રાજકોટ-અમદાવાદ હાઈ-વે છે કે ઢોરની ગમાણ ?
સિક્સલેનનું કામ પૂરું થાય ત્યારે સાચું તે પહેલાં વાહનો અભિમન્યુના સાત કોઠવા વિંધવા મજબૂર
એક મહિનામાં ૯ અકસ્માત, ત્રણના મોત: રસ્તાની વચ્ચોવચ્ચ મોટી સંખ્યામાં ઢોર બેઠા હોવા ઉપરાંત ગમે ત્યારે દોડવા લાગતા ચાલકો સ્ટિયરિંગ પરથી ગૂમાવી બેસે છે કાબૂ
સૌથી વધુ માઠી એરપોર્ટ જનારા લોકોની: હાઈ-વે હોવાને કારણે વાહનની સ્પીડ પણ વધુ હોય બરાબર ત્યારે જ ઢોર સામે આવતાં અકસ્માત થયા વગર રહેતો નથી
પોલીસ ચોપડે ન નોંધાતાં અકસ્માતની સંખ્યા પણ ચિંતાજનક: જવાબદાર તંત્રએ એક્શન લેવા જરૂરી અન્યથા મોટી દૂર્ઘટના બનતા વાર નહીં લાગે
રાજકોટ-અમદાવાદ હાઈ-વે ઉપર પસાર થનારા એક પણ વાહન ચાલકને રસ્તા પર ઢોર વચ્ચે ન નડ્યા હોય તો તેને ભાગ્યશાળી જ ગણવો પડશે ! રાજકોટથી લઈ છેક હિરાસર એરપોર્ટ સુધીના ૩૨ કિલોમીટરના રસ્તા ઉપર જાણે કે ઢોરની ગમાણ ખૂલી ગઈ હોય તેવી રીતે જ્યાં જુઓ ત્યાં ઢોરના ઢગલા જોવા મળી રહ્યા છે. એકંદરે હવે તો અહીંથી પસાર થનારી દરેક વ્યક્તિ એમ જ કહી રહી છે કે રાજકોટ-અમદાવાદ હાઈ-વે છે કે ઢોરની ગમાણ ? ચિંતાની બાબત એ છે કે એક મહિનાની અંદર અહીં ૯ અકસ્માત થયા છે જેમાં ત્રણ લોકોના મોત પણ થયા હોવાની વિગત જાણવા મળી રહી છે.
વાહનચાલકોના જણાવ્યા પ્રમાણે હાઈ-વે હોવાને કારણે અહીંથી નાની કારથી લઈ મોટા ટ્રક પસાર થઈ રહ્યા હોય છે અને તેમની ઝડપ પણ એટલી જ હોય છે. બરાબર આ જ સમયે અચાનક ઢોર વચ્ચે આવી જવાને કારણે તેને બચાવવા જતાં અકસ્માત થયા વગર રહેતો નથી. બીજી બાજુ રસ્તા વચ્ચોવચ્ચ ઢોર બેસી ગયા હોવાને કારણે વાહન તારવી તારવીને હંકારવું પડે છે જેના કારણે પણ અકસ્માત થઈ રહ્યા છે.
આ અંગે કૂવાડવા પોલીસ મથકનો સંપર્ક સાધવામાં આવતાં અહીં એક મહિનાની અંદર ત્રણ અકસ્માત થયા છે જેમાં બે લોકોના મૃત્યુ પોલીસ ચોપડે નોંધાયા છે. આ જ રીતે એરપોર્ટ પોલીસ મથકમાં બે અકસ્માત થયા છે અને તેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાની નોંધ કરાઈ છે. જો કે પોલીસ ચોપડે ન નોંધાતાં હોય તેવા અકસ્માતોની સંખ્યા ખરેખર ચિંતાજનક હોવાથી પોલીસ, હાઈ-વે ઓથોરિટી સહિતના જવાબદાર તંત્રએ આ દિશામાં ગંભીરતાપૂર્વક કાર્યવાહી કરવાની જરૂર છે અન્યથા અહીં મોટી દૂર્ઘટના સર્જાતાં વાર નહીં લાગે.
બીજી બાજુ એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું કે ૧૫ દિવસમાં અહીં ચાર અકસ્માત થયા છે અને દરરોજ વાહન અથડાયા જ કરે છે. એરપોર્ટમાં ૧૦૦૦ જેટલો સ્ટાફ દૈનિક અવર-જવર કરે છે ત્યારે તેમને પણ ઢોરને કારણે અકસ્માતનો સામનો કરવો પડી રહ્યો છે બીજી બાજુ દરરોજ ૨૫૦૦થી વધુ મુસાફરોની પણ અવર-જવર રહેતી હોવાથી તેમના હિતાર્થે તંત્ર દ્વારા આ દિશામાં કાર્યવાહી કરવી જોઈએ. આ અંગે એરપોર્ટ ઓથોરિટી દ્વારા હાઈ-વે ઓથોરિટીને પત્ર લખવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.