે ભારે વરસાદને કારણે જળબંબાકારઇ સ્થિતિ સર્જાય છે ત્યારે NDRFની ટીમ જ દેવદૂત બનીને લોકોની વહારે આવતી હોય છે ત્યારે જુનાગઢ જિલ્લાનો ઘેડ વિસ્તાર જળબંબાકાર થયો છે. અને જેમાં બગસરા ઘેડ પંથક આજે જળબંબાકાર બન્યો હતો, અહી ગામમાં રહેતા પુજાબેન માધવજીભાઈ ચાવડા ઉ.૬૫ ને કોલેરા સાથે ઝાડા-ઉલટી થતા તબિયત એકદમ લથડી હતી, અને તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા પડે તેવી સ્થિતિ સર્જાતા મામલતદાર, ટીડીઓએ એનએડીઆરએફની ટીમની મદદ લીધી હતી, અને ટીમના ૧૮ જવાનો, ટીડીઓ, પીએચસીના ડો.કિશોર માવદીયા બે બોટ મારફત બપોરે ૩.૩૦ કલાકે બગસરા ઘેડ ગામમાં જવા માટે પ્રયાણ કર્યું હતું.
મોડી રાતે 8 કલાકે ટીમ ગામમાં પહોંચી અને પુજાબેનને પીએચસી સેન્ટરથી ટ્રેક્ટરમાં લઈને મેખડી સુધી પહોચાડી અને મોડી રાતે એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડવાની તજવીજ કરી હતી. આ રેસ્ક્યુ પાછળ ટીમને ચારેક કલાકનો સમય લાગ્યો હતો, કારણ કે ગામમાં ચારેકોર પાણી ભરેલા હતા, અને ત્યાં સુધી પહોંચવામાં રસ્તાઓ પાણીમાં ગરકાવ હતા, જેથી બોટ મારફત રેસ્ક્યુ કરવા ટીમ નીકળી હતી, ત્યારે રસ્તામાં બગસરા ઘેડ પાસે ટીંબા વિસ્તારમાં છેલ્લા ૪૦ વર્ષથી વસવાટ કરતા અરજણભાઈ જેઠાભાઈ બગીયા, અને તેમના પત્ની ડાયબેન અરજણભાઈ બગીયા ઉ.૬૦ નું ઘર ચારેકોર પાણી ભરેલા હતા. તેમને સલામત સ્થળે આવવા માટે જવાનોએ તેમને સમજાવ્યા અને બોટમાં બેસાડી બહાર કાઢીને બચાવી લીધા હતા.