જામનગરના બે ડેમ થયા ઓવરફ્લો : નીચાણ વાળા વિસ્તારોને કરાયા એલર્ટ, જુઓ તસ્વીરો
જામનગરમાં સતત બે દિવસથી મેઘાવી માહોલ જામ્યો છે, આજે વહેલી સવારથી ધોધમાર વરસાદને પગલે જામનગર જિલ્લાના જામજોધપુર વિસ્તારમાં 19 મીમી, જામનગર તાલુકામાં 18 મીમી, જોડીયામાં 3 મીમી, લાલપુરમાં 2 મીમી વરસાદ વરસ્યો છે. આમ સમગ્ર જિલ્લામાં સરેરાશ 10 મીમી વરસાદ ખાબક્યો છે.જામનગરના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા નિરની ભરપૂર આવક થઇ છે.
રણજીતસાગર ડેમ ઓવરફલો થયો ઓવરફલો
જામનગરવાસીઓ માટે ખૂબ જ આનંદદાયક સમાચાર મળ્યા છે. ચાલુ વરસાદની સિઝનમાં જામનગર શહેરને પાણી પૂરું પાડતો અને રાજાશાહીના વખતનો મુખ્ય આધાર સ્તંભ એવો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે. હાલ ડેમ છલોછલ થયો છે. ત્યારે નીચાણવાળા વિસ્તારના લોકોને નદીના પટમાં અવર જવર નહિ કરવા સુચના આપી દેવામાં આવી છે. રણજીતસાગર ડેમ ઓવરફલો થતા આગામી એક વર્ષ માટે જામનગરવાસીઓની પીવાના પાણીની સમસ્યા હલ થઇ છે. ત્યારે નવા નીરના વધામણા કરવા માટે વિપક્ષના કાર્યકરો રણજિત સાગર ડેમ પહોંચ્યા હતા.
જામનગર શહેરને પાણી પૂરું પાડતો સસોઈ ડેમ ઓવરફલો
જામનગર શહેરને પાણી પૂરું પાડતો સસોઈ ડેમ ઓવરફલો થઇ ગયો છે. લાલપુરના ગ્રામ્ય પંથકમાં પડેલા વરસાદના કારણે પૂરો ભરાયો હતો, અને 11.31 વાગ્યાથી ઓવરફ્લો થઈ જતાં ડેમના પાળા પરથી પાણી જઈ રહ્યું છે. તેથી જામનગર શહેરને પાણી પૂરું પાડવા માટેનું જળકટ હળવુ બન્યું છે, માત્ર 24 કલાકમાં જ જામનગર શહેર માટે પાણીનો પ્રશ્ન મોટા ભાગે હાલ થઈ ગયો હોવાનું જામનગર મહાનગરપાલિકાની વોટર વર્ક્સ શાખાના અધિકારી દ્વારા જણાવાયું છે.
દ્વારકામાં ફરી મેઘતાંડવ: કલ્યાણપુરમાં 11 ઈંચ વરસાદ
આજે સવારથી કલ્યાણપુર તાલુકામાં 11 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાથી આખો વિસ્તારો પાણીમાં ડૂબ્યો હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામે રેસ્ક્યુ ઓપરેશનનો પણ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં નદીમાં ફસાયેલા ત્રણ ખેડૂતોનું હેલિકોપ્ટરથી સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
ભારે વરસાદને લઇ સાંસદપૂનમબેન માડમએ લોકોને સંદેશ આપ્યો
દ્વારકામાં અને જામનગરમાં હાલ વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને દ્વારકામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદને લઇ સાંસદ પૂનમબેન માડમએ લોકોને સંદેશ આપ્યો હતો. દિલ્હીમાં બજેટ સત્રમાં જતી વખતે અમદાવાદ એરપોર્ટ પરથી સંદેશ મોકલ્યો હતો અને કલ્યાણપુર અને દ્વારકામાં ભારે વરસાદને લઈને લોકોને સાવચેત રહેવા સૂચના આપી હતી તેમજ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરાતી હોવાની માહિતી આપી હતી.